Comments

જો સમયસર પુરતા પગલાં નહીં લેવાય તો દેશ પ્લાસ્ટિકના કચરાના ઢગલાઓથી ભરાઇ જશે

પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ છેલ્લા કેટલાક દાયકાઓમાં આખી દુનિયામાં ખૂબ જ વધ્યો છે. આમ તો પ્લાસ્ટિકની ડોલ જેવા વાસણો, રમકડાઓ વગેરેનો વપરાશ તો ઘણા વર્ષોથી થતો આવ્યો છે પરંતુ જ્યારથી પ્લાસ્ટિકની  પાણીની બોટલો, ઠંડા પીણાની અને દવાઓની પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના પેકેજીંગ વગેરેનો વપરાશ વધ્યો ત્યારથી વિશ્વ ભરમાં વપરાયેલા પ્લાસ્ટિકનો કચરો ખૂબ વધવા લાગ્યો છે. આ પ્લાસ્ટિકનો કચરો લોખંડ જેવી  ધાતુઓ કે લાકડા જેવા પદાર્થોનો કચરો જે રીતે જમીનમાં, પર્યાવરણમાં ભળીને નાશ પાહે છે તે રીતે નાશ પામતો નથી. તેને નાશ પામતા કે વિસર્જીત થતા ખૂબ જ વાર લાગે છે, પરિણામે પ્લાસ્ટિકનો વપરાશ વધવાની સાથે  દુનિયાભરમાં પ્લાસ્ટિકનો કચરો ખૂબ જ વધ્યો છે અને તેનો ઝડપથી નાશ થતો ન હોવાથી છેલ્લા કેટલાક દાયકામાં દુનિયાભરમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા વધતા જ ગયા છે. ભારત એ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે અને  અહીં પ્લાસ્ટિકની સસ્તી સામગ્રીનો વપરાશ ઘણો વધારે છે તેથી સ્વાભાવિક રીતે જ ભારતમાં પ્લાસ્ટિકના કચરાનું સર્જન ઘણુ વધારે થાય છે અને હાલ આપવામાં આવેલા સત્તાવાર અંદાજ પ્રમાણે ભારતમાં વર્ષે ૩૫ લાખ ટન  પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે.

઼ભારત વરસે દહાડે ૩.પ મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો સર્જે છે એમ પર્યાવરણ મંત્રી ભુપન્દર યાદવે હાલમાં જણાવ્યું હતું. તેમણે પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટેના ઘણા હરિત કાર્યક્રમો લોન્ચ કરતી વખતે આ માહિતી  આપી હતી. જનસમૂહમાં જાગૃતિ લાવવા માટે માસ્કોટ પ્રકિર્તીને લોન્ચ કરતી વખતે બોલતા યાદવે લોકોને વિનંતી કરી હતી કે તેઓ પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા માટેના અને એક બહેતર ભવિષ્યના સર્જન માટેના પ્રયાસોમાં  તેઓ જોડાય. નાના પ્રકારના કેટલાક ફેરફારોજો જીવન જીવવાની સ્ટાઇલમાં કરવામાં આવે તો તેનાથી પર્યાવરણને ઘણો લાભ થઇ શકે છે તે માટે જાગૃતિ લોકોમાં લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પ્લાસ્ટિકનો કચરો એ પર્યાવરણ પર સૌથી વધુ દબાણ લાવતા મુદ્દાઓમાંનો એક બની ગયો છે જે મુદ્દાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. ભારત વર્ષે ૩૫ લાખ ટન જેટલા પ્લાસ્ટિકના કચરાનું સર્જન કરે છે અને છેલ્લા પાંચ  વર્ષમાં પ્લાસ્ટિકના માથાદીઠ કચરાનું સર્જન બમણુ જેટલું થઇ ગયું છે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ આપણી ઇકો સિસ્ટમને વિપરીત અસર કરે છ અને તે હવાના પ્રદૂષણમાં પણ ફાળો આપે છે એ મુજબ મંત્રીએ કહ્યું હતું. તેમની વાત  યોગ્ય જ છે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ આપણી જીવ સૃષ્ટિ, ખાસ કરીને જળચર જીવોને ખૂબ નુકસાન કરી રહ્યું છે.  પ્લાસ્ટિકના કચરાને અંકુશમાં લેવા કે તેના યોગ્ય વ્યવસ્થાપન માટેના ઘણા કાર્યક્રમો લોન્ચ કરવામાં આવ્યા તો છે  જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની નાબૂદી માટેના નેશનલ ડેશબોર્ડ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટેના કાર્યક્રમનો સમાવેશ થાય છે પરંતુ આવા કાર્યક્રમોનો અમલ કેવી રીતે થાય છે અને તેમને જનતાનો પ્રતિસાદ કેવો મળે છે  તેના પર આ કાર્યક્રમોની સફળતાનો આધાર રહેલો છે.

સિંગલ યુઝ એટલે કે એક જ વખત વાપરીને ફેંકી દેવાની પ્લાસ્ટિકની વસ્તુઓના વપરાશ પર અંકુશ માટે છેલ્લા કેટલાક સમયમાં વિવિધ નિયમો-નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે અને તેમની અસર પણ દેખાઇ રહી છે.  પ્લાસ્ટિકની ડીશો, કપ વગેરેના સ્થાને જાડા પૂઠા જેવા કાગળની ડીશો, કપ વગેરે દેખાઇ રહ્યા છે પરંતુ ઝભલા તરીકે ઓળખાતી પ્લાસ્ટિકની કોથળીઓનો વપરાશ હજી પણ મોટા પાયે ચાલુ છે. રિસાઇક્લેબલ પ્લાસ્ટિક બેગ્સના  નિયમ પર પૂરતો અમલ થતો નથી. પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી કે કોથળીઓ, પાણીની ખાલી બોટલો, પ્લાસ્ટિકના પેકેટો વગેરે એવી રીતે બનાવવામાં આવે તે તેમના કચરાને રિસાયકલ કરીને ફરીથી તેમાંથી વસ્તુઓ બનાવી  શકાય તો પણ પ્લાસ્ટિકનો કચરો નોંધપાત્ર રીતે ઘટી શકે તેમ છે પરંતુ આ દિશામાં પ્રયાસો અપૂરતા જણાય છે. સરકાર અને પ્રશાસનના અપૂરતા પ્રયાસો અને પ્રજાના બેદરકાર વર્તનને કારણે આપણા દેશમાં, ખાસ કરીને  શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા વધતા જાય છે અને જો સમયસર પુરતા પગલા નહીં લેવામાં આવે તો પ્લાસ્ટિકના કચરાની સમસ્યા આપણા દેશમાં સમય જતા અતિભયંકર સ્વરૂપ ધારણ કરી શકે  છે.

Most Popular

To Top