અમદાવાદ: બચુભાઈ ખાબડ વર્ષોથી ધારાસભ્ય રહ્યા છે અને સરકારમાં મંત્રી પણ રહ્યા છે. છતાં પણ વિસ્તારના સ્ટેટ હાઈવેના ખાડાઓ રિપેર થયા નથી, કોઈ નવો રોડ બનાવ્યો નથી કે અન્ય કોઈ વિકાસના કામો કર્યા નથી. પરંતુ જનહિતની યોજનાઓમાં ઉઘાડી લૂંટ થઈ છે. આખી દુનિયાને ખબર છે કે ભાજપ સરકારમાં તત્કાલીન મંત્રીએ કેટલું મોટું કોભાંડ કર્યું. આ મામલે હજુ તો માત્ર મંત્રીના પુત્રો જ જેલમાં ગયા છે, પરંતુ તેમની પોતાની 7/12ની નકલમાં નામ છે, એમાં પણ કરોડો રૂપિયા ખાઈ ગયા છે, હજુ એનો વારો પણ આવશે, તેવું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
જન આક્રોશ યાત્રાના પંદરમા દિવસની શરૂઆત લીમખેડાથી કરવામાં આવી હતી, ત્યારબાદ યાત્રા પીપલોદ, દેવગઢ બારીયા, વેદ ચોકડી, ધાનપુર, વાસીયા ડુંગરી, કાળાખુંટ, ગાંગરડી, ગરબાડા, પાંચવાડા માર્ગે દાહોદ તરફ આગળ વધી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે રાજ્યમાં “કુપોષણમુક્ત ગુજરાત”ના સૂત્રો આપે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તાજેતરમાં જે આંકડા સામે આવ્યા છે, એ મુજબ રાજ્યમાં 3.21 લાખ બાળકો કુપોષિત છે. ગુજરાતમાં કુપોષણ માત્ર કોઈ એક વિસ્તારની સમસ્યા નથી પરંતુ રાજ્યવ્યાપી ગંભીર સંકટ બની ગયું છે. જે આંકડાઓ આવ્યા છે એમાં પણ મોટાભાગના બાળકો આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં રહે છે, સૌથી વધુ પંચમહાલ અને દાહોદના અસરગ્રસ્ત છે. કરોડો રૂપિયાનું બજેટ અને અનેક યોજનાઓ હોવા છતાં સ્થિતિમાં સુધારો ન થવો એ ભાજપ સરકારની નીતિગત નિષ્ફળતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.
વિધાનસભામાં કોગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે તાજેતરમાં ભ્રષ્ટાચારના કેસમાં સુરેન્દ્રનગરના કલેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ જો અમારી સરકાર આવશે તો અમે તેમને ફરી નોકરીમાં લઈશું. જે પ્રમોશન આપવાનું થતું હશે તે પણ આપીશું, પરંતુ એમને પહેલા કહેવું પડશે કે એમણે કયા ભાજપના નેતાઓના દબાણથી આ કામ કર્યું અને કોના ઈશારે આ કામ કર્યું? કારણ કે 10 ટકા જ કલેક્ટર સુધી આવે છે અને 90 ટકા તો ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકો ખાઈ જાય છે. એમને ખુલ્લા પાડવા એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે.