અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ગાંજા દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલા બે ભારતીય પ્રવાસીઓ પાસેથી અંદાજે રૂ. 2 કરોડથી વધુ કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે.
ડીઆરઆઈએ આપેલી બાતમીના પગલે અમદાવાદના કસ્ટમ્સના એર ઈન્ટેલીજન્સ યુનિટના અધિકારીઓની ટીમે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. VZ-750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફરોને રોકી તપાસ કરવામાં આવી હતી. બંને મુસાફરો મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.તપાસ દરમિયાન તેમના સામાનમાંથી આઠ વેક્યુમ-સીલ પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો.
પરીક્ષણ બાદ આ પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. કુલ 2.254 કિલો જેટલો પ્રતિબંધિત ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 2 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.કસ્ટમ્સ વિભાગે બંને આરોપીઓની NDPS એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ આ ગાંજો કોના માટે લાવી રહ્યા હતા અને તેની પાછળ કયો આંતરરાષ્ટ્રીય રેકેટ સંકળાયેલો છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કડક કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં આ પ્રકારના ગુનાઓ અટકતા નથી, જેને લઈ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.