ઇરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટની અઠવાડિયાની શરૂઆત જ ભારે ગાબડાથી થઈ છે. સેન્સેક્સ 2743 પોઈન્ટ (3.38%) ઘટીને 78543 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 519 પોઇન્ટ (2.06%) તૂટીને 24659 પર પહોંચ્યો. બેંક નિફ્ટીમાં 1300 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. થોડીવાર પછી બજારમાં થોડી રિકવરી જોવા મળી, છતાં દબાણ યથાવત રહ્યું. સવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ અંદાજે 1000 પોઈન્ટ ઘટીને 80282 આસપાસ ટ્રેડ થયો અને નિફ્ટી 24900 ની નીચે સરક્યો હતો. 9:24 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 902 પોઈન્ટ ઘટીને 80384 અને નિફ્ટી 270 પોઈન્ટ તૂટીને 24907 પર હતો. યુદ્ધની અસર કોમોડિટી બજારમાં પણ દેખાઈ. કાચા તેલના ભાવમાં 10%થી વધુ ઉછાળો આવ્યો છે. નિષ્ણાતોના મત મુજબ જો સંઘર્ષ લાંબો ચાલશે તો બજારમાં વધુ વેચવાલી જોવા મળી શકે છે અને કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
બીએસઈ ટોપ 30માંથી 29 શેર લાલ નિશાનમાં રહ્યા હતા. ફક્ત ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL)માં લગભગ 1%ની તેજી નોંધાઈ છે. ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો)માં આશરે 5%નો ઘટાડો, લાર્સન એન્ડ ટુબ્રો (L&T)માં 4%, અદાણી પોર્ટ્સમાં 3% અને એટર્નલમાં 2% સુધીની નબળાઈ જોવા મળી હતી. બજાર ધરાશાયી થતાં રોકાણકારોની સંપત્તિમાં ભારે ગાબડું પડ્યું છે. BSEનું માર્કેટ કેપ શુક્રવારે 463.50 લાખ કરોડ રૂપિયા હતું, જે સોમવારે ઘટીને લગભગ 457.50 લાખ કરોડ સુધી આવી ગયું. એટલે કે અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન. ક્ષેત્રીય સૂચકાંકોમાં પણ વ્યાપક નબળાઈ જોવા મળી હતી. રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 2%નો ઘટાડો નોંધાયો. ONGC, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને હિન્ડાલ્કો ટોચના ગેઈનર્સ રહ્યા, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ લગભગ 1%ની નબળાઈ નોંધાઈ. મધ્ય પૂર્વની અનિશ્ચિતતા અને ઊંચા તેલના ભાવને કારણે રોકાણકારોમાં ભયનું માહોલ છે અને બજારની દિશા હવે યુદ્ધની આગળની સ્થિતિ પર નિર્ભર રહેશે.