ભારતમાં સમસ્યાઓનો રાફડો ફાટયો છે. કોવિડ મહામારી, બેરોજગારી, અર્થતંત્રને કારમી મંદીમાંથી બહાર લાવવું, 100 દિવસથી ચાલતું ખેડૂત આંદોલન, ચીન-પાકિસ્તાન સાથે સળગતી સરહદોનો પ્રશ્ન વગેરે અનેક ગંભીર સમસ્યાઓથી ભારત ઘેરાયેલું છે ત્યાં છેલ્લા થોડાક સપ્તાહથી ઉગ્ર બની રહેલ ક્રુડ ઓઇલના ઉછળતા ભાવો પાછળ અત્રે અસહ્ય એવા રૂ. 100ની સપાટીએ પહોંચેલ પેટ્રોલ-ડિઝલના ભાવોને કારણે એકબાજું મોંઘવારી વધી રહી છે તો બીજી બાજું સરકારને ફયુઅલ ટેક્સ ઘટાડવા માટે પ્રજાનો ચોમેરથી પોકાર ઉપડયો છે.
પ્રજાનો પોકાર એટલે સાચો છે કે પ્રજાને ફયુઅલના ભાવ વધારાને કારણે બે બાજુથી જ નહીં ચોમેરથી માર પડી રહ્યો છે. નાગરિકો કોવિડની મહામારીમાંથી માંડ માંડ ઘણા મહિનાઓ બાદ બહાર આવી રહ્યા છે. આ મહામારીના છથી 8 માસમાં ભયંકર આર્થિક, સામાજિક, શારિરીક ત્રાસ વેઠ્યો છે. આવકના સાધનો, નોકરીઓ ગુમાવી દીધી છે તો બીજીબાજું ઘરમાં જે કંઇ બચત કરેલ હતી તે વપરાઇ ચૂકી છે અને ઘર પણ ગિરવે મુકવાના કે વેચવાના દિવસો આવ્યા છે. વાત તો એટલે સુધી વણસી ગઇ કે ઘણાં લોકોએ વધારે વ્યાજે ખાનગી શાહૂકારો પાસેથી નાણાંકીય ધિરાણ લીધું પરંતુ તે ચુકવી નહીં શકાતા ઘરના બધા જ લોકોને સામુહિક આપઘાત કરવાના દિવસો પણ આવ્યા છે. આવા અસંખ્ય કિસ્સાઓ નજર સામે બની રહ્યા છે. તો વર્તમાન પત્રોમાં રોજબરોજ પ્રગટ થઇ રહ્યા છે.
આ કોવિડના પ્રથમ વેવની વિધાતક અસર જોવા મળી રહી છે. ત્યાં તો કોવિડનો બીજો વેવ શરૂ થઇ ગયો છે અને બમણાં વેગથી અનેક રાજ્યોમાં આગળ વધી રહ્યો છે. જોકે હવે વેકસીન મળી છે પરંતુ નવા બીજા વેવમાં તે કેટલી અસરકારક બની રહેશે તે જોવાનું છે.
પ્રજાને પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવો વધતા સતત રોજબરોજ રહેતાં મોંઘવારી અસહ્ય વધી ગઇ છે અને પોતાના ઘરના આર્થિક બજેટ ખોરવાઇ ગયેલ છે. ઉપરાંત પેટ્રોલ-ડિઝલ-ગેસના ભઆવો વધતા દરેક ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયું છે અને તે રીતે ઇંધણના ભાવવધારા કરતાં પણ વધુ ભાવો ચીજવસ્તુઓના વધી રહ્યા છે. સંગ્રહાખોરી-નફાખોરી બેફામ વધી ગઇ છે. ચારેબાજુ હોસ્પિટલ, મેડીકલ ખર્ચા બેફામ બન્યા છે તો ચીજવસ્તુઓના ભાવો નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. જેમાં ખાદ્યતેલો અગ્રીમ સ્થાને છે.
