Columns

તું આ કન્યાને તારા આયુષ્યનો અડધો ભાગ આપી દે તો આ પ્રમદ્વરા જીવી જશે

વિવાહતિથિ નક્કી કર્યા પછી એક મોટું વિઘ્ન આવ્યું. પ્રમદ્વરા સખીઓ સાથે વિહાર કરવા નીકળી, પણ તેણે રસ્તામાં પડેલા એક સાપને ન જોયો અને તેના પર તેનો પગ પડયો. પછી સાપ પોતાનો સ્વાભાવ છોડે? તેણે તરત જ પ્રમદ્વરાને ડસી લીધી, આ સાપ ભયાનક ઝેરી હતો એટલે તરત જ પ્રમદ્વરાનો જીવ જતો રહ્યો અને તે બેશુદ્ધ થઇને ભૂમિ પર પડી ગઈ. પણ તેની સુંદરતામાં જરાય ઓટ ન આવી, તે ઊલ્ટી વધુ સુન્દર બની ગઈ.આને ચમત્કાર નહીં તો બીજું શું કહીશું? બધાએ આ ચૈતન્યહીન સુંદરીને જોઇ. બધાની વચ્ચે રુરુ પણ હતો તે તો આ પરિસ્થિતિની કલ્પના જ કરી શકયો નહીં. વિલાપ કરવા લાગ્યો- આ સુંદરી ભૂમિ પર નિશ્ચેત થઇને પડે છે અને મારું દુ:ખ વધારે છે, જો મેં દાન કર્યું હોય, તપ કર્યું, ગુરુજનોની સેવા કરી હોય તો તે જીવી ઊઠે.’

એનું રુદન સાંભળીને દેવદૂતે કહ્યું. ‘તારી વેદના સમજી શકાયછે. પણ જેનું આયુષ્ય આવી રહ્યું હોય તેને કોઇ ઉગારી શકતું નથી. આઅપ્સરા અને ગંધર્વની પુત્રીનું આયુષ્ય આવી ગયું. પણ એક ઉપાય છે, જો તારાથી થઇ શકે તો કર’. રુરુ તો એકદમ બોલી ઊઠયો, ‘અરે દેવદૂત, દેવતાઓએ કયો માર્ગ બતાવ્યો છે? હું એ પ્રમાણે કરીશ, મારો ઉદ્ધાર કરો.’ દેવદૂતે તેને કહ્યું. ‘તું આ કન્યાને તારા આયુષ્યનો અડધો ભાગ આપી દો તો આ પ્રમદ્વરા જીવી જશે. રુરુ પ્રમદ્વરા વિના રહી શકતો ન હતો એટલે તેણે તરત કહ્યું, ‘હું આ કન્યાને મારા અડધું આયુષ્ય આપી દઉં છું.

પ્રમદ્વરા ફરી રૂપ, શૃંગાર, અલંકારો સહિત જીવી જાય.’ દેવદૂત તો ગંધર્વરાજને લઇને ધર્મરાજ પાસે જઇ પહોંચ્યો ‘તમે જો સંમત થતા હો તો રુરુની મૃત પત્ની, પ્રમદ્વરા જીવી જાય. ધર્મરાજે સંમતિ આપી એટલે પ્રમદ્વરા તો જાણે નિદ્રામાંથી બેઠી થતી હોય તેમ જીવતી થઇ. રુરુનું અડધું આયુષ્ય પ્રમદ્વરાને મળ્યું. સામાન્ય રીતે બધા પોતાના જીવતરને લંબાવવા માગે પણ રુરુનો પ્રેમ ઉત્કટ હતો, તેણે પોતાના આયુષ્યની પરવા ન કરી. પછી તો વિવાહને વિલંબ શાનો! બંનેનું લગ્ન થઈ ગયું.
પરંતુ રુરુએ પોતાના મનમાં એક બીજો નિશ્ચય કર્યો. પ્રમદ્વરાને સાપે ડંશ દીધો હતો એટલે જયાં જયાં સાપ દેખાય ત્યાં ત્યાં તેણે તેમને મારવાનો નિશ્ચય કર્યો, અને પોતાની લાકડી વડે તેમને મારી નાખતો હતો. આમ એકને વાંકે તેણે સમગ્ર સર્પજાતિ પર વેર વાળવા માંડયું.

એક દિવસ તેણે ગાઢ જંગલમાં બે મોઢાવાળા સાપને જોયો અને તેને મારવા લાઠી ઉગામી ત્યારે તે સાપ બોલ્યો.’હે બ્રાહ્મણ, મેં તમારો કોઇ અપરાધ કર્યો નથી તો પછી મને મારવાનું કારણ?’ રુરુએ તેને ઉત્તર આપ્યો, ‘એક સાપે મારી પ્રિયાને ડસી લીધી હતી એટલે મેં આવું વ્રત લીધું છે. જયાં જયાં મને સાપ દેખાશે ત્યાં ત્યાં હું તેમને મારી નાખીશ આજે તમારો વારો.’ ત્યારે તે બે મોઢાવાળા સાપે કહ્યું. ‘જે સાપ માણસોને ડસે છે તે બીજી જાતના હોય છે એટલે કોઇ પણ સાપને જોઇને મારી નાખવાનું કાર્ય યોગ્ય નથી. અમારી જાતિના સાપ સ્વભાવે જુદા છે. તમે તો પંડિત છો તો પછી આ બેવડા મોઢાવાળા સાપની હત્યા નહીં કરવી જોઈએ.’

