સરકારી ક્ષેત્રની IDBI Bank ના શેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ભારે ગિરાવટ નોંધાઈ છે. શેર તેની તાજેતરની ઊંચાઈ ₹118.5 થી લગભગ 35% તૂટી ગયો છે. માત્ર બે દિવસમાં જ આશરે 20% નો ઘટાડો થતા રોકાણકારોમાં ચિંતા વધી છે. આ ગિરાવટને કારણે બેંકના માર્કેટ કેપમાંથી ₹18,500 કરોડથી વધુનું નુકસાન થયું છે.
ગિરાવટ પાછળનું મુખ્ય કારણ શું? : આ તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ બેંકના પ્રાઇવેટાઇઝેશન અંગે ઊભી થયેલી અનિશ્ચિતતા છે. સરકાર અને Life Insurance Corporation of India (LIC) દ્વારા બેંકમાં મોટો હિસ્સો વેચવાની યોજના હતી. પરંતુ રિપોર્ટ્સ મુજબ અપેક્ષા કરતા ઓછા બિડ મળતા સરકાર આ ડીલને રદ કરી શકે છે. બજાર આ સમાચારથી નકારાત્મક બન્યું અને રોકાણકારોએ ઝડપથી શેર વેચવાનું શરૂ કર્યું.
ખરીદદારો શા માટે સાવચેત રહ્યા?
સંભવિત ખરીદદારોના મનમાં કેટલાક પ્રશ્નો હતા:
ખરીદી પછી મેનેજમેન્ટમાં સ્પષ્ટતા નો અભાવ
સરકારી બેંકની જૂની માળખાકીય સમસ્યાઓ
કર્મચારી ખર્ચ અને નીતિઓમાં લવચીકતા નહીં
નિયમનકારી બાબતો અંગે અનિશ્ચિતતા
આ તમામ કારણોસર બિડિંગમાં ઉત્સાહ ઓછો રહ્યો.
ખાતાધારકો માટે શું અર્થ? : શેરની કિંમત ઘટે એટલે બેંક મુશ્કેલીમાં છે એવું માનવું યોગ્ય નથી. આ બજારની માનસિકતા દર્શાવે છે, બેંકની દૈનિક કામગીરી નહીં. હાલમાં બેંકની સ્થિતિ અગાઉ કરતાં સુધરી છે: બેંક નફામાં ચાલી રહી છે, જો કે ખરાબ લોનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે સરકાર અને LIC નો મજબૂત સપોર્ટ છે , ઉપરાંત Reserve Bank of India (RBI) સતત બેંકો પર નજર રાખે છે અને ₹5 લાખ સુધીની જમા રકમ Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC) દ્વારા સુરક્ષિત છે. એટલે ખાતાધારકો માટે હાલ કોઈ ચિંતાની જરૂર નથી.
હવે રોકાણ કરવું યોગ્ય છે? : હાલમાં શેર સસ્તો લાગે છે, પરંતુ મુખ્ય સમસ્યા હજુ યથાવત છે, પ્રાઇવેટાઇઝેશન પર સ્પષ્ટતા નથી. કમાણીની ગુણવત્તા અને માજિન પર પણ દબાણ છે. નિષ્ણાતો મુજબ: હાલમાં ઉતાવળમાં ખરીદી કરતાં વોચલિસ્ટમાં રાખવું વધુ યોગ્ય છે. સ્પષ્ટતા આવ્યા બાદ જ મોટો ઉછાળો જોવા મળી શકે.
નિષ્કર્ષ: શેરમાં ભારે ગિરાવટ રોકાણકારો માટે ચિંતા સર્જે છે, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે બેંક સંપૂર્ણ સુરક્ષિત છે અને સેવાઓ યથાવત ચાલુ છે.