ગાંધીનગર : ગુજરાત માનવ અધિકાર આયોગને 2024-25 જુદી જુદી માન અધિકાર ફભંગની 2583 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં મીડિયા રિપોર્ટના આધારે સુઓમોટો ફરિયાદ દાખલ કરીને તપાસ કરાઈ હતી. મીડિયા રિપોર્ટસના આધારે 290 કેસો નોંધવામાં આવ્યા હતા. જયારે તેમાં સરકારના વિવિધ વિભાગો તથા જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ રિપોર્ટ મંગાવીને સમગ્ર ફરિયાદનો નિકાલ કરાયો હતો. એટલે કે ન્યાયીક કાર્યવાહી કરાઈ હતી.
આયોગ દ્વારા પોલીસ અટકાયત દરમ્યાન ત્રાસ કે મૃત્યુની ઘટનાની પણ તપાસ કરાઈ હતી. રાજયભરમાં 2024-25 દરમ્યાન જેલની કસ્ટડી દરમ્યાન 79 મૃત્યુની અને પોલીસ કસ્ટડીમાં 14 જેટલી મૃત્યુની ઘટના બની છે. અમદાવાદ શહેરમાં જેલ કસ્ટડીમાં 24, રાજકોટ શહેરમાં 11 , વડોદરા શહેરમાં 10 , સુરત શહેરમાં જેલમાં 7 (પોલીસ કસ્ટડીમાં સુરત શહેરમાં 2 અને ગ્રામ્યમાં 1) મૃત્યુની ઘટના બની છે. જેલ અને પોલીસ કસ્ટડી દરમ્યાન એકલા અમદાવાદ શહેરમાં 27 જેટલી સૌથી વધુ ઘટના બની છે.
માનવ અધિકાર આયોગને 2024 -25 દરમ્યાન બાળકો સંબંધિત , આરોગ્ય અંગે , જેલ સંબંધિત , માફિયા પ્રવૃત્તિ , મજૂરોના શોષણ અંગે , લધુમતી સાથે પક્ષપાત અંગે , પોલીસના દુવ્યવહાર અંગે , પર્યાવરણ સંબંધિત , હિંસા સંબંધિત અને મહિલાઓ પર અત્યાર અંગેની ફરિયાદો મળી હતી. આ બધીજ ફરિયાદોમાં અમદાવાદ શહેર સૌથી મોખરે હોવાની વિગતો આયોગે રિપોર્ટમાં આપી છે. આયોગે માનવ અધિકાર ભંગના કિસ્સામાં 2024 દરમ્યાન 16 લાખ સુધીના વળતરની સરકારને ભલામણ કરેલી છે. આયોગને મળેલી 2583 ફરિયાદોમાંથી 2016 ફરિયાદોનો નિકાલ કર્યો છે. જયારે 567 ફરિયાદો – કેસો પડતર રહયા છે. આયોગને 2023-24માં આયોગને 2627 અને 2022-23માં 2576 જેટલી કેસો મળ્યા હતા.કચ્છમાં માંડવી નગરપાલીકા વિસ્તારમાં આખલા બાખડયા હતા. જેમાં એક મહિલાનું મૃત્યુ થયુ હતું. આ ઘટનાના મીડિયા રિપોર્ટસના આધારે સુઓમોટો કાર્યવાહી કરીને મૃતક મહિલાના વારસદારોને 3 લાખનું વળતર મળે તેવો આદેશ કરાયો હતો.
બનાસકાંઠાના ધાનેરામાં પાંચ પીપળાની પ્રાથમિક શાળામાં શૌચાલય નહીં હોવા અંગે ફરિયાદ મળતા આયોગની કાર્યવાહીના આધારે શાળામાં નવીન શૌચાલય બનાવવામાં આવ્યુ હતું.બોટાદમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કેસમાં 2 લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો હતો. મોરબીમાં એક ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમીકોના મૃત્યુના કેસમાં મૃતકોના પરિવારના સભ્યોને 10 લાખનું વળતર આપવા આદેશ કરાયો હતો.રાજકોટ નજીક પીપળીયામાં આયોગે મીડિયા રિપોર્ટસના આધારે તપાસ કરાવતા ધો.1થી 10ની ભુતીયા સ્કૂલ બંધ કરાવવામાં આવી હતી.