નવી દિલ્હી: બંગાળની ખાડી (Bay Of Bangal) પરનું ડીપ પ્રેશર ‘સાયક્લોનિક સ્ટોર્મ’માં પરિવર્તિત થયું છે. જેને ‘મિચોંગ’ (Michong) નામ આપવામાં આવ્યું છે. આજે મંગળવારે સવારે તે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે પહોંચવાની ધારણા હતી. ભારતીય હવામાન વિભાગે (IMD) સોમવારે આ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે આજે ચેન્નઇમાં આ વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો. જેમાં 5ના મોત થયા.
તીવ્ર ચક્રવાત ‘મિચોંગ‘ દેશના દક્ષિણી રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં કહેર રહ્યું છે. તેમજ ભારે તોફાન અને ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં પાંચ લોકોના મોત થયા છે. આ સાથે જ ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના સીએમ સાથે વાત કરી છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તમિનલાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટઅલિન અને પુડુચરીના મુખ્યમંત્રી એન. રંગાસામી સાથે વાત કરી હતી. તેમજ ચક્રવાતના કારણે થયેલા નુકસાનની માહિતી પ્રાપ્ત કરી હતી. તેમણે પોતાના એક્સ એકાઉંટ ઉપર પોસ્ટ કરી કહ્યુ હતું કે, લોકોના જીવ બચાવવા માટે મોદી સરકારે તમામ પ્રકારની સુવીધઅઓ પૂરી પાડવા આશ્વાશન આપ્યું હતું. એનડીઆરએફ ની ટીમને પહેલાથી જ ઘટના સ્થળે સસજ્જ કરવામાં આવી છે.’
ચક્રવાત મિચોંગ પૂર્વ ભારત ઉપર અસર
ચક્રવાત મિચોંગ પૂર્વ કિનારે પહોંચતા ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં જનજીવન ખોરવાઈ ગયું છે. તેને ધ્યાનમાં રાખીને 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ચક્રવાત આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાઇ શકે છે.
ચક્રવાતી તોફાન આજે બાપટલા કિનારે પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને રાહત પગલાં લેવા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 8 જિલ્લાઓ તિરુપતી, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા માટે હાઇ એલર્ટ જાહેર કરાયું છે.
આ ચક્રવાતી વાવાઝોડામાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભઅવના છે. માટે રેડ્ડીએ જણાવ્યું હતું કે ચક્રવાતથી પ્રભાવિત તમામ જિલ્લાઓમાં વિશેષ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે અને બચાવ અને રાહત કામગીરી માટે 2 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
ચક્રવાત ‘મિચોંગ’ની ચેન્નઇમાં જનજીવન ખોળવાયુ
સતત ભારે વરસાદને કારણે ચેન્નઇમાં ઓમન્દુર સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બહાર વાલાજાહ રોડ, માઉન્ટ રોડ, અન્ના સલાઈ, ચેપોક સહિતના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. તેમજ વરસાદને કારણે ચેન્નાઈના લોકપ્રિય મરિના બીચ પર પાણી ભરાઈ ગયું હતું. ત્યારે આજે મંગળવારે સવારે માઉન્ટ રોડથી મરિના બીચ સુધીના રસ્તાઓ પાણી ભરાઈ જવાને કારણે બ્લોક થઈ ગયા હતા.