ગાંધીનગર : ભારતીય ખેડૂત ખાતર સહકારી સંસ્થા ઈફકોએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રૂ. 4,106 કરોડથી વધુનો રેકોર્ડ પ્રી-ટેક્સ નફો નોંધાવ્યો છે. ઈફકોના ચેરમેન દિલીપ સંધાણીએ આ સિદ્ધિને સહકારી આંદોલન માટે ઐતિહાસિક ગણાવી જણાવ્યું કે આ સફળતા ખેડૂતોની મહેનત, કર્મચારીઓના સમર્પણ અને સહકારના મૂલ્યોનું પ્રતિબિંબ છે.
ઈફકો દ્વારા ખાતર વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ દરમિયાન 118.75 લાખ મેટ્રિક ટન ખાતરનું વેચાણ થયું, જ્યારે કુલ પુરવઠો 119.68 લાખ મેટ્રિક ટન રહ્યો હતો. યુરિયા અને DAP ખાતરના વધતા ઉપયોગ સાથે ઈફકોની કૃષિ ક્ષેત્રમાં ભૂમિકા વધુ મજબૂત બની છે.
નેનો ખાતર ક્ષેત્રે ઈફકો નવી દિશામાં આગળ વધી રહ્યું છે. વર્ષ દરમિયાન 301 લાખથી વધુ નેનો ખાતરની બોટલ્સનું વેચાણ થયું હતું. નેનો યુરિયા, નેનો DAP સહિતના ઉત્પાદનો ખેડૂતો માટે વધુ અસરકારક અને પર્યાવરણમૈત્રી વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. કંપનીએ બેંગલુરુ નજીક દેવનહલ્લીમાં ચોથું નેનો ખાતર પ્લાન્ટ શરૂ કર્યું છે, જેના કારણે દૈનિક ઉત્પાદન ક્ષમતા આશરે 9.5 લાખ બોટલ સુધી પહોંચી છે. ઈફકો હાલમાં 40થી વધુ દેશોમાં પોતાની સેવાઓ વિસ્તારી રહ્યું છે અને બ્રાઝિલમાં નેનો ખાતર ઉત્પાદન માટે સંયુક્ત સાહસ સ્થાપિત કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે.