India

આગ્રામાં પ્રેમસંબંધે લીધો પતિનો જીવ! બળેલ લાશ, ટેટૂ અને QR કોડથી ખુલ્યો ચોંકાવનારૂ કાવતરું

પત્ની અને પ્રેમીનો ખૂની પ્લાન 24 કલાકમાં પર્દાફાશ, પોલીસ તપાસ માં QR કોડ બન્યો સૌથી મોટો ક્લૂ : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક હ્રદયદ્રાવક અને ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે, જ્યાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની નિર્દયી હત્યા કરી નાખી. આ કેસમાં પોલીસને મળેલા એક QR કોડ અને મૃતદેહ પરના ટેટૂએ આખું રહસ્ય ઉકેલી નાખ્યું. મૃતકની ઓળખ લોકેન્દ્ર તરીકે થઈ છે, જે 1 એપ્રિલથી ગુમ હતો.

થોડા દિવસો પહેલા રસ્તા નજીક એક ખેતરમાં અર્ધસળગેલી લાશ મળી આવી. શરૂઆતમાં લાશની ઓળખ મુશ્કેલ હતી, પરંતુ મૃતદેહ પર બનેલા ટેટૂએ તેની ઓળખમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને પાંચ ટીમો બનાવી. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક દારૂની બોટલ મળી, જેના પર લગાવવામાં આવેલ QR કોડ પોલીસ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આ કોડ દ્વારા પોલીસ દારૂ ખરીદનાર સુધી પહોંચી અને ત્યારબાદ CCTV ફૂટેજ ચેક કરીને આરોપીઓ સુધી પહોંચી ગઈ.

પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે મૃતકની પત્ની નો તેના પ્રેમી મહેશ સાથે લાંબા સમયથી અફેર ચાલતો હતો. લોકેન્દ્રને આ સંબંધ વિશે જાણ થઈ જતા તેણે વિરોધ કર્યો હતો. આ કારણે પત્ની અને પ્રેમીએ મળીને તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. યોજનાના ભાગરૂપે લોકેન્દ્રને દારૂ પીવાના બહાને ખેતરમાં લઈ જવાયો, જ્યાં પ્રેમી અને તેના સાથીએ તેની ગળું દબાવી હત્યા કરી. ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે લાશને પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવી.

આ સમગ્ર કાવતરામાં પત્ની, તેનો પ્રેમી અને એક અન્ય સાથીદાર સામેલ હતા. પોલીસે માત્ર 24 કલાકમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સંબંધોમાં વિશ્વાસના ભંગને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ હાલ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Most Popular

To Top