બિહારની ચૂંટણી ગરમાઈ રહી છે અને રાજકીય પ્રહારો પણ તેજ થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુઝફ્ફરપુરમાં આજ રોજ તા. 2 નવેમ્બર રવિવારે એક રેલી દરમિયાન આરજેડી અને લાલુ પ્રસાદ યાદવ પર કડક પ્રહાર કર્યો. તેમણે લાલુ યાદવના શાસનને “જંગલરાજ” કહીને મતદારોને ચેતવણી આપી કે જો RJD ફરી સત્તામાં આવશે તો બિહાર પાછું ગુનાહિત માહોલમાં ફસાઈ જશે.
અમિત શાહે તીખા શબ્દોમાં કહ્યું કે “જો લાલુનો પુત્ર મુખ્યમંત્રી બનશે તો બિહારમાં ત્રણ નવા મંત્રાલય ખુલશે. એક અપહરણ ચલાવનાર મંત્રી બનશે, બીજો ખંડણી ઉઘરાવનાર મંત્રી બનશે અને ત્રીજો રક્તપાતને પ્રોત્સાહન આપનાર મંત્રી બનશે.”
“બિહારને જંગલરાજથી બચાવો”: શાહનું મતદારોને આહ્વાન
અમિત શાહે રેલી દરમિયાન લોકોમાં સીધો સંદેશ આપ્યો કે ભાજપે બિહારને જંગલરાજમાંથી મુક્ત કરાવ્યું છે અને હવે લોકોનું ફરજ છે કે તે પાછું ન આવે. તેમણે કહ્યું “અમે બિહારને જંગલરાજથી મુક્ત કરાવ્યું છે. બિહારના દરેક નાગરિકે હવે મતદાન દ્વારા રાજ્યને ફરી તે અંધકારયુગમાં જવાથી બચાવવું જોઈએ.”
લાલુ અને સોનિયા પર પરિવારવાદનો આરોપ
આમિત શાહે તેમના ભાષણ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ અને સોનિયા ગાંધી પર પરિવારવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું “લાલુજીને દેશની ચિંતા નથી, તેઓ ફક્ત ઈચ્છે છે કે તેમનો પુત્ર તેજસ્વી મુખ્યમંત્રી બને. એ જ રીતે સોનિયાજી ઈચ્છે છે કે તેમનો પુત્ર રાહુલ ગાંધી પીએમ બને. પરંતુ તેજસ્વી પણ મુખ્યમંત્રી બની શકતા નથી અને રાહુલ પણ પીએમ બની શકતા નથી. કારણ કે કોઈ ખાલી જગ્યા નથી.”
“જંગલરાજ પાછું ન આવે”: અમિત શાહ
ગૃહમંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે ભાજપ અને એનડીએ માટે આ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ બિહારની કાયદો-વ્યવસ્થા ફરીથી બગડવાની શક્યતા અટકાવવાનો છે. તેમણે કહ્યું કે ભાજપે વર્ષો પહેલાં બિહારને જંગલરાજમાંથી બહાર લાવ્યો હતો અને હવે લોકોની જવાબદારી છે કે તે સ્થિતિ પાછી ન આવે.
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા. 6 અને તા. 11 નવેમ્બરના રોજ યોજાશે. મતગણતરી અને પરિણામો તા.14 નવેમ્બરે જાહેર થશે.