Comments

ખેતીવાડી ટલ્લે ચડે તો બીજાં ક્ષેત્રોના પણ એજ હાલ થાય

ભારત સરકારના ‘સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ’ દ્વારા પંજાબમાં 2013 થી 2022 સુધીમાં એક અભ્યાસ હાથ ધરાયો હતો. પંજાબનો અર્થ જ પાંચ નદીઓ (આબ)નો પ્રદેશ થાય છે. હરિયાળી ક્રાન્તિનાં દુષ્પરિણામો હવે સત્તાવાર રીતે જાણવા મળ્યાં છે. દર વરસે નવ અબજ ઘન મિટર પાણીની ખેંચ પડે છે તે પૂરવા માટે ખેડૂતો દર વરસે વધુ ને વધુ ઊંડા બોરવેલ ખોદાવે છે. તે બોરવેલને ખોદાવવાના અને ઊંડેથી પાણી ખેંચવાનો વીજળી ખર્ચ વધુ આવશે. આમ પાણીની કોસ્ટ ઊંચી પડે છે અને ખેડૂતોના હાથમાં વધુ પૈસા બચતા નથી. એક સમયે સપાટી પર પાણીથી ભર્યાભાદર્યા રહેતા પંજાબના પાણીનાં તળ ખૂબ ઊંડે જતાં રહ્યાં છે. પંજાબ તો એક ઉદાહરણ છે, પરંતુ આખા ભારતની આ સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં બારે માસ પાણી સપાટી પર વહેતું હતું ત્યાં હવે બોરવેલ વધુ અને વધુ ઊંડા ખોદવાનો ધંધો પૂરજોશમાં ચાલે છે.

લગભગ દુનિયાના મોટા ભાગના ખેડૂતોને એ સમજાવવાનું રહેતું નથી કે કયાં પાક માટે વધારે પાણીની જરૂર પડે છે? તેઓને પોતાને સ્થળ પરનો પ્રત્યક્ષ અનુભવ હોય છે. છતાં ભારતમાં પંજાબ અને હરિયાણા પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતો વધુ પડતાં આંદોલને ચડે છે. જગજીતસિંહ ડલ્લેવાલની આગેવાની હેઠળ ખેડૂતોએ બીજી વાર લાંબું આંદોલન શરૂ કર્યું હતું અને ખેડૂતો સાથે વાટાઘાટો કરવાનો મોદી સરકારે નિર્ણય લીધો ત્યાર બાદ હમણાં તે શાંત પડયું છે.અગાઉ સરકાર એમ ઇચ્છતી હતી કે સુપ્રીમ કોર્ટમાં પડેલી યાચિકા બાબતે સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપશે તે માન્ય રખાશે. હવે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટો યોજાશે ત્યારે કોઇક સમાધાન થશે એવી બન્ને પક્ષે અપેક્ષા છે. પંજાબના ખેડૂતોની ખેતી શૈલી મુખ્યત્ો ઘઉં અને ચોખાના પાકની આસપાસ ફરતી રહે છે.

ભારત સરકારના એક પૂર્વ ઉચ્ચ અધિકારી અને ખેતીવાડી નિષ્ણાત સિરાજ હુસૈનના મત મુજબ પંજાબના ખેડૂતો કે જેઓ મિનિમમ વેચાણ કિંમતોને ઊંચે લઇ જવા અને પારદર્શક બનાવવાની માગણી કરી રહ્યા છે. તેઓ પેઢી દર ચોખાના પાકને જ વળગી રહે છે. પરંતુ પાણીની હાલની જે સ્થિતિ છે તેમાં હવે લાંબો સમય ચોખાની ખેતીની તરાહને વળગી રહી શકાશે નહીં. પંજાબના ખેડૂતોએ ચોખાના પાકને વીસથી પચ્ચીસ વખત પાણી પાવું પડે છે. જયારે બીજા  પાકને માત્ર ચારથી પાંચ વખત પાણી પાવું પડે છે. ચોખાના પાકને વળગી રહેવાથી પાણી અને પરિણામે પાક મોંઘો પડે છે અને ભૂગર્ભ જળસપાટી વધુ અને વધુ નીચે જાય છે, તેમાં લાંબે ગાળે (હવે તો ટૂંકા ગાળામાં જ ખેડૂતોનું અહિત થાય છે.

અગાઉ લખ્યું તે પ્રમાણે ખેડૂતોમાં આ જ્ઞાન નહીં હોય એવું નથી, છતાં લાંબા ગાળે જે નુકસાન થવાની ધારણા હોય છે તે થઇને રહે તે પછી જ જાગૃત થવાની દુનિયાભરના અને ખાસ કરીને ભારતનાં લોકોની ફિતરત છે. ભારત સરકાર ઇચ્છે છે કે ખેડૂતો બીજા પાક તરફ વળે. પંજાબના ખેડૂતો પણ હવે ખેતીવાડીની તરાહ બદલી રહ્યા છે. પંજાબમાં ખેડૂતો હવે બટેટાની ખેતી તરફ વળ્યા છે. 2023-24ની સિઝનમાં પંજાબમાં એક લાખ સત્તર હજાર હેકટરમાં બટેટા ઉગાડવામાં આવ્યા હતા અને તેંત્રીસ લાખ ટનની ઉપજ લેવાઈ હતી. પંજાબના ખેડૂતો હવે વધુ શાકભાજી ઉગાડતા પણ થયા છે. પરંતુ વાવણી માટેના (સીડસ) બટેટાનું બિયારણ તેમજ શાકભાજીની કિંમતમાં મોટા પાયે વધઘટ થતી રહે છે. ખેડૂતોને આ અનિશ્ચિતતા ટેન્શનમાં રાખે છે અને કયારેક નુકસાન પણ ભોગવવું પડે છે.