મગફળી, સીંગદાણા, કપાસનો મબલખ પાક થયો હોવા છતાં સીંગતેલ-કપાસિયા તેલના ભાવ આજ સુધીમાં કાયરેય જોવા ના હોય તેવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. આમ, પ્રજા હવે સહન પણ ન કરી શકે અને રોઇ પણ ન શકે તેવા સંજોગોમાં સપડાઇ ચૂકી છે.
સરકારે કેન્દ્ર અને રાજ્ય લુલો બચાવ કરીને પ્રજાને નિચોવી રહેલ છે. કેન્દ્ર સરકાર એમ કહે છે કે પેટ્રોલ-ડિઝલના ભાવ ઉપર સરકારનો કોઇ અંકુશ રહ્યો નથી. ઓઇલ કંપનીઓને આંતરરાષ્ટ્રીય બજારોમાં જે રીતે ભાવ વધારો-ઘટાડો થાય તે પ્રમાણે રોજેરોજ સવારે નવા ભાવ વધારો-ઘટાડો થાય તે પ્રમાણે રોજેરોજ સવારે નવા ભાવ જાહેર કરવાની છૂટ અપાઇ છે.
પરંતુ જ્યારે ક્રુડના ભાવ ઘટે કે તૂટે ત્યારે સરકાર પોતાની રેવન્યુ વધારવા કરવેરાનો બોજ વધારી દે છે, જેમ કે ક્રુડનો ભાવ ગગડીને 20 ડોલર થઇ ગયો ત્યારે સરકારે માર્ચ 2020 અને મે 2020માં એમ બે વખત એકસાઇઝ ડયુટી પેટ્રોલ-ડિઝલ ઉપર વધારી દીધી. જે આજે ભાવ 20 ડોલરવાળો 68 ડોલર બોલે છે ત્યારે પણ ચાલુ જ છે.
સરકારની એ પણ વાત સાચી છે કે કોવિડ મહમારીએ પ્રજાજનોની કેડ ભાગી નાંખેલ છે, સરકારે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગને 8થી 9 મહિનાથી મફતમાં અમુક અનાજ વહેંચી રહી છે. વેકસીન મફતમાં આપી રહી છે. તો બીજી બાજું રેલવે, એસટી વગેરેની આવકમાં મોટો ફટકો પડ્યો છે. જીએસટી કલેકશન સાવ તળિયે બેસી ગયું છે. આ બધી જ વાત સાચી છે પરંતુ હવે અર્થતંત્ર કારમી મંદીમાંથી બહાર આવી ગયું છે અને બધું જ નોર્મલ થઇ રહ્યું છે. (જોકે કોવિડના બીજા વેવની અસર કેટલી વિનાશક થશે તેનો કોઇ અંદાજ હાલ નથી) કંપનીઓએ બેન્કોએ સારા નફા-સારી કામગીરી બતાવી છે. સેન્સેક્સ 52000ની અને નિફ્ટી 15000ની સપાટી કદાવીને નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે.
આવા સંજોગોમાં મોંઘવારી વધે તો ફુગાવો વધે નહીં તે ધ્યાનમાં રાખીને સરકારે પેટ્રોલ-ડિઝળના ભાવો કેવી રીતે અંકુશમાં રાખવા તેની લાંબાગાળાની પોલીસી અમલમાં લાવે તે પહેલાં સૌપ્રથમ ગત વર્ષે 2020માં માર્ચ અને મે માસમાં જે બે વખત એકસાઇઝ ડયુટી વધારી છે તે પાછી ખેંચી લેવી જોઇએ.
આનાથી એ બાબત સુનિશ્ચિત થશે. એક તો સરકાર મોંઘવારી વધે નહીં તે માટેના પ્રયાસો કરી રહી છે અને આગળ ઉપર કરવા પણ કટિબદ્ધ છે. આ ડયુટી પાછી ખેંચે તો પ્રજા પ્રથમ તો ખુશ થશે જ પણ જે પાંચ રાજ્યોમાં હવે ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યાં મતદારોમાં પણ ખુબ સારો મેસેજ જશે જે કેન્દ્રના સત્તાધારી પક્ષને પણ અનહદ ફાયદો કરશે.
