Editorial

વન નેશન, વન ઈલેકશનને બદલે પ્રેફરન્શિયલ વોટિંગ અમલમાં આવશે તો દેશનો વિકાસ ઝડપી થશે

સને 1947 અને 15મી ઓગષ્ટના રોજ ભારત દેશ આઝાદ થયો. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કોઈને જ ખબર નહોતી કે આ દેશ કેવી રીતે ચાલશે? દેશના જાણીતા વિદ્વાનો દ્વારા દેશને ચલાવવા માટે બંધારણ તૈયાર કરવામાં આવ્યું. ભારતના બંધારણમાં કેન્દ્રની અને રાજ્યની અલગ અલગ સત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો. બાકી હતું તે જે તે સમયે રાજીવ ગાંધી પંચાયતી રાજ અમલમાં લાવ્યા. આમ, જોવામાં આવે તો ભારતમાં કેન્દ્ર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થા અને બાકી હતું તે પંચાયતનું પણ અલગ રાજ હાલમાં અસ્તિત્વમાં છે.

દેશમાં ચાર પ્રકારે સત્તા અમલમાં છે. આ સંજોગોમાં સ્વાભાવિક રીતે દરેકની ચૂંટણીનો સમય અલગ જ રહે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક સમયથી એવું બીડું ઉપાડ્યું છે કે દેશમાં ‘વન નેશન, વન ઈલેકશન’ અમલમાં લાવવામાં આવે. એટલે કે લોકસભા અને દરેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવામાં આવે. મોદીએ આની પાછળ ચૂંટણીનો ખર્ચ ઘટાડવાનું લોજિક આપ્યું છે. બની શકે કે આની પાછળની રાજકીય મનસા અલગ પણ હોય. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થઈ શકે ખરી?

‘વન નેશન, વન ઈલેકશન’માં પહેલો પ્રશ્ન એ છે કે વિધાનસભા ભંગ થાય કે પછી લોકસભા ભંગ થાય, એ ક્યારેય નિશ્ચિત હોતું નથી. જ્યારે પણ હંગ પાર્લામેન્ટ આવે ત્યારે સરકાર કેટલો સમય ટકશે તે નક્કી નથી. બીજો પ્રશ્ન એ છે કે જો ખર્ચ ઘટાડવા માટે જ વન નેશન, વન ઈલેકશન કરવું હોય તો પછી પંચાયત, પાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓનું શું? આ ચૂંટણીઓનો ખર્ચ પણ અલગ થશે જ. માત્ર લોકસભા અને વિધાનસભાની સાથે રાખીને ચૂંટણી કરવાથી ક્યારેય ફાયદો થઈ શકે તેમ નથી. હાલની સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પણ સાતથી આઠ તબક્કામાં કરાવવી પડી રહી છે.

આ બતાવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી જ ત્રણ મહિના ચાલે છે. જો તેની સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ જોડવામાં આવે તો કેટલો સમય બગડે? ઉપરથી ચૂંટણી દરમિયાન આચારસંહિતા અમલમાં આવી જવાથી વિકાસના કામો અટકી જાય છે. જો બંને ચૂંટણી સાથે કરવામાં આવે તો ચૂંટણી પાંચેક મહિના ચાલે અને ચોમાસાના ચાર મહિના જોડવામાં આવે તો વિકાસના કામો માટે માત્ર 3 જ મહિના મળે. શું નરેન્દ્ર મોદીને આનો ખ્યાલ નથી?

જો ચૂંટણી પર અંકુશ લાવવો હોય તો દેશમાં ચૂંટણી લડવા માટે ડિપોઝિટની રકમ વધારવાની જરૂરીયાત છે. આજે ચૂંટણીઓમાં અપક્ષોનો રાફડો ફાટે છે અને મોટાભાગના અપક્ષો મતો કાપવા માટે જ ઉભા રહે છે. અપક્ષોને કારણે જ ચૂંટણી ખર્ચ વધી જાય છે. જો ડિપોઝીટની રકમ વધારવામાં આવે તો તેની પર અંકુશ આવી શકે. એવો એકપણ રાજકીય પક્ષ નથી કે જે ઉમેદવારોની ડિપોઝિટ નહીં ભરી શકે. ઉપરાંત જો કોઈને અપક્ષ ઊભા જ રહેવું હોય અને જો તે જીતવાનો જ હોય તો તેને ડિપોઝિટ પરત મળવાની જ છે.

ચૂંટણી એ જે તે પ્રતિનિધિને પસંદ કરવા માટેની વિધિ છે. પરંતુ આ વિધિ એવી ના હોવી જોઈએ કે જેમાં લોકોનો મોટાભાગનો સમય રોકાઈ જાય. જે રીતે લોકોને શ્વાસ લેવાનો હક છે તેવો જ હક લોકોને ચૂંટણીનો છે. ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારને પસંદ કરીને લોકો પોતાના માટે સુવિધાઓ ઊભી કરાવી શકે છે. જીવનને સરળ બનાવી શકે છે. આ સંજોગોમાં લોકો પર ચૂંટણી ફરજિયાતપણે લાદી શકાય નહીં.

ખરેખર જો દેશમાં ચૂંટણીનો ખર્ચ ઘટાડવો હોય અને ખરેખર બહુમતિ પોતાનો પ્રતિનિધિ પસંદ કરે તેવી વ્યવસ્થા કરવી હોય તો જેવી રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે તેવી પ્રેફરન્શિયલ વોટિંગની સુવિધા દેશમાં ઊભી કરવી જોઈએ. આ પદ્ધતિમાં ભલે ગમે તેટલા ઉમેદવાર મેદાનમાં હોય પણ છેલ્લે બે જ ઉમેદવારો વચ્ચે મતની ગણતરી થાય છે. હાલમાં એવી સ્થિતિ છે કે મતો વહેંચાઈ જતા હોવાથી જેને 30 ટકા જ મત મળ્યા હોય તે 100 ટકા લોકોનો પ્રતિનિધિ બની જાય છે. જો પ્રેફરન્શિયલ વોટિંગ પદ્ધતિ લાવવામાં આવે તો તે જ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરી શકશે કે જેને જે તે વિસ્તારના 100 ટકા મતદારો પસંદ કરે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણમાં વન નેશન, વન ઈલેકશની હિમાયત કરી છે પરંતુ જો ખરેખર દેશનું ભલું કરવું હોય તો પ્રેફરન્શિયલ વોટિંગ પદ્ધતિ અમલમાં મુકવામાં આવે. જો આમ થશે તો દેશનો વિકાસ કોઈ જ રોકી નહીં શકે તે સત્ય છે.

Most Popular

To Top