Editorial

ગુજરાતની ભાજપ સરકાર સાવચેતી નહીં રાખે તો ઓબીસીની આગ તેને દઝાડી જશે

અત્યાર સુધી ઓબીસીમાં કઈ જ્ઞાતિને લેવી તેનો અધિકારી કેન્દ્ર સરકાર પાસે હતો પરંતુ હાલમાં જ કેન્દ્ર સરકારે ઓબીસીમાં જ્ઞાતિના સમાવેશનો અધિકારી જે તે રાજ્યને સોંપી દઈ પોતે હાથ ખંખેરી લીધા છે પરંતુ સાથે સાથે ઓબીસીના મામલે જ હવે રાજ્ય સરકારો ભેરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અત્યાર સુધી જ્યારે પણ રાજ્ય સરકાર સમક્ષ ઓબીસીમાં સમાવેશ માટે જે તે જ્ઞાતિ દ્વારા માંગણી કરવામાં આવતી હતી ત્યારે ત્યારે રાજ્ય સરકાર એમ કહીને હાથ ઉંચા કરી દેતી હતી કે આ મામલો કેન્દ્ર સરકાર હસ્તક છે પરંતુ હવે રાજ્ય સરકાર જ નિર્ણય લેનારી સત્તા હોવાથી રાજ્ય સરકારોએ જવાબ આપવા ભારે પડી જશે.

સાથે સાથે ગુજરાતમાં તો આગામી વર્ષે ચૂંટણી છે ત્યારે ઓબીસીના મામલે ગુજરાતની ભાજપ સરકારની ભારે કસોટી થઈ જશે. અગાઉ 2017માં વિધાનસભાની ચૂંટણી સમયે જ ભાજપ સરકાર પાટીદાર આંદોલનના મામલે ભેરવાઈ ગઈ હતી. પાટીદારો દ્વારા અનામતની માંગણી કરવામાં આવી અને ભાજપની તત્કાલિન આનંદીબેન પટેલની સરકાર કોઈ નિર્ણય લઈ શકી નહીં અને સરવાળે ભાજપે સત્તા ટકાવી રાખવા માટે ઝઝુમવું પડ્યું હતું. ભાજપની બેઠકો ઘટી ગઈ હતી અને જો કોંગ્રેસે ભૂલો નહીં કરી હોત તો કદાચ ભાજપની સરકાર જતી પણ રહી હોત.

આગામી વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકારે ઓબીસીનો મામલો ગુજરાતની ભાજપ સરકારને સોંપી દીધો છે. ગુજરાત એવું રાજ્ય છે કે જેમાં સવર્ણો નોંધપાત્ર માત્રામાં છે. ઓબીસીને મળતાં લાભ જોઈને હવે મોટાભાગના સવર્ણ ઓબીસીમાં સમાવેશ કરવા માટેની માંગણી કરી રહ્યાં છે. પાટીદારોની માંગણી ચાલી જ રહી છે પરંતુ તેની સાથે સાથે વણિક, બ્રાહ્મણથી માંડીને રાજપુત સહિતની જ્ઞાતિ દ્વારા પણ ઓબીસીમાં સમાવેશ માટેની માંગણીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે કોંગ્રેસે રાજકારણ રમવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં ઓબીસી જ્ઞાતિનો ફરીથી સરવે કરવામાં આવે અને જે જે નવી જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવાની જરૂરીયાત છે તે તમામને પણ ઓબીસીમાં સમાવવામાં આવે. જે રીતે ઓબીસીનો મામલો ધીરેધીરે તૂલ પકડી રહ્યો છે તે બતાવે છે કે જો ગુજરાતની ભાજપ સરકાર સમજીને નહીં વર્તશે તો ઓબીસીની આગ તેને દઝાડી જશે.

હાલમાં એવું છે કે ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવ્યું છે. હવે આ અનામતની ટકાવારી વધી શકે તેમ નથી. આ સંજોગોમાં જેમ જેમ નવી-નવી  જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ થશે તેમ તેમ જૂની જ્ઞાતિઓને ઓબીસીમાં મળતી અનામતમાં ઘટાડો થતો જશે. આ કારણે સરકારને એવી મોટી સમસ્યા થવાની છે કે ઓબીસી માટે કઈ જ્ઞાતિને સાચવે? કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે તો ઓબીસીની સાથે ઈબીસીના અનામત મામલે પણ સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતમાં હાલમાં જનરલ કેટેગરીની સાથે ઓબીસી, એસસી-એસટી ઉપરાંત ઈબીસીને પણ અનામત આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સમયાંતરે ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓનો રિવ્યુ થતો રહ્યો છે.

ભૂતકાળમાં અનામતનો વિરોધ કરવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ અન્ય જ્ઞાતિઓ સમજી ગઈ કે અનામતનો વિરોધ કરવાને બદલે જો અનામતની માંગણી કરવામાં આવે તો વધુ ફાયદો થાય તેમ છે અને તે જ કારણે હવે મોટાભાગની તમામ જ્ઞાતિઓ અનામતની માંગણી કરી રહી છે અને તેમાં પણ ખાસ કરીને ઓબીસીનું અનામત જ માંગવામાં આવી રહ્યું હોવાથી સરકાર માટે મુશ્કેલીઓ વધી રહી છે. આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી ગુજરાત સરકારે ઓબીસીના મામલે ખૂબ સાવચેતીના પગલા ભરવા પડશે. ઓબીસીના મામલે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ‘મગનું નામ મરી’ પાડવામાં આવ્યું નથી, પરંતુ રાજ્ય સરકારે સાવચેતી રાખવી જ પડશે તે નક્કી છે, નહીં તો વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે કપરી બનશે તે નક્કી છે.

Most Popular

To Top