ગાંધીનગર : મનપા – શહેરી વિકાસ વિસ્તાર તથા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ (Illegal construction) નિયમિત કરવા માટે આજે વિધાનસભામાં રાજય સરાકરના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહત્વનું વિધેયક રજૂ કરીને તેને ચર્ચાને અંતે પસાર કરાશે. વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા સરકાર શહેરી વિસ્તારોના મતો અંકે કરવા વટહુકમ લાવી હતી. હતી. તે પછી હવે આવતીકાલે વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રના છેલ્લા દિવસે સરકાર ગુજરાતમાં ઇમ્પેક્ટ ફીના (Impact Fee) વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવાઆ વિધેયક ગૃહમાં લાવશે. .
ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક 2022 આવતીકાલે તા.20મી ડિસેમ્બરના રોજ રજૂ કરાશે. જેની પર ચર્ચાના અંતે મંજૂરીની મહોર મારવામાં આવશે. આ વિધેયકનો ઉદ્દેશ્ય એવો છે કે રાજ્યના શહેરી વિસ્તારના વિકાસની સાથે સાથે મોટી સંખ્યામાં પરવાનગી વિના મકાનો બાંધવામાં આવ્યા છે, અથવા પરવાનગી આપવામાં આવી હોય ત્યાં વિકાસ અને નિયંત્રણ વિનિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવામાં આવેલું છે.
આવા મકાનોના માલિકો અને કબજેદારોને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ અથવા નગરપાલિકા અધિયનિયમ કે ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ મકાનો દૂર કરવા, તોડી પાડવા અથવા ફેરફાર કરવા ફરમાવતી નોટિસો આપવામાં આવી છે તેમ છતાં માલિકો નોટિસનું પાલન કરવા નિષ્ફળ ગયા હોવાથી સરકારે આવા મકાન અને બાંધકામો કાયદેસરના કરવા માટે ઇમ્પેક્ટ ફીનો વટહુકમ બહાર પાડ્યો હતો.
ભાજપ સરકારે ચૂંટણી પહેલા જ આ વાત કરી હતી, હવે તેને કાયદાકીય સ્વરૂપ અપાશે. રાજ્યમાં ચૂંટણી આવતી હોવાથી શહેરી મતદારોને ખુશ કરવા માટે સરકારે છ મહિનામાં વિધાનસભાનું સત્ર આવતું ન હોવાથી આ વટહુકમ 1લી ઓક્ટોબર 2022 પહેલાં થયેલા બિન અધિકૃત બાંધકામોને નિયમિત કરવા બહાર પાડ્યો હતો. ફી લઇને અનધિકૃત બાંધકામો નિયમિત થઇ શકે તે માટે અરજી કરવા સરકારે ચાર મહિનાની સમય મર્યાદા આપી હતી. અગાઉ જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો હતો. હવે વર્તમાન સરકારે ઓક્ટોબર 2022માં પહેલાં વટહુકમ અને હવે ડિસેમ્બર 2022માં કાયદો પસાર કરવાનો પ્રયાસ કર્યો છે.