Columns

જ્ઞાનસેતુ અંતર્ગત શિક્ષણની કાયાપલટના દાવાઓ કેટલા સાચા?

શિક્ષણની વ્યવસ્થામાં હવે જાતભાતના પ્રયોગો થઈ રહ્યા છે અને આ પ્રયોગોથી પરિણામ સારું આવે કે ન આવે તેનો વિવાદ લાંબા સમય સુધી ચાલતો રહે છે. હવે રાજ્ય સરકાર શિક્ષણમાં એક નવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે. આ વ્યવસ્થાને સરકાર એક પહેલ તરીકે જોઈ રહી છે અને આ પહેલ અંગે રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવને તપાસીએ તો તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, “રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ પૂરી કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની માંગ છે. આ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે, શિક્ષણવિભાગ, ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનસેતુ સ્કૂલ્સ સ્થાપવા માટે નીતિ ઘડવાનું નક્કી કર્યું છે.”

સૌ પ્રથમ અહીં એ નોંધવું રહ્યું કે સરકાર અહીં પોતે સ્વીકારી રહી છે કે ‘ખૂબ મોટા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની માંગ છે.’ આ પછી તેના ઉકેલ રૂપે શિક્ષણવિભાગે જ્ઞાનસેતુ સ્કૂલ્સ સ્થાપવાનું નક્કી કર્યું છે. સમગ્ર રાજ્યમાં પ્રાથમિક તબક્કામાં આવી શાળાઓની સંખ્યા 400 નિર્ધારિત કરવામાં આવી છે. દરેક તાલુકા અને કોર્પોરેશન દીઠ ન્યૂનત્તમ 1 શાળા સ્થાપવામાં આવશે અને દરેક શાળાની અંદાજિત ક્ષમતા અત્યારે 500 વિદ્યાર્થીઓની ઠરાવવામાં આવી છે અને તેના આધારે એવું કહી શકાય કે દર વર્ષે 2 લાખની આસપાસ વિદ્યાર્થીઓ આ શાળામાં શિફ્ટ થશે. જ્ઞાનસેતુનું શિક્ષણ ધોરણ 6 થી શરૂ થશે. ઠરાવમાં આપેલી વિગતથી એટલું કહી શકાય કે એક આખી નવી વ્યવસ્થા નિર્માણ કરવાનું સરકાર વિચારી રહી છે.

જ્ઞાનસેતુ શાળાઓ સ્થાપવાના ઉદ્દેશ્યોમાં અન્ય જે વિગતો રજૂ કરવામાં આવી છે તેમાં ‘વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું’, ‘શ્રેષ્ઠ ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપુણતાનો ઉપયોગ સરકારી શાળાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કરવો’ અને ‘શ્રેષ્ઠ ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણપદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.’

પ્રાથમિક નજરે એવું લાગી શકે કે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ પગલું લીધું છે પરંતુ આમાં અલ્ટીમેટલી ભારણ વાલી અને વિદ્યાર્થીઓ પર આવશે. ધોરણ 6 માં જ્યારે જ્ઞાનસેતુમાં પ્રવેશ મેળવવાનો થશે ત્યારે બાળકોને પરીક્ષા આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં મેરિટમાં આવશે તેઓને જ જ્ઞાનસેતુમાં પ્રવેશ મળશે. મતલબ કે રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં ભણે છે અને તેઓ પ્રતિભાવાન નથી અથવા તેઓની પરીક્ષા પાસ કરવાની ક્ષમતા નથી તો તેમને જ્ઞાનસેતુ શાળામાં પ્રવેશ મળશે નહીં. આ નીતિ 2 લાખ વિદ્યાર્થીઓને સારા શિક્ષણનો દાવો કરે છે; તો સામે પક્ષે બાકી રહી ગયેલા લાખો વિદ્યાર્થીઓને તે શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત રાખે છે.

બીજું કે જ્ઞાનસેતુના પ્રવેશ અંગેની બાબત શિક્ષણવિભાગે પોતાની પાસે રાખી છે. હવે જ્યાં શિક્ષણવિભાગ હાલની જવાબદારીમાં પહોંચી નથી વળતું ત્યાં તે આવી જવાબદારી ઉપાડીને આખરે શું પરિણામ લાવી શકશે? જેમ કે ગત વર્ષે જ રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં 700 જેટલી પ્રાથમિક શાળાઓ હજુય 1 શિક્ષક દ્વારા ચાલી રહી છે. શિક્ષણવિભાગની આવી તો અનેક મર્યાદાઓના અહેવાલો અખબારોમાં આવતા રહે છે. આ મર્યાદાઓને સુધારવાના બદલે સરકાર પૂરી જવાબદારી ‘PPP’ મોડલ પર લઈ જઈ રહી છે, જેમાં જૂજ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે.

હવે સૌથી અગત્યનો મુદ્દો કે જ્ઞાનસેતુમાં આર્થિક ગણિત શું રહેશે? ઠરાવમાં આપેલી વિગત મુજબ ‘જ્ઞાનસેતુ ડે સ્કૂલની સ્થાપના માટેનું તમામ મૂડીરોકાણ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા ઉઠાવવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર સમયાંતરે જરૂરી સમગ્ર સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેમની પોતાની જમીન અને રોકાણ લાવશે. તેઓએ રાજ્ય સરકારની પોલીસી મુજબ અત્યાધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.’ સરકાર દ્વારા આ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે આવશ્યકતા જણાવી છે પરંતુ જો આ બધો જ ખર્ચ પાર્ટનર એટલે કે ખાનગી શાળાને સંચાલિત કરતી સંસ્થા ઉપાડે તો તેમાં તે સંસ્થાને શું લાભ? તે માટે પણ સરકારે દર વર્ષે વિદ્યાર્થીદીઠ 20,000 રૂપિયાની લોભામણી જાહેરાત કરી છે.

