કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયા વિશે મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને કહ્યું હતું કે તમારા વારાની રાહ જુઓ, તમને જરૂર મુખ્યમંત્રી બનવાની તક મળશે. રાહુલ ગાંધીએ સોમવારે ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે વાત કરતા આ વાત કહી હતી. ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સાથે વાત કરવા છતાં જ્યોતિરાદિત્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય મુખ્યમંત્રી નહીં બને.
ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકર્તાના એક પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું હતું કે તેઓ માને છે કે જેઓ બીજી પાર્ટીમાં જાય છે અને પછી કોંગ્રેસમાં પાછા આવે છે, ત્યારે આવા લોકોને પાર્ટીમાં મોટા હોદ્દા ન આપવા જોઈએ.
રાહુલ ગાંધીએ ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરોને સંગઠનને મજબૂત કરવા કહ્યું, તેમણે કહ્યું કે, સંગઠન શક્તિ છે, સખત મહેનત કરો. જે લોકો કોંગ્રેસ, કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ કરે છે તેઓ જોડાઇ શકે છે. રાહુલ ગાંધીએ ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરોને પાર્ટીને વૈચારિક રીતે મજબૂત કરવા જણાવ્યું હતું.
જ્યોતિરાદિત્ય સિંધિયા ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2018માં યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી નજીકની હરિફાઇમાં જીતી ગઈ હતી અને તે સમયે મુખ્યમંત્રી પદ માટે કમલનાથ અને સિંધિયા વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો, પરંતુ અંતે પક્ષે મુખ્યમંત્રી તરીકે કમલનાથે જવાબદારી સોંપી. આ પછી પણ જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટીમાં રહ્યા પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો અને એમ કહેવાતું હતું કે પાર્ટીના જૂથવાદે તેમને પરાજિત કરવામાં ભૂમિકા ભજવી હતી. તે પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પક્ષમાં બળવો કર્યો અને તેમણે મધ્ય પ્રદેશ સરકારમાં તેમની નજીકના ધારાસભ્યોથી રાજીનામું આપ્યું, જેના કારણે ત્યાં કમલનાથ સરકાર પડી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ છે.