Editorial

કોરોનાથી બચવું હોય તો વેક્સિન લો, અગાઉ લીધી હોય તો બુસ્ટર ડોઝ લો

આખી દુનિયાને હચમચાવી ગયેલી કોરોનાની મહામારી ધીરેધીરે ફરી દેખાઈ રહી છે. કોરોનાના કેસ ભારતમાં અને ગુજરાતમાં વધી રહ્યા છે. સરકારે પણ તકેદારી માટે અપીલ કરવા માંડી છે. આ તમામ વચ્ચે એક વાતે રાહત છે કે ભલે કોરોનાના કેસ વધ્યા પરંતુ તેની સામે મોતનો આંક નહીવત છે. અગાઉ કોરોનાની પહેલી અને બીજી લહેર વખતે કોરોનાના કેસના પ્રમાણમાં મોતનો આંક ભારે હતો. પરંતુ આ વખતે જાણે લોકોએ કોરોનામાં મોતને હાથતાળી આપી દીધી. જો કોરોનાથી કોઈએ બચાવ્યો હોય તો તે વેક્સિન જ છે.

જે રીતે ભારતમાં મોટાપાયે વેક્સિનેશન થયું તેને કારણે કોરોનામાં હવે મોતનો આંક દેખાતો નથી. ઉલ્ટું કોરોના એક સામાન્ય શરદી-ખાંસી-તાવ જેવો રોગ થઈ ગયો છે. સંભવ છે કે આગામી વર્ષોમાં કોરોનાનો એટલો હાઉ નહીં રહે. અગાઉ પણ વિવિધ પ્રકારની વેક્સિને વિવિધ જીવલેણ રોગોથી લોકોને બચાવ્યા હતા તેવી જ રીતે હવે ફરી વેક્સિન કોરોનાથી લોકોને બચાવી રહી છે. તાજેતરમાં આ સંદર્ભમાં મેડિકલ જર્નલ ધ લેન્સેટે એક એવો દાવો કર્યો હતો કે વેક્સિનને કારણે જ ભારતમાં કોરોનામાં 42 લાખથી પણ વધુના જીવ બચાવી શકાયા છે.

લેન્સેટ ઈન્ફેક્સશિયસ ડિજીજ જર્નલમાં એક અભ્યાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ માટે 8મી ડિસે., 2020થી 8મી ડિસે., 2021 સુધી ભારતમાં વધારાના મૃત્યુદરનો અંદાજનો આધાર લેવામાં આવ્યો હતો. પહેલા ડબલ્યુએચઓ દ્વારા એવો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો કે ભારતમાં જાન્યુ., 2020થી ડિસે., 2021 દરમિયાન 47 લાખના મોત થઈ શકે છે. જોકે, વેક્સિને ડબલ્યુએચઓનો આ અંદાજ ખોટો પાડ્યો હતો. સંશોધકો દ્વારા વિશ્વના 185 દેશમાં વધારાના મૃત્યુદરનો આધાર લઈને એવું શોધવામાં આવ્યું હતું કે, વેક્સિનેશનને કારણે પહેલા જ વર્ષમાં 3.14 કરોડ મૃત્યુને અટકાવી શકાયા છે. ડબલ્યુએચઓ દ્વારા વિશ્વના દરેક દેશમાં 40 ટકા વસતીને વેક્સિન આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જો આ લક્ષ્યાંક સાચો સાબિત થયો હોત તો વિશ્વમાં 5 લાખથી વધુ લોકોના જીવ બચાવી શકાયા હોત.

લેન્સેટ અભ્યાસના વડા અને લંડનની ઈમ્પિરિયલ કોલેજના પ્રોફેસર ઓલિવર વોટસને જણાવ્યું હતું કે, અમે એવો અંદાજ મુકતા હતા કે ભારતમાં 36.65 લાખથી 43.70 લાખના મોત થશે પરંતુ વેક્સિનેશને ભારતીયોના જીવ બચાવી લીધા છે. પહેલા એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ભારતમાં કોરોનાકાળમાં 51.60 લાખ મૃત્યુ થયા હશે. જે આંક સત્તાવાર રીતે નોંધાયેલા 5.24 લાખ મોત કરતાં તે 10 ગણા વધારે છે.

ડબલ્યુએચઓએ જૂન માસમાં જાન્યુ., 2020થી ડિસે., 2021 સુધીના આંકડા જાહેર કરીને એવું કહ્યું હતું કે, ભારતમાં કોરોનામાં 47 લાખ લોકોના મોત થયા છે. જેમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે થયેલા મૃત્યુનો સમાવેશ કરાયો છે. કોરોનામાં મોતના આ આંકડા આગળ પણ વધ્યા હોત પરંતુ વેક્સિનેશને તેને અટકાવી દીધા. ભારતમાં કોરોના સામેના વેક્સિનેશનમાં ગ્રામ્ય વિસ્તારોમાં એટલો મોટો પ્રતિસાદ મળ્યો નહોતો પરંતુ શહેરી વિસ્તારોમાં મોટાપાયે થયેલા વેક્સિનેશનને કારણે કોરોનાને કાબુમાં કરી શકાયો અને મોતને અટકાવી શકાયા.

જોકે, એક વખત વેક્સિનેશન થઈ ગયા બાદ એવું નથી કે જે તે વ્યક્તિને કોરોના થશે નહીં. વેક્સિનની અસર પણ લાંબો સમય રહે તેવી સંભાવના નથી. આ કારણે જ જેણે વેક્સિન નથી લીધી તેને લઈ લેવાની સાથે જેણે વેક્સિનના બે ડોઝ લઈ લીધા છે તેમણે પણ વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ લેવાની જરૂરીયાત છે. હાલમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે સરકાર પણ પોતાના હેલ્થ સેન્ટરો પરથી ફ્રીમાં બુસ્ટર ડોઝ આપે તે જરૂરી છે. કોરોનામાં મોત થતાં નહીં હોવાથી લોકો પણ ધીરેધીરે હવે બિન્ધાસ્ત બની રહ્યા છે પરંતુ સરકાર વેક્સિનેશન મામલે ફરી ગંભીર બને તે જરૂરી છે. વર્લ્ડના અનેક અભ્યાસો એવું કહી રહ્યા છે કે વેક્સિનેશને જ હવે વિશ્વને કોરોનામાંથી બચાવી રહ્યું છે ત્યારે લોકો અને સરકાર ફરી વેક્સિનેશનને ગંભીરતાથી નહીં લે તો કોરોના ફરી મહામારી બનશે તે ચોક્કસ છે.

Most Popular

To Top