દેશભરમાંથી યુવાનોના અચાનક મૃત્યુની ઘટનાઓ સામે આવતાં કેટલીક જગ્યાએ કોવિડ-19ની રસી સામે શંકા ઊઠાવવામાં આવી રહી હતી. તો કેટલીક અફવાઓ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોરોનાની રસી લીધા બાદ યુવાનોના હૃદય સંબંધિત તકલીફોથી મૃત્યુ થઇ રહ્યા છે. આ દાવાઓને ગંભીરતાથી લઈને ભારતીય આરોગ્ય વિભાગે વૈજ્ઞાનિક તથ્યોના આધારે તેની તપાસ કરી છે.
ICMR અને AIIMS દ્વારા તેમજ:
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ની સંયુક્ત તપાસમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુવાનોમાં અચાનક થતા મૃત્યુનો કોરોનાની રસી સાથે કોઈ સીધો સંબંધ નથી. તેઓએ એવી શક્યતાઓનું પણ નિરીક્ષણ કર્યું કે જેમાં રસીના કારણે કાર્ડિયેક અરેથમિયા, હાર્ટ એટેક અથવા અન્ય ગંભીર તબીબી પરિબળો ઊભા થાય,પરંતુ તપાસમાં આ સંબંધની પણ કોઈ પુષ્ટિ થઇ નથી.
રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે: આરોગ્ય મંત્રાલય:
ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ આ બાબત પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ભારતમાં વપરાતી તમામ કોવિડ રસી ફક્ત સુરક્ષિત જ નથી, પરંતુ પણ રોગને રોકવામાં પણ અસરકારક છે. રસી લીધા બાદ સામાન્ય આડ અસરો જેવી કે માથાનો દુખાવો, થોડું તાવ વગેરે થઈ શકે છે,પણ અચાનક મૃત્યુ જેવી ગંભીર ઘટનાઓનું રસી સાથે કોઈ વૈજ્ઞાનિક સંબંધ જોવા મળ્યો નથી.
NCDCના તારણો પણ સમાન: આ ઉપરાંત, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં પણ એ જ જોવા મળ્યું કે કોવિડ-19 રસીના લીધે યુવાનોના જીવનને તાત્કાલિક કે લાંબા ગાળે કોઈ ખતરો નથી.
આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ: અફવાઓથી દૂર રહો:
ICMR, AIIMS અને આરોગ્ય મંત્રાલયે સામૂહિક રીતે દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતા ભ્રામક અને ખોટા દાવાઓ પર વિશ્વાસ ન રાખે. કોવિડ રસીને કરોડો લોકોએ લીધી છે અને તે કોરોના જેવી મહામારી સામે રક્ષણ માટે સૌથી અસરકારક અને સુરક્ષિત હથિયાર છે. વૈજ્ઞાનિક તથ્યો પર વિશ્વાસ રાખીને જ નિર્ણય લેવો જોઈએ.