Health

જીભને સાફ રાખવી કેમ જરૂરી છે? કઇ રીતે જીભને સાફ રાખી શકાય? જાણો

અત્યાર સુધીના લેખોમાં આપણે મૌખિક આરોગ્ય (HEALTH) જાળવવા બાબતે ઘણી બધી માહિતી મેળવી. આશા રાખું છું કે આપેલી બધી સલાહને આપે અમલમાં મૂકી જ હશે. તમે હવે દિવસમાં બે વાર, સવારે ઉઠ્યા પછી અને રાત્રે સુતા પહેલા દાંત (TEETH) સાફ કરવાનો ક્રમ જાળવતા હશો. આ સાથે આપ જમ્યા પછી ઈન્ટરડેંટલ બ્રશિંગ કે ફ્લોસિંગ કરી બે દાંત વચ્ચેની જગ્યાને પણ સાફ રાખતા જ હશો. સોફ્ટ બ્રશ અને ફ્લોરાઇડયુક્ત પેસ્ટનો ઉપયોગ કેમ કરવો તેની સમજણ હવે આપને આવી ગઈ હશે.

તમારા મતે હવે તમે એકદમ ચોક્કસ પણે મૌખિક સ્વચ્છતા જાળવતા જ હશો, ખરુંને? પરંતુ કઈંક બાકી તો નથી રહેતું ને? શું તમે તમારી જીભ (TONGUE) ને સાફ કરો છો? જ્યારે મૌખિક સ્વચ્છતાની વાત આવે છે ત્યારે જીભ ની સ્વચ્છતા પર આપણું ધ્યાન ટૂંકું પડે છે. મોટેભાગે દર્દીઓને ફક્ત દાંતની સફાઈ (CLEANING) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવે છે પરંતુ ભાગ્યે જ તેમને જીભ સાફ કરવાની સલાહ અપાય છે. આજના આ લેખમાં આપને સમજાશે કે કેમ જીભની સફાઈ એ મૌખિક સ્વચ્છતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

તમારે કેમ તમારી જીભને સાફ રાખવી જોઈએ?
હકીકતમાં, તમારા મોં માં કરોડો બેક્ટેરિયા વસે છે. તેમાના કેટલાક બેક્ટેરિયા ખરેખર ફાયદાકારક હોય છે જે બાકીના ખરાબ બેક્ટેરિયા (BACTERIA)ની સંખ્યાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સામાન્ય રીતે જયારે ખરાબ બેકટેરિયાનું પ્રમાણ વધી જાય અને આપ તેને સાફ ન કરો ત્યારે જ દાંતનો સડો કે પછી પાયોરિયા જેવા પેઢાના રોગો થાય છે. મૂળમાં સચોટ મૌખિક સફાઈ દ્વારા આપ ખરાબ બેક્ટેરિયાની સંખ્યાને નિયંત્રણમાં રાખી શકો છો એમ કહું તો ચાલે. મોઢામાં એવા ઘણા ખૂણા (જેમ કે બે દાંત વચ્ચેની જગ્યા) હોય છે જ્યાં બ્રશ (TOOTH BRUSH)નું જવું મુશ્કેલ છે. જીભની ઉપરની સપાટી ખરબચડી હોવાથી તે બેક્ટેરિયાના વસવાટ અને વૃદ્ધિ માટેનું એક ઉત્તમ સ્થાન છે.

હકીકતમાં, જીભ ઉપર તમારા દાંત કરતા વધુ બેક્ટેરિયા વસે છે. જો આપ જીભ સાફ કરવાનું ચુકી જશો તો આ બેક્ટેરિયા સરળતાથી તમારા દાંત ઉપર જમા થઇ તેને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત મોઢામાંથી વાસ આવવાનું તે મુખ્ય કારણ ગણી શકાય. જી હા, ખરાબ બેક્ટેરિયાનું વધેલું પ્રમાણ મોઢામાંથી આવતી દુર્ગંધ (SMELL)નું કારણ છે. આ સાથે આ બેક્ટેરિયા જીભ ઉપર આવેલી તમારી સ્વાદની ગ્રંથિઓને આવરી લેતી હોવાથી ખોરાક પણ બેસ્વાદ લાગે છે. આમ જીભને સાફ કરવાથી આપ ખોરાકનો સ્વાદ માણી શકશો અને ખરાબ બેક્ટેરિયાને નિયંત્રિત કરી આપ મોઢામાંથી આવતી દુર્ગંધ તથા અન્ય રોગો સામે પણ શ્રેષ્ઠ રક્ષણ મેળવી શકો છો.

જીભને કઈ રીતે સાફ કરવી?
તમે જોશો તો આપના બ્રશની પાછળની બાજુ થોડી બરછટ હશે. તે મુખ્યત્વે જીભની સફાઈ માટે જ રાખવામાં આવે છે. તેના પર થોડી પેસ્ટ લગાવી તેને જીભ ઉપર ઘસો. ધીમે ધીમે હલકા હાથે જીભને સ્ક્રબ (SCRUB) કરવાથી તે જરૂરથી સાફ થશે. આ માટે તમે જીભ સાફ કરવાના સ્ક્રેપર્સ (ઓલિયું) પણ ખરીદી શકો છો. આખી જીભને બરાબર સાફ કાર્ય પછી કોગળા કરવાનું ભૂલશો નહીં. ધ્યાન રહે કે તમારે જીભને દબાણપૂર્વક ઘસવાની નથી.

તમારે દિવસમાં તમારી જીભને કેટલી વાર સાફ કરવી જોઈએ?
તમારે જીભને તમારા મૌખિક સફાઈના નિત્યક્રમ મુજબ દરરોજ ઓછામાં ઓછી બે વાર સાફ કરવી જોઈએ. જો બપોરે જમ્યા પછી તમારા મોઢામાંથી વાસ આવતી હોય કે મોઢું સુકાઈ જવાથી તમને એક અસ્પષ્ટ સ્વાદ અનુભવાતો હોય તો આપ ત્રીજી વાર પણ તેને સાફ કરી શકો છો. તેના કરતા વધુ વખત અકારણ જીભને સાફ કરવાનો કોઈ ફાયદો થશે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top