સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન સાથે સંકળાયેલા છે. તેઓ આર્ટ ઓફ લિવીંગનું શિક્ષણ લઈને શિક્ષક તેમજ પ્રશિક્ષક તરીકેની ફરજ બજાવે છે. શહેરની આજુ-બાજુના ગામડાઓમાં કેમ્પ યોજીને તેઓ લોકોને નિ:શુલ્ક શિક્ષણ આપે છે. તેઓ અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે. ઈશ્વર પ્રત્યેની આ કોલમમાં ઈશ્વર પ્રત્યે પ્રગાટ શ્રધ્ધા ધરાવતા ચંદ્રેશભાઈનો અભિપ્રાય જાણીએ…..
તમે ઇશ્વરની કેવી રીતે પ્રાર્થના કરો છો?
જય ગુરૂદેવ. હું જીવનમાં પ્રાર્થનાને ખૂબ મહત્ત્વ આપું છું. ખાસ કરીને ઇશ્વરના સાનિધ્યમાં વધુ વખત રહેવા માટે મને મૌન સાથેની પ્રાર્થના પસંદ છે કારણ કે હું માનું છું કુ ઇશ્વરનું ભજન કરવા માટે શારીરિક અંગો ક્યારેક અશક્ત પડી શકે, વાચા અશક્ત પડી શકે પરંતુ મૌનથી આત્માને પરમાત્મા સાથે જીવને શ્વાસો શ્વાસ સાથે જોડીને પરમાત્માનું આંર્તમિલન કરી શકાય છે. હું માનું છું કે પ્રાર્થના અંગત સ્વાર્થ માટે નહી વિશ્વના દરેક જીવના કલ્યાણ માટે હોવી જોઇએ.
ઇશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?
હું માનું છું કે તમામ વૈશ્વિક પ્રકૃતિમાં ઇશ્વર રહેલો છે. કણ-કણમાં ઇશ્વર રહેલો છે. જ્યારે પણ તમને કોઇ ઉમદા વિચાર આવે કે કોઇને મદદ કરવાની ભાવના જાગૃત થાય ત્યારે ઇશ્વરીય ચેતના જ આ બધુ કરાવે છે. આ પ્રકારની ભાવના કુદરતી સ્ફૂરે છે. તેને જ હું ઇશ્વરની પ્રતિતિ માનું છું. વારંવાર સારા વિચારોનું, સારા કાર્ય કરવાનું અનુગામી હોવુ એ ઇશ્વરના સાંનિધ્ય વિના શક્ય નથી. બસ આપણી દૃષ્ટિ વિશાળ બનાવવી પડે.
પુન:જન્મમાં માનો છો? પુન:જન્મ શા માટે માંગો છો?
હા, હું પુન:જન્મમાં જરૂર માનું છું. આપણા ધર્મશાસ્ત્રો પુન:જન્મ વિશે ખૂબ સરસ સમજાવે છે. તેનો હું ચોક્કસ પણે આદર કરૂં છું. હું માનું છું કે પુન: જન્મ શરીરનો થાય છે આત્માનો કદાપિ નહી. શરીર દ્વારા કર્મોનો ભોગવટો કરવા માટે પુન:જન્મ જરૂરી છે. પરંતુ જીવાત્માની એક સ્થિતિ એવી આવે છે જ્યારે પુન:જન્મની જરૂર જ નથી ત્યારે આત્મા જીવન મુક્ત થઈ જાય છે. કર્મોના બધા બંધન તૂટી જાય છે. હું પુન:જન્મ ઇચ્છતો નથી. હું આ જન્મમાં જ મારા ઋણાનુંબંધ પૂર્ણ કરવા ઇચ્છુ છું. જીવન મુક્ત બનવા ઇચ્છું છું.
તમને તમારા જીવનના પ્રશ્નોના ઉત્તર ઈશ્વર પાસે મળે છે?
હા, મારા જીવનના પ્રશ્નોના ઉત્તર ફક્ત મને જ નહીં પણ તે દરેક વ્યક્તિ કે જે ઇશ્વરની નજીક રહેતો હોય તે તમામને મળે છે. તેના માટે આપણે ઈશ્વરના થવું પડે છે. દાસભાવથી રહેવું પડે છે. કુદરત ચોરી કરતા ચોરને પણ પ્રેરિત કરે જ છે. તેનો આત્મા માને છે કે હું ખોટું કરું છું છતાં તેનું મન તેને સ્વીકારવા તૈયાર નથી.