હવે સમજો કે કોઈ એક આવી શાળા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામે છે અને તેમાં આ વર્ષે ધોરણ 6માં 70 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તો 70 વિદ્યાર્થીઓ માટે સરકાર 14 લાખ રૂપિયા શાળાને ચૂકવશે. 20,000ની રકમ દર વર્ષે 7%ના દરે વધશે એ પણ સ્પષ્ટતા સરકારે કરી છે એટલે કેટલીક શાળાઓએ આ પ્રોજેક્ટ અંતર્ગત જોડાવા ઉત્સુકતા દાખવી છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જ્યારે સેલ્ફ ફાયનાન્સમાં એડમિશન લે છે અને તે શાળાની ફી 1 લાખ હોય તેમ સુધ્ધાં રાજ્ય સરકાર શાળાને વિદ્યાર્થીદીઠ હાલમાં 13,000 રૂપિયા જ આપે છે. જ્યારે અહીંયા સરકાર 20,000 રૂપિયાની વાત કરે છે.

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત 4 પ્રકારની શાળાઓ શરૂ થવાની છે તેમાં ‘જ્ઞાનસેતુ ડે સ્કૂલ’, ‘જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ’, ‘જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ’ અને ‘રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ’ છે. આ પૂરા પ્રોજેક્ટમાં કેટલીક શાળાઓએ રસ દાખવ્યો છે, તેમ તેને લઈને શિક્ષણક્ષેત્રે સંકળાયેલા સંગઠનોનો વિરોધેય શરૂ થયો છે. તેમના વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે હાલમાં દરેક સંગઠન દીઠ 2 પ્રતિનિધિ અને ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ’ના 5 સભ્યોની એક કમિટિ બનાવી છે.  આ કમિટિ 17 એપ્રિલ સુધી રિપોર્ટ સબ્મિટ કરાવશે.

જ્ઞાનસેતુ પ્રોજેક્ટની સામે જે સંસ્થાઓના મંડળ, શિક્ષકોના મંડળે વિરોધ નોંધાવ્યો છે તેમનો સૌથી અગત્યનો મુદ્દો શિક્ષણના ખાનગીકરણનો છે. શિક્ષણની જવાબદારી સરકારની છે અને ધીરે ધીરે આ મોડલ દ્વારા પૂરા વહીવટમાંથી સરકાર નીકળી જશે. આ પ્રોજેક્ટની સફળતા અંતે તો શિક્ષણને ખાનગીકરણ તરફ લઈ જશે. આ કારણે સરકારી અને ગ્રાન્ટ ઇન શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટશે અને તે કારણે શિક્ષકો ફાજલ પડશે. અહીં એ પણ નોંધવું રહ્યું કે સરકારે અત્યાર સુધી શિક્ષણને વધુ ગુણવત્તાસભર કરવા અર્થે શિક્ષકોની પણ ‘ટેટ’ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા લીધી.

આ શિક્ષકોને સરકાર સારું એવું વળતર ચૂકવે છે પણ હવે તે શિક્ષકો જ્યાં છે ત્યાંના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તેવી ભીતિ આ પ્રોજેક્ટના કારણે ઊભી થઈ છે. જુદાં જુદાં સંગઠનોનું એવું પણ માનવું છે કે જિલ્લા અને કોર્પોરેશન દ્વારા ચાલતી શાળાઓને સહાય કરવામાંથી સરકાર પીછેહઠ કરવા જઈ રહી છે અને આમાં લાભ ખાનગી શાળાઓને થશે. ખરેખર તો અત્યારે જે સરકારી શાળાઓ છે તેમાં માળખાકીય સુવિધા અને સારા શિક્ષકો પણ છે. સરકાર જો તેમાં થોડું ધ્યાન આપે તો આવી મોડલ સ્કૂલ અહીં જ નિર્માણ પામી શકે પરંતુ છેલ્લે તો સ્વાસ્થ્યની જેમ શિક્ષણક્ષેત્રમાંથી હાથ ખંખેરવાની વાત છે એટલે પણ સરકાર આવો નવો પ્રયોગ કરવા જઈ રહી છે.

આ ઉપરાંત સરકાર પર આ પ્રોજેક્ટથી ભારણ વધશે. જે ભંડોળ પછીથી જ્ઞાનસેતુ દ્વારા પ્રાઇવેટ સ્કૂલોમાં જશે, તે ખરેખર સરકારી શાળાને આપવું જોઈએ. આ પ્રોજેક્ટની સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં થશે. અહીં હાલમાં રિઝલ્ટ બેઝ્ડ ગ્રાન્ટ પોલિસી અમલમાં છે. જેના કારણે ખરાબ પરિણામના કારણે શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી થતી અને કેટલીક શાળાઓને બંધ જાહેર કરવામાં આવી છે અને આ રીતે ગ્રાન્ટ ઇન સ્કૂલો સમયાંતરે ઘટતી જશે.

Most Popular

To Top