Columns

સરમુખત્યાર શાસકોની મહત્ત્વાકાંક્ષાને પગલે લોકશાહીની પીછેહઠ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા વિશ્વમાં સરકારો – ખાસ કરીને જ્યાં લોકશાહી હતી તેવા રાષ્ટ્રોની સરકારોનો ઝુકાવ સરમુખત્યારશાહી તરફી થયો છે. એટલું જ નહીં પણ લોકશાહીનું દોરડું ઝાલી સત્તા પર પહોંચેલા નેતાઓ જે સરમુખત્યાર વલણ અપનાવી રહ્યા છે તેમનું શાસન પણ લાંબું ચાલી રહ્યું છે. બળાપા છતાં ય બધું એ જ રીતે ચાલ્યા કરે છે. આમ તો ઘણાં રાષ્ટ્રોમાં રાજકીય અસ્થિરતા છે જ પણ સરમુખત્યાર વલણનું એક ગજબ કહી શકાય તેવું ઉદાહરણ છે બ્રાઝિલનું. 2018માં જ્યારે જેર બોલસોનારો બ્રાઝિલના પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં તેમને મતદારોએ 7 ટર્મ સુધી કોંગ્રેસમાં મોકો આપ્યો હતો.

2018માં પહેલી વાર હારે તેવી શક્યતાઓ દેખાઇ ત્યારે બોલસોનારોએ એકથી વધારે વાર એમ કહ્યું હતું કે, “ભગવાન પણ મને પ્રમુખની ખુરશી પરથી નહીં હટાવી શકે.” જે લોકશાહીને કારણે તેને સત્તા મળી હતી તેનાથી સાવ વિરુદ્ધ આ વાત હતી. લોકશાહી પર જોખમ આખી દુનિયામાં વધી રહ્યું છે. 12 દેશો એવા છે જ્યાં સ્થાનિક લોકશાહીનો ઝુકાવ સરમુખત્યારશાહી તરફ પલટાયો છે. વેરાયટીઝ ઑફ ડેમોક્રસીના ડેટા અનુસાર પોલેન્ડ, નાઇજર, ઇન્ડોનેશિયા, બોત્સ્વાના, ગ્વ્આતેમાલા, ટ્યુનિશિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ગુયાના, મોરેશિયસ અને સ્લોવેનિયા – બ્રાઝિલ સિવાયના 11 દેશ છે. ટર્કી, ફિલિપિન્સ અને હંગેરી જેવા દેશો લોકશાહીને બચાવવાની લડાઈમાં હથિયાર હેઠા મૂકી ચૂક્યાં છે.

લાંબા સમયથી જ્યાં લોકશાહી હતી તે દેશોમાં સરમુખત્યાર વલણનું મોજું ફરી વળ્યું છે તે તો ખરું પણ સરમુખત્યાર લીડર્સ વિશ્વ આખામાં સત્તાની બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. રશિયા અને વેનેઝુએલા જેવા દેશોમાં સરમુખત્યારશાહી ઘર કરી ગઇ છે અને નાગરિકોની સ્વતંત્રતા પર કાતર ફરી વળી છે. 2000-ના દાયકાના પૂર્વાર્ધથી જ વૈશ્વિક સ્તરે લોકશાહીકરણની પ્રક્રિયા જાણે ખોટકાઇ ગઇ છે.

ચીન અને કતાર જેવા દેશોમાં સજ્જડ સરમુખત્યારશાહી છે – અહીં એકથી વધુ પક્ષોની વચ્ચે ચૂંટણી થાય એવી કોઇ વ્યવસ્થા જ નથી, એ પ્રથા તંત્રનો ભાગ જ નથી. જ્યાં ચૂંટણી લક્ષી સરમુખત્યારશાહી છે તેવા ટર્કી અને વેનેઝુએલા જેવા દેશોમાં ચૂંટણી થાય ખરી પણ નામ માત્રની – તેમાં પારદર્શિતા નહીં. તેની સામે ચૂંટણીલક્ષી લોકશાહી હોય જેમ કે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં ચૂંટણી પારદર્શી અને વાજબી રીતે થાય પણ અમુક લઘુમતીને ત્યાં અધિકાર જ નથી અને નકરી અસમાનતા છે. ઉદારમતવાદી લોકશાહી જેમ કે જર્મની અને સ્વીડનમાં ચૂંટણીઓ સારી પેઠે થાય, લઘુમતીના અધિકારોની ખાતરી સાથે અને સત્તા વચ્ચે સંતુલન જળવાય.

