Sports

સુપર-૮ પહેલાં જ ઓસ્ટ્રેલિયાનો પતન,ICC T20 World Cup 2026માં ટીમ પસંદગી અને નબળી શરૂઆત પર Ian Healyનો કડક પ્રહાર

ક્રિકેટ વિશ્વ માટે આ એક મોટા આંચકાથી ઓછું નથી.જયારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ હવે ICC T20 World Cup 2026ના સુપર-૮ તબક્કામાં જોવા નહીં મળે. ટી-૨૦ ક્રિકેટમાં પરંપરાગત રીતે મજબૂત માનાતી ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જતાં ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો બંને આશ્ચર્યમાં મુકાયા છે.ગ્રુપ-બીમાં થયેલા મુકાબલાઓમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત જ નબળી રહી.ટીમને ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ અને શ્રીલંકા ક્રિકેટ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો.બંને ટીમો ટૂર્નામેન્ટમાં આગળ વધતા ઓસ્ટ્રેલિયા માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની. જો કે અંતિમ આશા તરીકે આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે વચ્ચેનો મેચ મહત્વનો હતો, પરંતુ વરસાદના કારણે મેચ ધોવાઈ જતાં મિચેલ માર્શની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

આ નિરાશાજનક બહાર નીકળ્યા બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર ઇયાન હીલીએ ટીમ મેનેજમેન્ટ અને પસંદગી પ્રક્રિયા પર તીખી ટીકા કરી. હીલીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાએ ટીમ બનાવતી વખતે માત્ર શક્તિ આધારિત ખેલાડીઓને મહત્વ આપ્યું,જ્યારે પરિસ્થિતિ મુજબ રમવાની ટેકનિક,સ્થિરતા અવગણાઈ ગઈ.તેમણે ખાસ કરીને કહ્યું કે શ્રીલંકા અને ભારત જેવી પરિસ્થિતિઓમાં ટેકનિકલ બેટ્સમેન વધુ અસરકારક સાબિત થાય છે.

ટીમ પસંદગીમાં કેટલાક નિર્ણયો પર પણ સવાલો ઉઠ્યા.

ખાસ કરીને કૂપર કોનોલીને તક આપવાના નિર્ણયને હીલીએ નિષ્ફળ ગણાવ્યો.તેમણે દલીલ કરી કે સતત ખરાબ પ્રદર્શન છતાં ખેલાડીને ટીમમાં સ્થાન આપવાથી બેટિંગ ક્રમ મજબૂત બનવાની સંભાવના ઓછી હતી.આ સાથે જ ટીમના બેટિંગ ક્રમમાં સતત ફેરફાર ઓસ્ટ્રેલિયા માટે નુકસાનકારક સાબિત થયો.કેમેરોન ગ્રીનને ટોપ ઓર્ડરમાં મોકલવાનો નિર્ણય તેમજ ટિમ ડેવિડ અને જોશ ઇંગ્લિસને સતત અલગ-અલગ સ્થાને રમાડવાથી ટીમમાં સંતુલન જળવાઈ શક્યું નહોતું. હીલીએ કહ્યું કે ટીમમાં ફિનિશર્સ વધારે હતા પરંતુ મજબૂત શરૂઆત કરનારા બેટ્સમેનનો અભાવ રહ્યો.

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ છેલ્લા એક વર્ષમાં ટીમ રચનામાં લાંબા ગાળાની વ્યૂહરચના બનાવવામાં ચૂક કરી. ફોર્મ, આત્મવિશ્વાસ અને પરિસ્થિતિને અનુરૂપ ખેલાડીઓ પસંદ કરવાની જગ્યાએ શક્તિ આધારિત રમત પર વધારે ભાર મૂકવામાં આવ્યો.પરિણામે, મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટ માંથી વહેલી તકે બહાર થઈ ગઈ અને હવે ટીમ મેનેજમેન્ટ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા  છે.

Most Popular

To Top