લાહોર : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે સૂચિત અઢી મહિનાની વિસ્તૃત વિન્ડોને (Window) પડકારવાનો નિર્ણય કર્યો છે. પીસીબી (PCB) અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું હતું કે આઇસીસીની (ICC) આગામી બેઠકમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવશે. રમીઝે શુક્રવારે કહ્યું હતું કે આઇપીએલ (IPL) વિન્ડો લંબાવવાની હજુ સુધી કોઇ જાહેરાત કે નિર્ણય કરાયો નથી. હું આ મુદ્દે આઇસીસી બેઠકમાં મારો મત રજૂ કરીશ.
તેણે કહ્યું હતું કે મારી વાત સ્પષ્ટ છે, જો વર્લ્ડ ક્રિકેટમાં કોઇ ફેરફાર થશે તો તેનો સીધો અર્થ એ છે કે તેની અમારા પર પણ અસર થશે. આ સ્થિતિમાં અમે જોરદાર રીતે તેને પડકારીશું અને આઇસીસીમાં પોતાની વાત મજબૂતાઇથી મૂકીશું. બીસીસીઆઇના સચિવ જય શાહે થોડા દિવસો પહેલા એવું નિવેદન કર્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડને 2024થી 2031 સુધીના આઇસીસીના ફ્યુચર ટ્રાવેલ પ્લાન (એફટીપી) સાયકલમાં આઇપીએલ માટે એક વિસ્તૃત વિન્ડો મળશે, આ નિવેદન પછી આ નિર્ણયને સત્તાવાર રૂપે પડકારવાનો નિર્ણય પીસીબીએ કર્યો છે. જય શાહે એવું પણ કહ્યું હતું કે આગામી એફટીપી સાયકલમાં આઇપીએલ માટે અઢી મહિનાની સત્તાવાર વિન્ડો હશે, જેથી તમામ ટોચના ઇન્ટરનેશનલ ખેલાડીઓ તેમાં રમી શકે. અમે વિવિધ બોર્ડની સાથોસાથ આઇસીસી સાથે પણ આ ચર્ચા કરી છે.
બંને દેશ વચ્ચે ક્રિકેટ આડે રાજકીય સમીકરણ અવરોધક બની રહ્યા છે : રમીઝ રાજા
રમીઝે એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે રમવા માટે ઇચ્છુક છે, પણ બંને દેશ વચ્ચેના રાજકીય સમીકરણ તેમાં અવરોધક બની રહ્યા છે. રમીઝે કહ્યું હતું કે મેં એક કાર્યક્રમ દરમિયાન સૌરવ ગાંગુલી સાથે વાત કરી હતી અને મેં તેમને કહ્યું હતું કે હાલમાં ત્રણ માજી ક્રિકેટર પોતાના ક્રિકેટ બોર્ડનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ જો કોઇ ફરક ન લાવી શકે તો કોણ લાવી શકશે.
ગાંગુલીએ બે વાર મને આઇપીએલ ફાઇનલમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું હતું : રમીઝ રાજા
પીસીબીના ચેરમેન રમીઝ રાજાએ એવું કહ્યું હતું કે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મને ગત વર્ષે અને આ વર્ષે એમ બે વાર આઇપીએલની ફાઇનલમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપ્યું હતું. મારા મતે ક્રિકેટની દૃષ્ટિએ ત્યાં જવાનું સારું રહ્યું હોત પણ હાલની પરિસ્થિતિમાં અમારે નિમંત્રણનો સ્વીકાર કરવાના પરિણામો બાબતે પણ વિચારવાનું હોય છે.