ગયા અઠવાડિયે ઇટાલીમાં મતદારોએ બેનિટો મુસોલિનીની ફાસીવાદી સરમુખત્યારશાહીથી ઘડાયેલા પક્ષની ગઠબંધનની સરકારને સત્તાએ બેસાડી. ઇટાલીની સેન્ટર-લેફ્ટ પાર્ટા નેતાએ આ બદલાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને લોકશાહીને બચાવવાની પોતાની લડત નિષ્ફળ રહી તેવી લાગણી દર્શાવી હતી. વર્તમાન સંજોગોની વાત કરીએ તો આ શબ્દો વિશ્વના ઘણા રાષ્ટ્રો માટે પરિચિત છે. વિશેષજ્ઞોના મતે વિશ્વ આખામાં લોકશાહી પાછળ ધકેલાઇ રહી છે. સ્વીડનમાં પણ થોડા વખત પહેલાં નાઝીવાદી અને જમણેરી પક્ષને મતદારોનો જંગી ટેકો મળ્યો. ગમે કે ન ગમે, ફરી વાર કહેવાઇ રહ્યું હોય એવું પણ ભલે લાગે પણ વાસ્તવિકતા છે કે લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે અને સરમુખત્યારશાહીની પકડ મજબૂત થઇ રહી છે.

 લોકશાહીનો વિકાસ 3 તબક્કે થયો છે. પહેલાં તો 19મી સદીની શરૂઆતમાં, ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અને છેલ્લે 70ના દાયકામાં- જ્યારે 42 ઉદારમતવાદી લોકશાહી હતી. આજે આ આંકડો 34નો છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વી-ડેમના રિપોર્ટ અનુસાર ઉદારમતવાદી લોકશાહીમાં રહેનારી વસ્તીની સંખ્યાની ટકાવારી પણ 18% થી 13 % પર આવી ગઇ છે.

જે રીતે લોકશાહીના તબક્કા છે તે જ રીતે સરમુખત્યારશાહીના તબક્કા પણ વિશેષજ્ઞોએ આપ્યા છે – પહેલો તબક્કો હતો 1920ના દાયકામાં પછી, 60ના દાયકામાં અને હાલમાં ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ પરિવર્તન હંમેશાં બળવા મારફતે નથી આવતા પણ કાયદેસર ચૂંટાયેલા નેતાઓ દ્વારા લવાય છે. એક વાર સત્તા પર આવ્યા પછી દરેક રાજકીય નેતા પોતાના હિત મુજબ રાજકીય માહોલ બદલે છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ ચૂંટાવાનો વખત આવે ત્યારે માહોલ તેમની તરફેણનો હોય અને તેમને જ જીત મળે. આમ થાય એટલે તેમને દરેક ચૂંટણીમાં સત્તા મળે જેની પર લોકશાહીની મહોર હોય – પછી ભલે તેમની કામગીરી અને અભિગમ લોકશાહીના નિયમોને નેવે મૂકી દે તેવી હોય. યુરોપમાં આવી હળવી સરમુખત્યારશાહી ચલાવનારા છે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓબ્રાન. 2010માં સત્તા પર આવ્યા પછી તેમણે માનવ અધિકારોને દૂર કર્યા, મીડિયાની સ્વતંત્રતા પર કાપ મૂક્યો, ન્યાયતંત્રને વશમાં લીધું અને દેશમાં ચૂંટણીવ્યવસ્થાનું પણ નવેસરથી ઘડતર કર્યું. આ બધું કરવામાં આખી દુનિયાની નજરમાં તે જમણેરી વિચારધારાનું મૉડલ બની ચૂક્યા છે.

