નવી દિલ્હી: જો તમે તમારા આધાર કાર્ડની (Aadhaar card) નકલ (Copy) બેદરકારીથી શેર કરો છો કે આધાર કાર્ડને કોઈને બેદરકારીથી આપી દો છો. તો તમારે ચેતવણી (Warning) જરૂર છે. કારણ કે સરકાર દ્વારા આધારકાર્ડ બેદરકારીથી શેર કરવા માટે ચેતવણીઓ આપી છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. કેન્દ્ર સરકારે તેમની આધાર કાર્ડ અંગેની નવી માર્ગદર્શિકામાં (Guidance) લોકોને માત્ર માસ્ક કરેલા આધાર એટલે કે માસ્ક્ડ (Masked) આધાર શેર કરવા કહ્યું છે.
કેન્દ્ર સરકારની આધારકાર્ડની નકલ બેદરકારીથી શેર પર ચેતવણી
આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે. આધારકાર્ડમાં 12 અંકનો ન્યુમેરિક કોડ હોય છે, જેને આધાર નંબર કહેવામાં આવે છે. જે મૂળભૂત રીતે આધારકાર્ડ પર જે માણસનો ફોટો છે તેની બાયોમેટ્રિક ઓળખની ખાતરી કરવા માટે વપરાય છે. આજના જમાનામાં બધી જગ્યા પર પહેલા આધારકાર્ડની કોપી કે આધાર નંબર માંગે છે. તેમજ ભારત સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર નંબર ફરજિયાત છે. સાથે જ હાલના ડિજિટલના જમાનામાં ડિજિટલ પેમેન્ટ કરવા માટે પણ આધાર નંબરની જરૂર પડે છે. ત્યારે કેન્દ્ર સરકારે લોકોને આ રીતે બધી જાણકારી વગર બધી જગ્યા પર આધારકાર્ડ બેદરકારીથી શેર ન કરવાનું જણાવતા અનેક ચેતવણીઓ આપી છે.
આધાર કાર્ડની નકલને બદલે માસ્ક્ડ આધારનો ઉપયોગ કરો
આધારકાર્ડ શેર કરવા અંગે કેન્દ્ર સરકારનું કહેવું છે કે લોકોએ આધાર કાર્ડની ફોટોકોપી કોઈપણ સંસ્થાને ન આપવી જોઈએ. કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. તેના બદલે લોકો એ માસ્ક કરેલ આધારનો આપવું જોઈએ. માસ્ક્ડ આધારનો સંપૂર્ણ 12 અંકનો આધાર નંબર દેખાતો નથી. તેમાં માત્ર આધાર નંબરના છેલ્લા ચાર અંક જ દેખાય છે. તેથી આધારકાર્ડનો ગેરઉપયોગ થઈ શકતો નથી અને આ માસ્ક્ડ આધાર તમે ઓનલાઈન પણ મેળવી શકો છો.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આધારકાર્ડ શેર કરવા અંગે નોટિસ
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે પણ તેની નોટિસમાં સ્પષ્ટતા કરી છે કે નોન-લાઈસન્સ ધરાવતી ખાનગી સંસ્થાઓ એટલે કે લાઇસન્સ વગરની હોટલ અને સિનેમા હોલ જેવી સંસ્થાઓ લોકોના આધારકાર્ડ એકત્ર કરી શકશે નહીં. માત્ર ખાનગી સંસ્થાઓ કે જેણે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) પાસેથી આધાર માટે યુઝર લાઇસન્સ મેળવ્યું હોય એ જ સંસ્થા તમારા આધાર કાર્ડની કોપી એકત્રિત કરી શકે છે.
સાર્વજનિક કમ્પ્યુટર પરથી કોપી ડાઉનલોડ કરતાં પહેલા ચેતી જજો
સરકારે લોકોને આધારકાર્ડની કોપીને લઈને ચેતવણી આપી છે કે લોકોએ સાર્વજનિક કમ્પ્યુટર અથવા સાયબર કાફેમાંથી તેમની આધારકાર્ડની કોપી ડાઉનલોડ ન કરવી જોઈએ. જો લોકો આવી રીતે કોપી ડાઉનલોડ કરે તો એ વાતની ખાતરી કરો કે ડાઉનલોડ કરેલ આધારની તમામ બહુવિધ નકલો કાયમી ધોરણે ઉપયોગ કરેલા કમ્પ્યુટરમાં કાઢી નાખવામાં આવે.
આ રીતે માસ્ક્ડ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકાય છે
જો તમે માસ્ક્ડ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને ‘Do You Want a Masked Aadhaar’ વિકલ્પ પસંદ કરી. ત્યાં જરૂરી વિગતો ભરીને માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય ડિજી લોકર અને mAadhaar દ્વ્રારા પણ તેને ડાઉનલોડ કરી શકાય છે.