ગુજરાત સહિત પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચોમાસું હજુ જામ્યું નથી અને ઉત્તર ભારતમાં તો હજુ પણ ઉનાળો જ ચાલી રહ્યો છે. ગરમીએ આ વખતે માઝા મુકી છે. હીટવેવને કારણે ભારતમાં અનેક લોકોના મોત થયા છે પરંતુ જો તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત હોય તો તે છે કે સાઉદી અરેબિયામાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. સાઉદી અરેબિયામાં દર વર્ષે 0.4 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનમાં વધારો થાય છે. આ વધારો ધીરેધીરે સાઉદી અરેબિયામાં હજ માટે આવતા પ્રવાસીઓને ભારે હેરાન કરી રહ્યો છે.
સોમવારે સાઉદી અરેબિયાની મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાનનો પારો 51.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. જેને કારણે મોટા પ્રમાણમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી. વિશ્વભરમાંથી હજ કરવા માટે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને હીટવેવ થાય છે પરંતુ સાઉદી અરેબિયાની સરકાર દ્વારા યોગ્ય આયોજનો કરવામાં આવતા નહી હોવાને કારણે હીટવેવમાં હજયાત્રીઓના મોત થાય છે.
આ વખતે ગરમીનો પારો એટલો ઉંચે ચડ્યો કે હજ દરમિયાન ઓછામાં ઓછા 577 જેટલા યાત્રીઓના મોત થઈ ચૂક્યા છે. જેઓ મોતને ભેટ્યા તેમાં સૌથી વધુ 323 પ્રવાસીઓ ઈજિપ્તના છે. જ્યારે જોર્ડનના 60 પ્રવાસીઓ મોતને ભેટ્યા છે. મક્કા નજીક અલ-મુઆસમ ખાતેના મુડદાઘરમાં જ એકલા 550 મૃતદેહ મુકવામાં આવ્યા છે. મોતને ભેટેલા ઈજિપ્તના પ્રવાસીઓ પૈકી ઘણાની ઓળખ થઈ શકી નથી. જેને કારણે આ પ્રવાસીઓને શોધવા માટે ઈજિપ્તની સરકારે સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે કામે લાગવું પડ્યું છે.
અગાઉ સાઉદી અરેબિયાએ એવું જણાવ્યું હતું કે, ગરમીની અસર 2000 જેટલા પ્રવાસીઓને થઈ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. મોતને ભેટનાર અન્ય પ્રવાસીઓમાં ઈન્ડોનેશિયાના 136 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે હજયાત્રામાં 18 લાખથી વધુ હજયાત્રીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી 16 લાખ હજયાત્રીઓ વિદેશોમાંથી આવ્યા હતા અને બે લાખ હજયાત્રીઓ સાઉદી અરેબિયાના હતા.
સાઉદી અરેબિયામાં હજ વખતે હીટવેવની સ્થિતિ ગયા વર્ષે પણ સર્જાઈ હતી. જેમાં 240 જેટલા પ્રવાસીઓના મોત થયા હતા. જેમાં મોટાભાગના નાગરિકો ઈન્ડોનેશિયાના હતા. સાઉદી અરેબિયાની સરકાર દ્વારા હીટવેવથી બચવા માટે હજયાત્રીઓને માથા પર પાણી રેડવાની સાથે સતત ઠંડું પાણી, ઠંડા પીણા પીવાની અને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપવામાં આવે છે. સાથે સાથે છત્રીનો ઉપયોગ કરવો, પુષ્કળ પાણી પીવું અને જ્યારે ભારે ગરમી હોય તેવા સમય દરમિયાન સૂર્યના સંપર્કમાં નહીં આવવાનું પણ કહેવામાં આવે છે પરંતુ હજયાત્રીઓના કહેવા પ્રમાણે હીટવેવની સામે પ્રવાસીઓના રક્ષણ માટેના આયોજનો પુરતાં નથી.
હજયાત્રાના રસ્તા પર ઠેરઠેર બેરિકેડ હોવાને કારણે હાજીઓએ 8-8 કલાક ચાલવું પડે ચે. ગાઈડ બિનઅનુભવી હોવાથી તેમનો પુરતો સહકાર મળતો નથી. રસ્તે ચાલતા હાજીઓને થાક લાગે તો બેસવાની કોઈ જ વ્યવસ્થા નથી. રસ્તા પર પીવાના પાણી માટેની વ્યવસ્થાનો અભાવ છે. જે હજયાત્રીઓ પૈસાદાર છે તે પોતાના માટે વ્યવસ્થાઓ કરી લે છે પરંતુ જે સામાન્ય વ્યક્તિ છે તેને માટે સરકારી વ્યવસ્થાઓનો અભાવ છે.
ખરેખર સાઉદી અરેબિયાની સરકારે હજયાત્રીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવી જ જોઈએ. હજયાત્રીઓની સંખ્યા દર વર્ષે વધવાની જ છે. આ સંજોગોમાં તેમને તકલીફ નહીં પડે તેવા આયોજનો થવા જોઈએ. હીટવેવના સમયે પીવાના પાણીથી માંડીને હીટવેવથી હજયાત્રીને કેવી રીતે બચાવવા તે માટેની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવે તે જરૂરી છે.
અત્યાર સુધી સાઉદી અરેબિયાની હજ માટેની વ્યવસ્થાઓ વખણાતી હતી પરંતુ જે રીતે છેલ્લા કેટલાક સમયથી તેમાં લેપ્સ થવા માંડ્યા છે તેણે ચિંતાઓ ઊભી કરવા માંડી છે. હજયાત્રીઓને બેસવાથી માંડીને હિટસ્ટ્રોક નહીં લાગે તે માટે પીવાના પાણીથી માંડીને છત્રી સુધીના આયોજનો સાઉદી અરેબિયાની સરકારે કરવા જોઈએ. જો સાઉદી અરેબિયાની સરકાર દ્વારા આ આયોજનો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં હીટવેવને કારણે મોટી સમસ્યા ઊભી થશે તે નક્કી છે.