અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો અને યુદ્ધ ફાટી નિકળ્યું તેને એક સપ્તાહ કરતા વધુ સમય થઇ ગયો છે. આ યુદ્ધ ખૂબ વિસ્તર્યું છે અને અખાતના અનેક દેશોમા તે ફેલાયું છે ત્યારે આ યુદ્ધના કારણે હવે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવો વધવા માંડ્યા છે અને ખનિજ તેલની વૈશ્વિક કટોકટી ઉભી થાય તેવા સંજોગો સર્જાય છે. ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીના મોત પછી આ યુદ્ધ ટૂંક સમયમાં અટકી જશે તેવી અટકળો હતી, પણ આ અટકળો ખોટી પડી છે અને ઉગ્ર રીતે આ યુદ્ધ ચાલુ રહ્યું છે. આ લડાઇને કારણે ઇરાન નજીકની હોરમઝની સામુદ્રધૂનિ તરીકે ઓળખાતો સાંકડો અખાતી માર્ગ બંધ થઇ ગયો છે. આ એ જ માર્ગ છે કે જ્યાંથી વિશ્વના કુલ ક્રૂડ ઓઇલ પુરવઠાના ૨૦ ટકા ભાગનું પરિવહન થાય છે. આ માર્ગ બંધ થઇ ગયો છે ઉપરાંત સ્ટોકનો ભરાવો થઇ જવાના કારણે અનેક અખાતી દેશોએ ક્રૂડનું ઉત્પાદન અટકાવી દીધું છે. આવા સંજોગોમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ વધી ગયા છે.
સોમવારે તો તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને કિંમત પ્રતિ બેરલ 120 ડોલરની નજીક પહોંચી ગઈ હતી. યુદ્ધની સ્થિતિને કારણે મધ્ય પૂર્વમાં ઉત્પાદન અને શિપિંગ પર મોટું જોખમ ઉભું થયું છે અને નાણાકીય બજારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ગણાતા બ્રન્ટ ક્રૂડનો ભાવ દિવસની શરૂઆતમાં વધીને પ્રતિ બેરલ 119.50 ડોલર સુધી પહોંચી ગયો હતો, પરંતુ બાદમાં બજાર ખુલતા પહેલા 14 ટકાના વધારા સાથે 106 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે ક્રૂડના ભાવ કંઇક ઘટ્યા હતા પણ તે ફરીથી વધવાનો ભય તો સેવાય જ છે.
યુદ્ધ હવે બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે અને પર્શિયન ગલ્ફમાંથી તેલ અને ગેસના ઉત્પાદન તથા હેરફેર માટે મહત્વના એવા દેશો અને સ્થળો આ સંઘર્ષની લપેટમાં આવતા તેલના ભાવ સતત વધી રહ્યા છે. અહેવાલ મુજબ, ‘ગ્રુપ ઓફ સેવન’ (G7) ના કેટલાક સભ્ય દેશો બજાર પરનું દબાણ ઘટાડવા માટે તેમના વ્યૂહાત્મક તેલના ભંડારનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને સોમવારે જણાવ્યું હતું કે વ્યૂહાત્મક અનામતનો ઉપયોગ એક વિચારી શકાય તેવો વિકલ્પ છે. જો કે બાદમાં અહેવાલ આવ્યા હતા કે જી-૭ દેશોએ હાલ પોતાના વ્યુહાત્મક ભંડારમાંથી જથ્થો છૂટો કરવાનું હાલ માંડી વાળ્યું છે. જો કે યુદ્ધ હજી વધુ લંબાય અને ક્રૂડની વૈશ્વિક કિમતો આભને આંબવા માંડે તો આ ઔદ્યોગિક દેશોના સમૂહે નાછૂટકે વ્યુહાત્મક જથ્થો છૂટો કરવો જ પડશે.
નિકાસ કરવાની ક્ષમતા ઘટવાને કારણે અને સ્ટોરેજ ટેન્કો ભરાઈ જવાથી ઈરાક, કુવૈત અને યુએઈએ તેલના ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈરાન, ઈઝરાયેલે તેલ અને ગેસના પ્લાન્ટ્સ પર હુમલા કર્યા છે, જેનાથી પુરવઠાની ચિંતા વધુ ઘેરી બની છે. તેલ અને કુદરતી ગેસના ભાવમાં આ ઉછાળો અન્ય ઉદ્યોગોને પણ અસર કરી રહ્યો છે અને એશિયન અર્થતંત્રોને મોટો ફટકો પડી રહ્યો છે. ભારતીય જથ્થો છૂટ કરવાનો ઇનકાર કરતા ભારતે જણાવ્યું છે કે, આ કટોકટી (જેના કારણે ભાવમાં વધારો થયો છે) અમારું સર્જન નથી. જેઓ જવાબદાર છે તેમણે જ તેનો ઉકેલ લાવવો પડશે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયત્નો કરવા પડશે. ભારતનો અભિગમ યોગ્ય જ છે. અમેરિકાએ આ યુદ્ધ કરીને દુનિયાભરને ક્રૂડની કટોકટીમાં ધકેલી દીધી છે ત્યારે હવે આ કટોકટીનો ઉપાય પણ અમેરિકાએ જ કરવો જોઇએ. હવે આ કટોકટી કેટલી ચાલે છે અને કેટલી વકરે છે તે જોવાનું રહે છે. જો સ્થિતિ વધુ વકરશે તો પેટ્રોલ, ડીઝલ, ગેસ વગર જેમને જરાયે ચાલે તેમ નથી તેવા ઔદ્યોગિક દેશોએ પોતાના વ્યુહાત્મક ભંડારોમાંથી લાખો બેરલ છૂટા કરવા જ પડશે.