આ સાપની આવી વાત સાંભળીને રુરુએ તેની હત્યા ન કરી અને પૂછયું- ‘તમારી આવી હાલત કેમ કરતાં થઇ? તમે કોણ છો?’એટલે તે બોલ્યા,’હું એક ઋષિ હતો. પણ બ્રાહ્મણના શાપને કારણે સાપ બની ગયો. મારો એક મિત્ર સત્યવાદી બ્રાહ્મણ હતો. એક દિવસ રમતા રમતા મેં ઘાસનો સાપ બનાવીને તેને બીવડાવ્યો એટલે તેણે મને કહ્યું આ નિષ્પ્રાણ સાપ વડે તેં મને ડરાવ્યો છે એટલે તું નિ:સત્ત્વ સાપ થઇ જજે. પછી મેં એની ક્ષમા માગી, શાપ પાછો ખેંચી લેવા કહ્યું- પણ તેણે શાપ પાછો ન ખેંચ્યો. તેણે મને કહ્યું, ‘પ્રજાતિને ત્યાં રુરુ નામે પુત્ર થશે. તેને જોઇશ એટલે તું શાપ મુકત થઇશ.’

એટલે માનું છું કે તમે રુરુ છો, મારું મૂળ સ્વરૂપ પાછું મળશે અને તમને હું બોધ વચન આપું છું. એમ કહી ભારત ભરમાં પ્રખ્યાત બનેલું વાક્ય-અહિંસા પરમો ધર્મ. કહ્યું. બ્રાહ્મણે કદી કોઇની હિંસા ન કરી ક્ષત્રિયનો ધર્મ તમારે પાળવાનો નહીં. ક્ષત્રિયો તો દંડધારી, ઉગ્ર અને પ્રજાપાલક બને. આ પહેલાં જનમેજયના યજ્ઞમાં સાપ જાતિની ભારે હિંસા થઇ હતી અને આસ્તીકે તેમને બચાવ્યા હતા.’ આ સાંભળીને શ્રોતાઓએ જનમેજયના સર્પયજ્ઞ વિશે સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી.
અહીં.

આપણે જોઇ શકીશું કે મહાભારતની કથા ઇતિહાસની જેમ ક્રમબદ્ધ નથી આવતી. કૌરવ પાંડવોના અનુજ એવા જનમેજયની કથા આરંભે આવે છે. એ રીતે ઇતિહાસની રેખાયિત ગતિનો અહીં ભંગ થયો છે. જે આસ્તીકે જનમેજયનો સર્પયજ્ઞ અટકાવ્યો તેના પિતાનું નામ જરત્કારુ. એક દિવસ તેમણે એક મોટા ખાડામાં ઊંધે માથે લટકતા પોતાના પિતૃઓને જોયા- તમે કોણ છો! આવી રીતે અવળે મોઢે કેમ લટકો છો?’ ‘આના ઉત્તરરૂપે તેમણે કહ્યું’ અમે યાયાવર નામના ઋષિઓ છીએ. અમારો વંશ હવે નિર્મૂળ થવાનો છે. અમારો એક વારસ જરત્કારુ છે, તે માત્ર તપ કરવા માગે છે. તે તો વિવાદ કરવા માગતો નથી, એટલે તેને ત્યાં સંતાન નહીં થાય.અમારો વંશ નિર્મૂળ થશે.

પણ તમે કોણ છો? અમારી ચિંતા કેમ કરો છો? તમને આનો શોક કેમ થાય છે?’ જરત્કારુએ પોતાનો પરિચય આપ્યો. ‘મારે શું કરવું જોઇએ?’ એના ઉત્તરમાં તો પૂર્વજો શું બોલે! પુત્રપ્રાપ્તિ જેવું બીજુ કોઇ પુણ્ય નથી. એટલે તું લગ્ન કર.’ જરત્કારુ એ કહ્યું, ‘મેં તો લગ્ન નહીં કરવાનો સંકલ્પ કર્યો હતો. પણ તમારા હિત માટે લગ્ન કરીશ એક શરત મારા જ નામવાળી કન્યા મળે અને તેના બાંધવો સ્વેચ્છાએ દાન કરે તો હું લગ્ન કરું. પણ હું તો ગરીબ છું- મને કન્યા આપશે કોણ?’ અહીં પ્રાચીન કાળથી પુત્ર પ્રાપ્તિની વાત ચાલી આવી છે. પુત્ર વડે જ મોક્ષ થાય, અને એટલે જ છેક આજે પણ માબાપ પુત્રી નહીં પુત્ર ઇચ્છે છે.

Most Popular

To Top