નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પોતાનું નામ બદલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભવિષ્યમાં (Future) ભારતીય વાયુ સેના ઈન્ડિયન એર એન્ડ સ્પેસ ફોર્સ (IASF)ના નામે ઓળખાશે. આ નામને પસંદ કરવા પાછળનો મુખ્ય હેતુ ભારતીય વાયુ સેનાને (IAF) એરોસ્પેસ (Airospace) સાથે જોડવાનો છે. આ સાથે જ આએએફ વિશ્વની સૌથી બળવાન વાયુસેનાઓની યાદીમાં મોખરાના સ્થાને પહોંચી જશે.
ભારતીય વાયુસેના વિશ્વમાં માત્ર શક્તિશાળી વાયુસેના તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય એરોસ્પેસ પાવર તરીકે પણ ઓળખાવા માંગે છે. આ માટે ભારતીય વાયુસેનાએ એક સિદ્ધાંત તૈયાર કર્યો છે. જેનું નામ સ્પેસ વિઝન 2047 આપવામાં આવ્યું છે. આ અંતર્ગત એરફોર્સ ISRO, DRDO, IN-Space અને અન્ય ખાનગી કંપનીઓ સાથે એક કરાર કરશે. તેમજ સ્પેસ ટેક્નોલોજીને આગળ વધારવાના પ્રયાસો હાથ ધરશે. જેથી ભારતીય એરફોર્સ આ તમામ સંસ્થાઓ સાથે કામ કરી શકે.
ભારતીય વાયુસેનાને આશા છે કે તેમની માંગ સરકાર દ્વારા જલ્દી સ્વીકારવામાં આવશે. આ સાથે જ ભારતીય વાયુસેના હાલમાં સ્પેસ કમાન્ડ બનાવવાની તૈયારી કરી રહી છે. જે સંપૂર્ણ ક્ષમતા અને સ્વતંત્રતા સાથે અંતરિક્ષને લગતા નિર્ણય લઈ શકે છે. જેના માટે 100 ઉપગ્રહોને અવકાશમાં તૈનાત કરવામાં આવશે. જેથી દુશ્મનની દરેક કાર્યવાહી પર નજર રાખી શકાય.
આ કાર્યક્રમ અંતર્ગત વાયુસેનાએ પોતાના અધિકારીઓ અને એરમેનને સ્પેસ સંબંધિત તાલીમ આપવાનું શરૂ કર્યું છે. તેમજ આ બાબત ઉપર ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે. માર્ચ 2019 માં DRDO એ મિશન શક્તિ દ્વારા અવકાશમાં એક જૂના ઉપગ્રહનો નાશ કર્યો હતો. આ કામ એન્ટી સેટેલાઇટ (A-SAT) ઇન્ટરસેપ્ટર મિસાઇલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેણે 238 કિલોમીટરની ઉંચાઈએ અવકાશમાં 740 કિલો વજનના માઈક્રોસેટ-આરનો નાશ કર્યો હતો.
ચીન અને અમેરિકા પાસે પણ સ્પેસ ફોર્સ છે
હાલ ચીન પણ આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. તે અવકાશમાં A-SAT ને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ હથિયાર વડે મિસાઇલ કે ઉચ્ચ શક્તિવાળા લેસર બીમ સીધા અવકાશમાં છોડવામાં આવે છે. આ સાથે જ જામર અથવા સાયબર વેપન્સને પણ અવકાશમા. છોડી શકાય છે. આ ચીની સેનાનું નામ પીપલ્સ લિબરેશન આર્મી સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ (PLA-SSF) છે. તેમજ અમેરિકાના સ્પેસ ફોર્સનું નામ યુનાઈટેડ સ્ટેટ્સ સ્પેસ ફોર્સ (યુએસએસએફ) છે.