આ સમસ્યાના લાંબાગાળાના ઉકેલ માટે સરકારની એક થીંક ટેન્ક પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવા વિચારી રહી છે. નાણાંમંત્રી અને પેટ્રોલિયમ પ્રધાને આ અંગે સંકેત પણ આપ્યા છે. પરંતુ આ નિર્ણય લેતાં પહેલાં રાજ્ય સરકારોની સાથે બેસવું પડે. કારણ કે હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેના ટેક્સ લાગુ પડે છે. આ બંને ટેક્સ કિંમતના 60 ટકા વસુલ કરતાં હોય છે.
જીએસટીનો હાલનો 28 ટકાનો સૌથી વધારે ટેક્સ પણ લાગુ કરાય તો પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ જે બોલાય છે તેના કરતાં અડધા ભાવે ઉપલબ્ધ બને. 1લી જુલાઇ 2017થી દેશમાં જીએસટી લાગુ કરાયો પરંતુ ત્યારે પેટ્રોલ-ડિઝલને બાકાત રખાયું. કેન્દ્ર સરકાર માટે હાલ પેટ્રોલ-ડિઝલના ભડકે બળતાં ભાવ જે હવે લિટર દીઠ રૂ. 100ની સપાટીએ પહોંચી ગયા છે ત્યારે અને તે પણ ક્રુડનો ભાવ હાલ 68 ડોલર છે ત્યારે. તો પછી ઓપેક દ્વારા ઉત્પાદનકાપ હાલ પાછો નહીં ખેંચાતા ભાવ વધતો રહીને 75થી 80 ડોલર બોલશે તો ભારતમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ રૂ. 125 લીટરદીઠ બોલાશે. માટે સરકારે આ બાબતે બહુ જ ગંભીરતાથી તાત્કાલિક ધોરણે વિચારવું જરૂરી છે.
એક વસ્તુ એ પણ વિચારવા જેવી છે કે ડિઝલનો ભાવ વધારો પેટ્રોલ કરતાં વધુ દઝાડે છે. સૌપ્રથમ તો દેશમાં પેટ્રોલ કરતાં ડિઝલનો વપરાશ 2.5 ગણો વધારે છે. પેટ્રોલનો ઉપોગ પર્સનલ વ્હીકલ્સમાં વધારે થાય છે. જ્યારે ડિઝલનો વપરાશ દરેક ખેડૂત-ટ્રેકટરમાં અને ખેતરમાં કરે છે. તે ઉપરાંત દરેક ચીજવસ્તુના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ડિઝલ જ વપરાય છે અને આ ડિઝલનો ખર્ચ સીધો જ તે ટ્રાન્સપોર્ટ થતી પ્રોડકટ ઉપર સીધો જ પાસ કરવામાં કિંમતમાં ઉમેરી દેવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ડિઝલનો 70 ટકા ઉપયોગ થાય છે. આમાં ટ્રકો દ્વારા 28 ડિઝલ વપરાય છે. હવે તો ઓનલાઇન ડિલીવરી શરૂ થતાં તમારા ઘર સુધી વાહનમાં ચીજવસ્તુ-માલસામાન આવી રહ્યો છે. આ વધરતાં ભાવોને કારણે ફયુઅલ ઇન્ફલેશનના કારણે નાના ટ્રકરોની દશા માઠી બની રહી છે. આવું જ 2018માં બન્યું હતું. 2018ના અંતે ક્રુડનો ભાવ 80 ડોલર કુદાવી જતાં જનરલ ઇન્ફલેશન કરતાં પણ ફયુઅલ ઇન્ફેલશન વધી જતાં સરકારે ફયુઅલ એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો હતો.
ડિઝલનો વધુ ઉપયોગ કોર્પોરેશનો દ્વારા દોડાવાતી બસોમાં થાય છે. પરંતુ રાજકીય કારણોસર આ બસોના ભાડા ડિઝલના વધતા ભાવો સાથે લિંકઅપ હોતા નથી માટે આ કોર્પોરેશનો હંમેશા ખોટમાં જ દોડતા હોય છે જે સતત વધતી જ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિઝળ બસો હાલ ચાલે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ઇલેકટ્રીક અને સીએનજી ઉપર બસો ચાલતી થઇ છે.
