તાજેતરમાં ભારતમાં સિવિલ એવિએશનના મામલે મોટી સમસ્યા ઊભી થઈ હતી. સરકારે પાયલોટ સહિતના ક્રુ મેમ્બર્સના આરામના કલાકો વધારતાં ઈન્ડિગોની રોજની હજારો ફ્લાઈટો ઉડતી અટકી ગઈ હતી. આ ઘટના બનવા પાછળ એ કારણ હતું કે ભારતમાં સિવિલ એવિએશનના મામલે ઈન્ડિગોનું વર્ચસ્વ છે. જેટલી ફ્લાઈટ ઉડે છે તેમાંથી 60 ટકા ફ્લાઈટ ઈન્ડિગોની છે. આ કારણે જ્યારે સરકાર દ્વારા આ નિયમ અમલમાં લાવવામાં આવ્યો ત્યારે ઈન્ડિગોની અવળી ચાલને કારણે સરકારે નીચાજોણું થયું હતું. આવી જ સ્થિતિ આગામી દિવસોમાં મોબાઈલ ફોનના રિચાર્જના મામલે થાય તેવી સંભાવના છે.
ભારતમાં કરોડો લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે મોબાઈલ ફોન ક્ષેત્રે જે રીતે કંપનીઓના વર્ચસ્વ ઊભા થઈ રહ્યા છે તેણે આ નવી ભીતિ ઊભી કરી છે. પાછલા કેટલાક વર્ષોમાં મોબાઈલ કંપનીઓ દ્વારા ત્રણ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આગામી વર્ષે પણ મોબાઈલ કંપનીઓ દ્વારા રિચાર્જ કે પછી પોસ્ટપેઈડના ભાવમાં 15થી 20 ટકાનો વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.
હાલમાં ભારતમાં રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ મોબાઈલના માર્કેટમાં છે. આ ઉપરાંત બીએસએનએલ પણ માર્કેટમાં છે પરંતુ હાલમાં મોબાઈલ ફોનનું માર્કેટ આ ત્રણ કંપનીઓ દ્વારા જ કેપ્ચર કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં આ મોબાઈલ કંપનીઓ વચ્ચે ભારે સ્પર્ધાને કારણે ગ્રાહકોને ઓછા ભાવમાં સર્વિસ મળતી હતી પરંતુ હવે માત્ર ત્રણ જ કંપનીઓના વર્ચસ્વને કારણે સ્થિતિ બદલાઈ જવા પામી છે. મોબાઈલ કંપનીઓ હવે મોબાઈલ નેટવર્કની સાથે સાથે ઓટીટીનો પણ લાભ આપી રહી છે અને તેને કારણે રિચાર્જના દરો ઉંચા જઈ રહ્યા છે.
આ અંગે તાજેતરમાં મોર્ગન સ્ટેનલી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પ્રમાણે 2026માં 4જી અને 5જીના પ્લાનના ભાવો વધી શકે છે. કંપનીઓ પોતાની આવક વધારવા અને સુવિધાને વધુ મજબુત કરવા, 5જીને વધુ અપગ્રેડ કરવા માટે આવક વધારવા માંગે છે અને તેને કારણે ગ્રાહકોના ખિસ્સા ખાલી થશે. મોબાઈલ કંપનીઓ એવા દાવા કરી રહી છે કે ભારતમાં પ્રતિ જીબીની કિંમત વિશ્વમાં સૌથી ઓછી છે. જેથી વધારો કરવામાં વાંધો નથી. મોબાઈલના રિચાર્જ અને પોસ્ટપેઈડમાં વધારો કરવા માટે કંપનીઓ દ્વારા કવરેજની સાથે સાથે અન્ય સુવિધાઓની પણ જાહેરાતો કરવામાં આવી રહી છે.
જોકે, જોવા જેવી વાત એ છે કે અગાઉ કંપનીઓ દ્વારા ત્રણ વખત વધારો કરાઈ ચૂક્યો છે. હજુ વધારો થશે અને સરકાર તેની સામે કશું કરી શકે તેમ નથી. હાલમાં મોબાઈલ નેટવર્કના ક્ષેત્રમાં ત્રણ જ કંપનીઓનું વર્ચસ્વ સ્થપાઈ ચૂક્યું છે. જે રીતે ઈન્ડિગોનું વર્ચસ્વ છે તેવી જ રીતે આ ત્રણ કંપનીઓનું વર્ચસ્વ હોવાને કારણે આ કંપનીઓ કાર્ટેલ કરીને ભાવવધારો કરશે તો ગ્રાહકોએ ભોગવવાનું જ આવશે. સરકારે માત્ર બેસીને જોવાનું જ રહેશે. સરકાર પાસે હજુ પણ સમય છે. સરકાર ઈચ્છે તો ટેલિકોમ સેકટરમાં નવી કંપનીઓને લાવી શકે છે. બીએસએનએલને ફરી મજબુત કરી શકે છે.
સરકાર વીજ કંપનીઓની જેમ ટેલિકોમ કંપનીઓ માટે પણ ભાવવધારાની સિસ્ટમ નક્કી કરી શકે છે કે તે વ્યાજબી છે કે ખોટો છે. જો ટેલિકોમ સેક્ટરમાં નવી કંપનીઓ આવશે તો ફરી માર્કેટમાં સ્પર્ધા ઊભી થશે. આ મોબાઈલ કંપનીઓમાં સ્પર્ધા ઊભી કરવાનું અને તેમનું વર્ચસ્વ તોડવાનું. જે સંભવિત ભાવવધારો જણાવાઈ રહ્યો છે તે જોતાં ગ્રાહકોના ખિસ્સા પર સીધો 20 ટકાનો બોજ પડે તેમ છે. જો સરકાર વેળાસર નહીં જાગે તો આ ત્રણ જ કંપનીઓનો ભારતમાં એકાધિકાર સ્થપાઈ જશે તે
નક્કી છે.