જિલ્લા સેવાસદન, જૂની બહુમાળી, સુડા ભવન વગેરે ખાતે આવેલી રિટર્નિંગ ઓફિસરની કચેરીઓ પર સવારથી જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે ધસારો થવાનો છે એ બાબતનો બધાને ખ્યાલ હતો. પરીણામે પોલીસે ખાસ તૈયારી કરીને વધારાના સ્ટાફની કુમકો તો ગોઠવી જ પરંતુ, રિટર્નિંગ ઓફિસરની કચેરી સંકુલની બહાર પણ એન્ટ્રી રિ-સ્ટ્રિક્ટ કરી દેવામાં આવી હતી. ઉમેદવાર અને તેના 6 સમર્થકો સિવાય કોઇને પણ પ્રવેશ આપ્યો ન હતો. એથી વિશેષ આર.ઓ. કચેરી સંકુલની બહાર વાહન પાર્કિંગ પણ ન કરવા દીધા. જેને કારણે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયામાં ઝડપ લાવી શકાઇ હતી. બાકી જે પ્રમાણે ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવી રહ્યા હતાં. એ જોતાં જો પોલીસે એન્ટ્રી રિ-સ્ટ્રીક્ટ ના કરી હોત તો અનેક ઉમેદવારોના ફોર્મ ભરવાના રહી ગયા હોત.
ઉમેદવારી કરવામાં શક્તિપ્રદર્શનથી અળગા રહ્યા ભાજપી ઉમેદવારો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય રીતે મોટું સરઘસ કાઢીને ઉમેદવારી કરવાની પરંપરા આ વખતે ભાજપાએ તોડી છે. ખુદ ભાજપના નેતાઓએ ઉમેદવારોને સૂચના આપી હતી કે ઉમેદવાર સાથે 6-7 ટેકેદારો અને પાર્ટીના લીગલ સેલના સભ્યો સાથે જઇને બિલકુલ સાદગીથી ઉમેદવારીપત્ર જમા કરાવી આવવાનું છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે સાદગીપૂર્વક, કોઇ ધાંધલ, ધમાલ, હો હા કર્યા વગર ઉમેદવારીપત્રો ભરવાના છે એ જ પ્રમાણે ભાજપાના ઉમેદવારોએ તેમના સમર્થકોને લઇને બિલકુલ શાંતિથી, કોઇપણ પ્રકારના શક્તિ પ્રદર્શન વગર જુદા જુદા રિટર્નિંગ ઓફિસરોની કચેરીએ જઈને ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપાના નેતાઓએ પહેલેથી જ કોરોના ગાઇડલાઇનનું ચૂસ્ત રીતે પાલન કરીને ઉમેદવારીપત્ર ભરવા માટે કહ્યું હતું. એ પ્રમાણે જ ભાજપાના ઉમેદવારો ટોળાશાહી વગર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.
વકીલો ના હોત તો અનેક ઉમેદવારો પોતાના ફોર્મ જ ભરી શક્યાં નહીં હોત
દર વખત કરતાં આ વખતે ચૂંટણીમાં ઉમેદવારી કરવામાં એક બાબત ઉડીને આંખે વળગે એવી જોવા જાણવા મળી હતી કે ભાજપાના લીગલ સેલના સભ્ય વકીલોની આખી ફૌજ રિટર્નિંગ કચેરીએ ઉમેદવારો સાથે સતત જોવા મળી હતી. એવી જ રીતે કોંગ્રેસ, આપ તથા અપક્ષો સાથે પણ વકીલો સારી એવી સંખ્યામાં જોવા મળ્યા હતા. અત્યાર સુધી ઉમેદવારીપત્રની પ્રક્રિયામાં એફિડેવિટ માટે વકીલોની સલાહ લેવાતી હતી પરંતુ, હવે તો ઉમેદવારનું આખું ફોર્મ જ વકીલો ભરી રહ્યા હતા. ઉમેદવારો સ્વતંત્ર રીતે ફોર્મ ભરી શકે તેમ પણ ન હતા. એક પીઢ નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે જો વકીલોની સેવા ન લેવાઇ હોત તો આ વખતે અનેક નેતાઓ ફોર્મ સુદ્ધાં ભરી શક્યા ન હોત.
સોમવારે તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, 9મીએ ઉમેદવારી પરત ખેંચી શકાશે
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત આજરોજ તા.6 ફેબ્રુઆરીએ પૂરી થયા બાદ હવે તા.8મી ફેબ્રુઆરીને સોમવારે દરેક રિટર્નિંગ ઓફિસરની કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જો કોઇ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવી હોય તો તેની અંતિમ મુદત તા.9મી ફેબ્રુઆરીને મંગળવારે છે. મોટા રાજકીય પક્ષોના ઉમેદવારોના ડમી ઉમેદવારો આ તારીખ સુધીમાં પોતાના ફોર્મ પરત ખેંચી લેશે. એ પછી દરેક વોર્ડવાઇઝ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.