ડિઝલનો ભાવ વધારો સૌથી વધુ ખેડૂતોને દઝાડે છે. ખેડૂતોને ફાયદો ત્યારે જ થાય કે તેઓની પ્રોડકટના ઉત્પાદન ખર્ચ કરતાં પણ વધુ ઝડપે તેઓની આવક વધે. ડિઝલના ઉંચા ભાવ કાર ઉત્પાદકોને માટે પણ વેચાણ વધારવામાં અવરોધો પેદા કરે છે. ફયુઅલના ભાવોના અસરકર્તા પરિબળોમાં આંતરરાષ્ટ્રીય ક્રુડનો ભાવ, ઇમ્પોર્ટ ડયુટી, રિફાઇનરી કોસ્ટ, ફ્રેઇટ કોસ્ટ, સેન્ટ્રલ એકસાઇઝ, સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સ, ઓઇલ માર્કેટીંગ કંપનીઓના તથા પેટ્રોલ પંપોના માર્જિનનો સમાવેશ થાય છે. બીજી બાજું ભારત અને ચીનના અર્થતંત્રોમાં ઝડપી રીકવરી આવતા તથા સાઉદી અરેબિયાએ 10 લાખ બેરલનો સ્વૈચ્છિક ઉત્પાદન કાપ મુકેલ હોવાથી ક્રુડનો ભાવ વધતો રહીને 20 ડોલર વાળો 68 ડોલરે પહોંચ્યો છે.
ભારત ક્રુડની વધુ આયાત કરનાર ત્રીજા નંબરનો દેશે. રીકવરીના કારણે ડિસેમ્બર 2020માં વાર્ષિક ધોરણે ગણતા 11.6 ટકા વધુ આયાત થઇ છે. ભારત તેની જરૂરિયાતના 84 ટકા આયાત પેટ્રો પ્રોડક્ટસની કરે છે અને તેના ભાવ વધતા ભારતમાં ભાવો ઉછળે છે. ભારત ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયા, યુએઇ, નાઇઝિરીયા, બ્રાઝિલ અને યુએસથી આયાત કરે છે. ભારત 85 દિવસ ચાલે તેટલો ક્રુડ ઓઇલનો સંગ્રહ કરી શકે છે. જ્યારે ક્રુડના ભાવ ઘટે છે ત્યારે જો ભારતીય રૂપિયો નબળો પડે તો પેટ્રોલ-ડિઝલના ભાવ દેશમાં ઘટી શકતા નથી. ફોરેન એકસચેન્જનો આઉટફલો વધતા ક્રુડનો ભાવ અહિં ઉંચો પડે છે. રૂપિયાની નબળાઇ સરકાર માટે ભાવ નીચા લાવવામાં અવરોધરૂપ બને છે.
જીએસટી હેઠળ ફયુઅલને લાવવામાં આ તો ભાવ 28 ટકાના સ્બેલ લાગુ કરાય તો પણ અડધા થઇ જાય. આના કારણે વપરાશકારો-નાગરિકોને તો ફાયદો થશે જ. પણ ટ્રાવેલીંગ ખર્ચ અને ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થશે. ફુગાવારૂપી પરિબળોના દબાણ ઘટશે, નફા વધશે, કેટલીક સેકટરની કંપનીઓ સરકાર તે વધુ ડિવિડન્ડ ચુકવી શકશે અને પ્રાઇવેટ કંપનીઓ સરકારને વધુ ટેક્સ ચુકવશે.
પરંતુ એક ગેરફાયદોએ થશે કે આપણે જે પેટ્રોલ-ડિઝલ અ ગેસના ભઆવોને એડમીનીસ્ટર્ડ પ્રાઇસ મીકેનીઝમમાંથી ડિરેગ્યુલેઇટ કરીને તે પાછું ફરી રેગ્યુલેટેડ થશે. હવે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર, જીએસટી કાઉન્સીલ બધા ભેગા મળીને આ બાબતે ચર્ચા વિચારણા કરી ટકેસ્ ઘટાડવા કે જીએસટી હેઠળ લાવવાનો પોઝિટિવ નિર્ણય સત્વરે લે તેવી સહુને આશા છે.