બીજા વિશ્વયુદ્ધને બાદ કરતાં વિશ્વમાં અત્યાર સુધીમાં ક્યારે પરમાણું બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભૂતકાળમાં અમેરિકા દ્વારા જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બોમ્બ નાંખવામાં આવ્યા હતા અને તેને કારણે જે તબાહી થઈ હતી તે અકલ્પનીય હતી. પરમાણુ બોમ્બના ઉપયોગની અસર દાયકાઓ સુધી રહે છે. બાળકો ખોડ-ખાંપણવાળા જન્મે છે. આ કારણે જ પરમાણુ બોમ્બ ફેંકાયાના અત્યાર સુધીના 80 વર્ષમાં અનેક વખત દુશ્મન દેશો વચ્ચે યુદ્ધો થયા પરંતુ ક્યારેય પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનું કોઈએ વિચાર્યું નથી. હા, પરમાણુ બોમ્બની ધમકી જરૂર આપવામાં આવી છે. હાલમાં પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અનેક લોકો દ્વારા એવી હિમાયત કરવામાં આવે છે કે ભારતે પાકિસ્તાન સામે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવો જોઈએ. જોકે, હાલના સમયમાં જો પરમાણુ બોમ્બનો ઉપયોગ થાય તો કેવી ખાનાખરાબી સર્જાય તેની વિગતો જ ધ્રુજારી લાવી દે તેવી છે. એક જાણીતા મેગેઝિન દ્વારા પરમાણુ યુદ્ધ થાય તો શું થાય તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો પરમાણુ યુદ્ધ થાય તો લાખ-બે લાખ નહીં પરંતુ 12 કરોડ લોકોના મોત થઈ શકે છે. જ્યાં બોમ્બ ફેંકાયો હોય તેની 50 કિ.મી.ની પેરીફેરીમાં સર્વત્ર તબાહી જ જોવા મળે તેમ છે.
ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ અનુસાર, વિશ્વમાં ભારતની સાથે સાથે અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ઉત્તર કોરિયા, પાકિસ્તાન અને ઈઝરાયલ પાસે જ પરમાણુ શસ્ત્રો છે. અભ્યાસ પ્રમાણે, જો પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે તો તે તે 100 સૂર્ય જેટલી ગરમી પેદા કરી શકે છે. જેને કારણે બોમ્બ ફુટ્યાના 50 કિ.મી. વિસ્તારમાં લોકો આંધળા થઈ જશે. તાપમાન 10 લાખ ડિગ્રી સુધી પહોંચી જશે. જેને કારણે લોકો ભૂંજાય જશે અને ઈમારતો પણ બળી જશે. પવન એટલો ઝડપથી ફૂંકાશે કે 10 કિ.મી.ના વિસ્તારમાં કોઈ જ ઈમારત, વૃક્ષ કે પછી અન્ય કોઈ જ વસ્તુ ટકશે નહીં. તમામ વસ્તુનો નાશ થઈ જશે. આ જે પવન ફૂંકાશે તેમાં જ્વાળાઓ હશે. જેને કારણે પૃથ્વી ગરમ થઈ જશે. સ્ટીલ અને કાચ પીગળી જશે. આકાશમાં એક વિશાળ વાદળ બનશે. જેમાં કિરણોત્સર્ગી કણો 100 કિ.મી. સુધી ફેલાશે અને તેને કારણે આ વિસ્તારમાં ઘાતક કિરણોત્સર્ગ ફેલાશે.
2024માં રજૂ થયેલા ડેટા પ્રમાણે ભારત પાસે 172 જેટલા પરમાણુ શસ્ત્રો છે. જ્યારે પાકિસ્તાન પાસે 170 પરમાણુ શસ્ત્રો છે. આનો મતલબ એવો થયો કે બંને દેશો પાસે 250 પરમાણુ શસ્ત્રો છે. જો આ તમામ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન મળીને બંને દેશના આશરે પાંચ કરોડથી શરૂ કરીને 12.5 કરોડ સુધીના લોકો મૃત્યુ પામી શકે છે. ભારત અને પાકિસ્તાનના મુખ્ય શહેરો નાશ પામશે. આ શહેરો રહેવાલાયક નહી રહેસ. તમામ શહેરોમાં માળખાગત સુવિધાઓ તૂટી પડશે. ધુમાડા અને આગના તોફાનો સમગ્ર વાતાવરણને અસર કરશે.
પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ માત્ર બંને દેશો જ નહીં પણ સમગ્ર ગ્રહને અસર કરશે. આનાથી દુકાળ પડી શકે છે. જેને કારણે અબજો લોકોને અસર થશે. જ્યાં પરમાણુ શસ્ત્ર છોડવામાં આવશે ત્યાં એક વિશાળ અગનગોળો નીકળશે. આ ગોળો એટલો ગરમ હશે કે તેનાથી મોટી માત્રામાં હવાને પોતાની તરફ ખેંચી લેશે. જેના કારણે લોકો ગુંગળાઈ જશે. ગરમ હવા લોકોના શ્વાસમાં જશે તો લોકો અંદરથી સંપૂર્ણપણે બળી જશે. લોકોના હાડકા પણ પીગળી જશે.
પરમાણુ વિસ્ફોટમાંથી નીકળનારા કાર્બનને કારણે વાદળો કાળા થઈ જશે અને સમગ્ર વિસ્તારમાં ફરી વળશે. જેને કારણે સૂરપ્યના કિરણો પૃથ્વી પર પહોંચતા અટકી જશે. કાળા વાદળોને કારણે એસિડનો વરસાદ થશે. જેને કારણે લાખો લોકોના તત્કાળ મોત થઈ જશે. આ વાદળોનો નાશ થવામાં વર્ષો લાગી જશે. કાર્બનના આ વાદળો ઓઝોન સ્તરના 70 ટકા ભાગનો નાશ કરી નાખશે. અવકાશમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો માનવજાત અને વનસ્પતિના અસ્તિત્વને ગંભીર અસર કરશે. પરમાણુ શસ્ત્રોની આ ઘાતકતાને કારણે ભારત અને પાકિસ્તાને 31મી ડિસે., 1988ના રોજ બિનપરમાણુ કરાર કર્યો હતો. જેનો અમલ 27મી જાન્યુ., 1991થી કરવામાં આવ્યો હતો. આ કરાર પ્રમાણે ભારત અને પાકિસ્તાને એકબીજાના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાનો નથી. યુદ્ધના સમયે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો નથી.