NEWSFLASH

ખરાબ મટિરિયલ સપ્લાય કરશો તો બ્લેક લિસ્ટ કરી દઈશ, રેલવે મંત્રીની ચેતવણી

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સાધનો અને મટિરિયલ સપ્લાય કરતી કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે રેલવેમાં હલકી ગુણવત્તાવાળા મટિરિયલ્સ સપ્લાય કરનારી કંપનીઓને કોઈ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. આવી કંપનીઓ પર કડક કાર્યવાહી કરીને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

રેલવે મંત્રી વૈષ્ણવે ગત રોજ તા. 15 ઓક્ટોબર બુધવારે પ્રગતિ મેદાન ખાતે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને રેલવે મંત્રાલય દ્વારા આયોજિત ત્રણ દિવસીય 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન (IREE)ના ઉદ્ઘાટન પ્રસંગે નિવેદન આપ્યું હતું કે “ભારતના રેલ મુસાફરો હવે 1950 અને 60ના દાયકાની સેવાઓથી ખુશ નથી. સમય બદલાઈ ગયો છે અને હવે રેલવેને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવી પડશે. તેમણે કહ્યું કે હવે સમય છે ગુણવત્તા સુધારવાનો અને દરેક સપ્લાયરને પોતાની જવાબદારી સમજવી જરૂરી છે.”

ગુણવત્તા સુધારવાની જરૂરિયાત

વૈષ્ણવે કહ્યું કે રેલવે માટે ટ્રેક, સિગ્નલિંગ અને સાધનોના સપ્લાયર્સે હવે તેમની ઉત્પાદન પ્રક્રિયાઓમાં મૂળભૂત સુધારો કરવો પડશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું “મને ખબર છે કે ઘણા ઉત્પાદકોને આ કડક વલણ ગમશે નહીં પરંતુ મુસાફરોની સલામતી સૌથી અગત્યની છે.”

તેમણે રેલવે બોર્ડને નિર્દેશ આપ્યો છે કે એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે જે ગુણવત્તા નિરીક્ષણમાં સંપૂર્ણપણે નિષ્ણાત હોય. જો કોઈ કંપની ગુણવત્તા સુધારવામાં નિષ્ફળ જશે તો તેમને રેલવેની સૂચિમાંથી દૂર કરવામાં આવશે અને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે.

“હલકી ગુણવત્તાવાળા સપ્લાયરો માટે કોઈ દયા નહીં”
રેલવે મંત્રીએ કહ્યું કે સિગ્નલિંગ, અર્થિંગ, ટ્રેક સાધનો કે લોકોમોટિવ ભાગો દરેક ક્ષેત્રમાં 10 ગણો સુધારો કરવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું “હવે હલકી ગુણવત્તાવાળા સામગ્રી સપ્લાય કરનારાઓ માટે કોઈ દયા નહીં. સુધારશો નહીં તો ગુમાવશો.”

“લોકો હવે આધુનિક સેવાઓ ઈચ્છે છે”
વૈષ્ણવે વધુમાં કહ્યું કે “RDSO છેલ્લા ત્રણ વર્ષથી રેલવે સ્પષ્ટીકરણ સુધારવા પર કામ કરી રહ્યું છે અને હવે તે ઝડપથી આગળ વધવું જોઈએ. આજનો સમાજ આધુનિક છે. 1950-60ની સેવાઓથી સંતોષી રહેવાનો નથી. “2025ની દુનિયા વિશ્વ કક્ષાની રેલ મુસાફરીની હકદાર છે અને હવે ભારતે તે દિશામાં મજબૂત પગલું ભરવું જ પડશે.”

Most Popular

To Top