નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) હાથરસમાં 2 જુલાઈના રોજ ભોલે બાબાના (Bhole Baba) સત્સંગ બાદ ભાગદોડ ફાટી નીકળેલી હતી. જેમાં 121 લોકોના મોત થયા હતા. આ સત્સંગ સૂરજપાલ ઉર્ફે ‘ભોલે બાબા’નો હતો. દુર્ઘટના બાદ પહેલીવાર સૂરજપાલે મીડિયા સામે આવીને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે 2 જુલાઈના રોજ થયેલી દુર્ઘટના બાદ અમે ખૂબ જ દુઃખી છીએ.
દુર્ઘટના બાદ આજે 6 જુલાઇના રોજ બાબાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બાબા થોડીક સેકન્ડ માટે ચૂપ રહે છે. આ પછી તેઓ કહે છે કે ભગવાન સૌને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. કૃપા કરીને સરકાર અને વહીવટમાં વિશ્વાસ રાખો. મને વિશ્વાસ છે કે જેણે પણ અરાજકતા ફેલાવી છે તેને બક્ષવામાં આવશે નહીં. સૂરજપાલે વધુમાં કહ્યું કે અમે અમારા વકીલ એપી સિંહ દ્વારા સમિતિના સભ્યોને શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને જીવનભર મદદ કરવા વિનંતી કરી છે.
હાથરસ અકસ્માતના મુખ્ય આરોપી દેવ પ્રકાશની ધરપકડ
અગાઉ હાથરસ ઘટનાના મુખ્ય આરોપી સેવાદાર દેવપ્રકાશ મધુકરની પોલીસે શુક્રવારે રાત્રે દિલ્હીથી ધરપકડ કરી હતી. અલીગઢના આઈજી શલભ માથુરે ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું હતું કે દેવપ્રકાશને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ સૂરજપાલના વકીલ એપી સિંહે દાવો કર્યો હતો કે દેવપ્રકાશ દિલ્હીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.
જણાવી દઈએ કે મધુકર કાર્યક્રમના મુખ્ય આયોજક હતા. કેસ નોંધાયા બાદ તેમના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ 200થી વધુ મોબાઈલ નંબર પોલીસના રડારમાં હતા. મધુકરની ધરપકડ કરતા પહેલા પોલીસે આ કેસમાં અન્ય છ લોકોની ધરપકડ કરી હતી. આ સિવાય એસઆઈટીની તપાસમાં ડીએમ અને એસપી હાથરસની પૂછપરછ કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં 121 લોકોના મોત થયા હતા
2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા સત્સંગ કરનારા બાબા હતા. કાર્યક્રમ બાદ જ્યારે સૂરજપાલ નીકળી રહ્યા હતા ત્યારે લોકો તેમના ચરણોનો સ્પર્શ કરવા પડાપડી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો જમીન પર પડી ગયા હતા અને કચડાઇને મૃત્યુ પામ્યા હતા. ત્યારે અકસ્માત બાદ મૃત્યુનો જે આંકડો સામે આવ્યો હતો તે ચોંકાવનારો હતો. આ દુર્ઘટનામાં 121 લોકોના મોતનો આંકડો સામે આવ્યો હતો. દુર્ઘટના બાદથી સીએમ યોગી આદિત્યનાથ પોતે આ મામલામાં નજર રાખી રહ્યા છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી છે. તેમજ પોલીસની ઘણી ટીમો આ કેસની તપાસમાં વ્યસ્ત છે.