હુમા કુરેશી તરલા દલાલ બની તમને રસોઇ શીખવવા તૈયાર છે. ગુજરાતણ તરલા દલાલે દેશભરમાં તેની કુકબુકથી અનેક વાનગીઓ બનાવવાનું શીખવેલું. વાનગી બનતી થઇ ને કુટુંબ પ્રસન્ન થતા થયા તેમાં તરલા દલાલનો ય ફાળો. હુમા કરેશી તરલા તરીકે એવું જ કરવા આવી છે. આ પ્રકારની ફિલ્મને કેટલો પ્રેક્ષક મળે તે ખબર નથી કારણ કે આમા કોઇ સ્વિર્ટ્ઝલેન્ડની પ્રકૃતિમાં રોમેન્ટીક ગીતો ન હોય, જબરદસ્ત એક્શન ન હોય, થ્રીલ ન હોય, સસ્પેન્સ ન હોય. તરલા દલાલની સ્ટોરી અમુક અર્થમાં ડ્રામેટીક હશે પણ એ ડ્રામા પ્રેક્ષકોને આકર્ષે એવો છે? ગેંગ્સ ઓફ વાસેપુરથી કારકિર્દી શરૂ કરનાર હુમા ખરા અર્થમાં ઘણી પ્રગતિ કરી ચુકી છે.
મહારાની વેબસિરીઝમાં તેને બધાએ નવી રીતે જોઇ છે. એ એવી રીત છે કે આવનારી લોકસભામાં બિહારથી તે લાલુપ્રસાદ જ નહીં રબડીદેવી સામે ચૂંટણી લડે તો જીતી જાય. મિથ્યામાં પણ તે જુહી અધિકારી તરીકે પોતાનો અધિકાર સાબિત કરી ચુકી છે. હા, ફિલ્મોમાં તે હમણાં સફળ નથી. કદાચ, જોલી LLB-2 પછીની ફક્ત ગંગુબાઇ કાઠિયાવાડી જ સફળ કહી શકો. વચ્ચે 8 ફિલ્મો માર ખાય ગઇ છે. ગયા વર્ષે તો તેની ગંગુબાઇ કાઠિયાવાડી ઉપરાંત ડબલએક્સ, મોનિકા, ઓ માય ડાર્લિંગ પણ આવી હતી પણ આ ફિલ્મો પ્રેક્ષકોની ડાર્લિંગ થઇ શકી નથી. બસ, એટલું થયું છે કે તેની એક્ટિંગ ટેલેન્ટનો સ્વીકાર થઇ ગયો છે અને એટલે જ તરલામાં તેણે કેવી રસોઇ બનાવી તેની પ્રતિક્ષા છે. બાકી, તેની પાસે બીજી વાનગીઓ તરીકે પૂજા મેરી જાન છે. જેમાં તેની સાથે મૃણાલ ઠાકુર છે.
ફ્રીડમ છે જેમાં તેની સાથે નસીરુદ્દીન શાહ અને કલ્કી કોચેલીન છે. ખિલાડી 1080માં ફરી તેની સાથે સોનાક્ષી સિંહા, રકુલ પ્રીત સીંઘ છે અને સની સીંઘ સાથેની સિંગલ સલમા છે. આ બધા રૂટીન વિષય નથી એટલે પ્રેક્ષકો કેવા પ્રતિભાવ આપશે તે ખબર નથી પણ તે સાહસિક જરૂર બની ગઇ છે. એસ્ટાબ્લિશ્ડ સ્ટાર્સ સાથે તેની ઓછી જ ફિલ્મો આવે છે. તે જરા જાડી પણ છે અને આપણા ટોપસ્ટાર બોડી બહુ સાચવે છે એટલે મેળ પડતો નથી. પણ હુમા હવે એવા સ્ટાર્સ સાથેની ફિલ્મોથી આગળ નીકળી ચુકી છે અને પોતાની તાકાત પર ફિલ્મો મેળવે છે.
તરલા આમ તો ઝી-ફાઇવ પર રિલીઝ થવાની છે જેમ આ પહેલાની મોનિકાઓ માય ડાર્લિંગ પણ નેટફિલિક્સ ઓરીજીનલ પર રજૂ થયેલી. તે હવે જાણે OTT સ્ટાર બનવા લાગી છે. 2019ની લીલા પણ નેટફિલિક્સ પર જ આવી હતી જેની દિગ્દર્શક દીપા મહેતા હતી. હુમા સારા દિગ્દર્શકોને પોતાના તરફ આકર્ષી રહી છે તેને તેની જીત ગણાવી જોઇએ. તરલાના નિર્મતામાં અશ્વિની ઐયર તિવારી અને નિતીશ તિવારી છે. હુમા જરૂર અપેક્ષા રાખશે કે તેની રસોઇ એકદમ ચટાકેદાર નથી હશે. સેલિબ્રીટી શેફ પર અત્યાર પહેલાં કોઇ ફિલ્મ બની નથી એ અર્થમાં તેનુ જુદું આકર્ષણ જરૂર છે. હુમા એક જૂદી ફિલ્મની સફળતામાં હિસ્સો બનશે તો તેને ફાયદો થશે. ભલે, આ ફિલ્મ થિયેટર્સમાં રજૂ થતી હોય પણ સફળતા તો છુપાવી શકાતી નથી. •