ફિલિપાઇન્સ જેવા દેશમાં પૂર્વ સરમુખત્યારના દીકરાને ચૂંટીને લોકોએ સત્તા પર બેસાડ્યો જેણે પ્રમુખ તરીકેના 6 વર્ષમાં ન્યૂઝ મીડિયાને અસ્તવ્યસ્ત કરી દીધું અને ‘વૉર ઓન ડ્રગ્ઝ’ની લડતને પગલે હજારો લોકો મોતને ભેટ્યા. એલ સલ્વાડોરમાં પ્રમુખ નાયિબ બુકેલે 2019માં ચૂંટાયા અને ધારાસભા પર દબાણ લાવવા તેમણે કોંગ્રેસમાં સૈન્યને કામે લગાડ્યું તો સુપ્રીમ કોર્ટે જ્યારે તેમના સૈન્યને વાપરવાના ઇરાદાઓને રોકવાનો પ્રયત્ન કર્યો તો સુપ્રીમ કોર્ટનું પણ ઉલ્લંઘન કર્યું. પ્રમુખના કહ્યે હજારો લોકોને આડેધડ કોઇ પણ પ્રક્રિયા વગર જેલમાં પૂરી દેવાયા અને આખરે કટોકટી સર્જાઇ જેનું પરિણામ હિંસામાં ફેરવાયું.

વળી USAની વાત તો બાકી રહી. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળ દરમિયાન જે વલણ શરૂ થયું તેમાં રિપબ્લિકન પાર્ટીએ ઉદારમતવાદી લોકશાહી નીતિઓને વખારે નખાઇ છે અને માહોલ સરમુખત્યાર બન્યો છે. USAમાં રિપબ્લિક પાર્ટીની બહુમતી નથી છતાં પણ સરકાર પર અમુક પ્રકારનો કાબૂ તેઓ કરી શક્યા છે. ભૌગોલિક વિભાજનના વલણ અને કોંગ્રેસ તથા ઇલેક્ટોરલ કૉલેજના નાના રાજ્યો પ્રત્યેના પૂર્વગ્રહોને કારણે અમેરિકન સરકારની દરેક શાખા એક પક્ષ કરતાં બીજા પક્ષની વધુ તરફેણ કરે છે.

કોઇ પણ બે રાષ્ટ્રોમાં એકસરખાં કારણોસર લોકશાહી નબળી નથી પડતી  છતાંય દરેક રાષ્ટ્રમાં અમુક થીમ એકસરખા હોય છે. જેમ કે લોકશાહી માટે જે જોખમ ગણાય તેવી ઘટનાઓને અપાતી પ્રતિક્રિયા જેની સીધી અસર રાષ્ટ્રીય ઓળખ પર પડે છે. પહેલાં તો સમાજમાં ધ્રુવીકરણ થાય – આની પાછળ કાં તો કોઇ સામાજિક બદલાવ હોય અથવા તો રંગભેદ, જાતિભેદ અને ધાર્મિક લઘુમતીનો ઉપયોગ કરી સરકારને મજબૂત કરવાનો પ્રયાસ થયો હોય. સમાજના આંતરિક જોખમો પર પોતે કામ કરશેની વાત કરી નેતાઓ પોતાનું પદ મજબૂત કરે – આમ કરવામાં તે લોકશાહીનું પોતાનું વર્ઝન ચલાવે જેમાં ભેદભાવ હોય અને ઉદારમતવાદી લોકશાહીના મોકળાશભર્યા, સમભાવી વિચારોને પાંગળા બનાવે. આ સંજોગો જટિલ છે, ધીમી ગતિએ ઘણું બદલાઇ રહ્યું છે. નાના રાષ્ટ્રો પણ મહાસત્તા ગણાતા રાષ્ટ્રોની નીતિ અપનાવશે. સરમુખત્યારશાહી નેતાઓ સામાજિક ધ્રુવીકરણ અને અર્થતંત્રમાં અમુક વર્ગોને અગત્યતા આપી પોતાની સત્તાને પોષે તેવો માહોલ સર્જી રહ્યા છે.  તમે અહીં જે વાંચ્યું એ બધું આપણી આસપાસ પણ થઈ રહ્યું છે તેમ તમને નથી લાગતું?

Most Popular

To Top