Comments

મોદી સરકાર રૂપિયાને મજબૂત નહીં કરે તો ડોલરની સામે 100ને પાર કરી જશે

મોંઘવારી ક્યાં જઈને અટકશે?? છેલ્લા કેટલાક સમયથી ભારત દેશમાં ભારે મોંઘવારીનો માહોલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મોંઘવારીને કાબુમાં કરવા માટે રિઝર્વ બેંકએ રેપોરેટમાં 0.50નો વધારો કરવો પડ્યો હતો. આ રિઝર્વ બેંકએ 4થી વખત રેપોરેટમાં કરેલો વધારો હતો. રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ વધારીને મોંઘવારીને કાબુમાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ રૂપિયો ડોલરની સામે સતત તૂટી રહ્યો છે.

શુક્રવારે રૂપિયો ફરી તેની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારે રૂપિયો 35 પૈસા તૂટીને 82.20 નોંધાયો હતો. રૂપિયો તેની ઐતિહાસિક સપાટીએ પહોંચી જતાં હવે તેની સીધી અસર દેશમાં રોજગારથી માંડીને વ્યાપાર સુધી પડશે. ડોલરની સામે રૂપિયાએ પહેલા 20મી જુલાઈના રોજ 80ની અને તા.23મી સપ્ટેમ્બરના રોજ 81ની સપાટી વટાવી હતી. ડોલર ઈન્ડેક્ષ મજબુત હોવાને કારણે રૂપિયા સહિત અન્ય કરન્સી પર દબાણ પણ થઈ રહ્યું છે. જેને કારણે રૂપિયો સતત તૂટી રહ્યો છે.

એક સમય હતો કે જ્યારે કેન્દ્રમાં મનમોહનસિંઘની સરકાર હતી અને તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. નરેન્દ્ર મોદીએ તે સમયે કહ્યું હતું કે રૂપિયો જેમ જેમ તૂટે છે તેમ તેમ દેશની શાખ પણ નીચે આવે છે. તે માટે તેમણે કેન્દ્રની કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારને જવાબદાર ઠેરવી હતી અને આજે જ્યારે મોદી વડાપ્રધાન છે ત્યારે ફરી રૂપિયો ગગડી રહ્યો છે. રૂપિયો ગગડવા પાછળ એક કારણ એ પણ છે કે અમેરિકામાં સપ્ટેમ્બર મહિનામાં જોબ ડેટા જાહેર થવાનો છે. જેને કારણે રોકાણકારો ખૂબ સચેત થઈ ગયા છે. ડોલર ઈન્ડેક્ષ પણ વધી ગયો છે ત્યારે ભારતીય રૂપિયાની સ્થિતિ દિવસેને દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી છે.

ભારતમાં દવાઓની સાથે મશીનરી, ઈલેકટ્રિક અને ઈલેકટ્રોનિક્સનો સામાનની સાથે અનેક સામાનની આયાત કરવામાં આવે છે. રૂપિયો તૂટવાને કારણે તેની સીધી અસર આ આયાતો પર થાય છે. આ આયાતોની કિંમત મોંઘી થાય છે અને તેનો ભાવ વધતાં જ મોંઘવારીમાં વધારો થાય છે. બીજી તરફ ભારતની કંપનીની સાથે સરકારો દ્વારા પણ વિદેશમાંથી કર્જ લેવામાં આવ્યું છે. રૂપિયો તૂટવાને કારણે આ કર્જ વધતું જાય છે અને તેને કારણે પણ કંપનીઓ નબળી પડવાની સંભાવનાઓ રહી છે. જો કોઈ કંપની બંધ થાય તો તેની સીધી અસર રોજગારી પર જોવા મળશે.

રિઝર્વ બેંક દ્વારા રૂપિયાને તૂટતો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ માત્ર રેપોરેટ વધારવાને કારણે રૂપિયો તૂટતો અટકવાનો નથી. ખુદ કેન્દ્ર સરકારે રૂપિયાને તૂટતો અટકાવવા માટે પગલાઓ લેવા પડશે. નરેન્દ્ર મોદી અગાઉ રૂપિયો તૂટવા માટે કેન્દ્ર સરકારની ટીકા કરતાં હતાં ત્યારે હવે વિપક્ષો તેમની ટીકા કરવાનું શરૂ કરી દે તે પહેલા નરેન્દ્ર મોદીએ રૂપિયાને ફરી ઉપર લાવવા માટે ગંભીર રીતે મથામણ કરવી જરૂરી છે. રૂપિયો તૂટવાને કારણે નિકાસકર્તાઓને ફાયદો થાય છે પરંતુ ભારતમાં નિકાસની સામે આયાત બમણાથી પણ વધારે છે. આ સંજોગોમાં રૂપિયો તૂટવાથી વિદેશી હુંડિયામણ પણ ઘટવાની સંભાવના રહેલી છે. ભારત એવો દેશ છે કે જેની અનેક જરૂરીયાતો આયાતોથી પુરી થાય છે. આ સંજોગોમાં રૂપિયાને મજબુત કરવો તે ખૂબ જરૂરી છે. જો કેન્દ્રની મોદી સરકાર ગંભીરતા રાખીને રૂપિયાને મજબુત નહીં કરે તો આગામી દિવસોમાં રૂપિયો ડોલરની સામે 100ની સપાટી પાર કરશે તે નક્કી છે.

Most Popular

To Top