આજના ખેડૂતો દેશ અને દુનિયાની ખેતીવાડીનો વધુ અનુભવ ધરાવે છે. બટેટા, લસણ, કાંદા અને અન્ય શાકભાજીઓ તુરંત વેચાઈ જાય તો સારું, અન્યથા બગડતાં વાર લાગતી નથી. બટેટા, લસણ, કાંદા વગેરેની કોલ્ડ સ્ટોરેજમાં કે ખાસ માળિયાં બાંધીને માવજત લેવી પડે. તેની સામે ચોખા કે કમોદ અમુક વરસો સુધી પડ્યાં રહે તો બગડતાં નથી અને કોલ્ડ સ્ટોરેજનું ભાડું ભરવું પડતું નથી. એવાં પણ ઉદાહરણો છે કે બટેટા કોલ્ડ સ્ટોરેજમાં બગડી ગયા હોય અન ફેંકી દેવા પડ્યા હોય, કારણ કે પોષણક્ષમ ભાવ જ ન મળતાં હોય.

ખેડૂતોએ એ પણ જોયું છે કે અમુક રાજ્ય સરકારે લઘુતમ વેચાણ દર નકકી કર્યા હોય તેના કરતાં પણ ઓછી કિંમતે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોએ સોયાબીન વેચવા પડ્યા હતા. સરકારે નક્કી કરેલા લઘુતમ દર 4892 રૂપિયા હતા તે સામે ખેડૂતોએ 4100 થી 4200 રૂપિયે ક્વીન્ટલના ભાવે વેચાણ કરવું પડ્યું હતું. કિસાનોને બીજી સીઝન માટે નાણાંની પણ જરૂર હોય છે તેથી નાછૂટકે સસ્તા ભાવમાં ઉપજ વેચી નાખવી પડે છે. અનેક રાજ્યોમાં ક્વીન્ટલ દીઠ અમુક રકમનું સરકાર તરફથી બોનસ અપાશે એવાં વચનો આખરે પાળવામાં આવ્યાં નથી તેનો પણ ખેડૂતોને અનુભવ છે. તે સામે કેન્દ્ર સરકાર ઘણી વખત આઉટ ઓફ ધ વે જઈને ખેડૂતો ધ વે જઈને ખેડૂતો ન્યાલ થાય તેવો અભિગમ દાખવે છે. પંજાબ, હરિયાણાના ખેડૂતોની બાસમતિ સિવાયના કે ચોખાના તમામ પાકને સરકાર લઘુતમ દરમાં ખરીદી લે છે.

આ પ્રેક્ટિસ વરસોથી ચાલે છે. હવે ત્યાંના ખેડૂતો ઈચ્છે કે અન્ય પાક માટે પણ સરકાર આવી નીતિ અપનાવે. લઘુતમ ખરીદ કિંમતમાં સરકાર ચોખાની જાત બાબતમાં પણ ઉદારતા દર્શાવે છે. પંજાબ, હરિયાણા વગેરેના ખેડૂતોને ચોખાને બદલે મકાઈનો પાક લેવાની સલાહ અપાય છે, કારણ કે તેમાંથી જે ઈથેનોલ મળે છે તે વાહનોનાં બળતણ તરીકે વાપરી શકાય છે. પણ મકાઈ બાબતે એમએસપીની કોઈ ગેરન્ટી સરકાર આપતી નથી તેથી તેના વાવેતર માટે ખેડૂતો ઉદાસીનતા દાખવે છે. શ્રી હુસૈનના મત પ્રમાણે તમામ પાકોની લઘુતમ દરે ખરીદી કરવાનું અને તેનો વહીવટ કરવાનું કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો માટે શક્ય નથી. તે માટે ગંજાવર મૂડીની જરૂર પડે. તેના બદલે ખેડૂતોએ એવાં શાકભાજી, ફળો વગેરેની ખેતી તરફ વળવું જોઈએ જે ચીજો આજે વિદેશોમાંથી આયાત કરવી પડે છે.

દાખલા તરીકે બ્રોકલી નામક શાકભાજી, ફ્લાવર આ લીલી કાચ શાકભાજી હાલમાં ભારતનાં ઘરોમાં ખૂબ લોકપ્રિય થઈ છે. આ બ્રોકલીની સબ્જીને થોડી વારમાં રાંધી શકાય છે. ભારતમાં તે 200થી -250 રૂપિયે કિલોગ્રામના હિસાબે વેચાય છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્યવર્ધક પણ છે. ટૂંકમાં ખેડૂતોએ આજની દુનિયાના તાલ સાથે તાલ મિલાવવો પડશે. નવા પ્રયોગો કરતાં રહેવા પડશે. ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ.સ્વામીનાથને કહ્યું હતું કે જો કૃષિ ક્ષેત્રે ખરાબે અથવા ખોટા માર્ગે ચડી જાય તો દેશનાં બાકીનાં બધાં ક્ષેત્રો ટલ્લે જ ચડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top