Editorial

ગાઝામાં શાંતિ માટેની ટ્રમ્પની યોજના કેટલી સફળ રહેશે?

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંત્રણા કરવા માટે સોમવારે અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મંત્રણા શરૂ થાય તે પહેલા દેખીતી  રીતે ટ્રમ્પની જ   સૂચનાથી વ્હાઇટ હાઉસમાંથી જ કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન જાસીમ અલ થાનીને ફોન કર્યો હતો અને થોડા સમય પહેલા ઇઝરાયેલ દ્વારા કતારની રાજધાની દોહા પર કરવામાં આવેલા હવાઇ હુમલા બદલ માફી માગી હતી.  ઇઝરાયેલના વડાપ્રધાને કતારની માફી માગવી પડી તે બાબત અનેક રીતે નોંધપાત્ર છે. દેખીતી રીતે બ્રિટન અને ફ્રાન્સ સહિતના કેટલાક પશ્ચિમી દેશો તરફથી વધી રહેલા દબાણ હેઠળ  અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઝુકવું પડ્યું છે અને તેમણે  ઇઝરાયેલને પણ ઝુકવા માટે દબાણ કરવું પડ્યું છે.

હાલમાં યુએનની સુરક્ષા પરિષદમાં ગાઝામાં યુદ્ધ વિરામ અંગેનો ઠરાવ રજૂ થયો ત્યારે ઇઝરાયેલ અને અમેરિકા સિવાયના લગભગ  તમામ  સભ્ય દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો. એના  પછી યુએનની સામાન્ય સભામાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુના ભાષણ વખતે વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓ ઉભા થઇને સભાખંડ છોડી ગયા અને નેતાન્યાહુએ ગણ્યા ગાંઠ્યા ટેકેદારો  સિવાય ખાલી ખુરશીઓ સમક્ષ ભાષણ કરવું  પડ્યુ઼ તે બાબત  સૂચવે છે કે ઇઝરાયેલ અને તેની સાથે અમેરિકા પણ મધ્યપૂર્વના તનાવની બાબતે વિશ્વમાં એકલા અટૂલા પડતા જાય છે. આ ઉપરાંત ટ્રમ્પને નોબેલ શાંતિ ઇનામ મેળવવાના પણ ધખારા છે અને તેઓ ગાઝામાં સમાધાન  કરાવવા માટે સક્રિય થયા છે.

સાતમી ઓકટોબર, ૨૦૨૩ના રોજ પેલેસ્ટાઇનના લડાયક સંગઠન હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને દોઢેક હજાર લોકોને મારી નાખ્યા તથા અન્ય ડઝનબંધ લોકોનું અપહરણ કર્યુ તેના પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર  લડાઇ શરૂ થઇ, જેમાં ઇઝરાયેલે હમાસના સફાયાના બહાને ગાઝા પર બેધડક હુમલાઓ કરવા માંડ્યા. તેમાં મોટે ભાગે તો નિર્દોષ લોકો મરવા માંડ્યા. શરૂઆતમાં તો વિશ્વના અનેક દેશો તરફથી ઇઝરાયેલને ટેકો મળ્યો. પણ પછી ગાઝામાં  નિર્દોષ લોકોનો મૃત્યુઆંકવ વધવા માંડ્યો તે સાથે વિશ્વમત પણ બદલાવા માંડયો.

ગાઝામાં મૃત્યુઆંક પચાસ હજારને વટાવી ગયો, મૃત બાળકોની વધુ ને વધુ તસવીરો બહાર આવવા માંડી તેમ ઇઝરાયેલ સામે વિશ્વમત પ્રબળ બનવા માંડ્યો.  બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ પેલેસ્ટાઇનને સૈદ્ધાંતિક રીતે માન્યતા આપી દીધી છે. જો કે આનાથી કંઇ પેલેસ્ટાઇનની રચના થઇ જવાની નથી. પણ જે રીતે ઇઝરાયેલ  ગાઝામાં હુમલાઓ કરે છે અને રાહત સામગ્રીનો પુરવઠો  અટકાવે છે તેથી તેની સામે પ્રબળ બનતા વિશ્વમતનું આમાં પ્રતિબિંબ પડે છે.

પેલેસ્ટાઇનની રચના અંગે ઇઝરાયેલ એમ કહે છે કે આ હમાસને તેના હુમલા બદલ ઇનામ આપવા જેવું હશે. જો કે સોમવારે મોડેથી ટ્રમ્પે ગાઝામાં શાંતિ માટે ૨૦  મુદ્દાની યોજના રજૂ કરી અને ઇઝરાયેલે આ યોજના સાથે સંમતિ દર્શાવી છે. ટ્રમ્પની ૨૦ મુદ્દાની યોજના આમ તો આકર્ષક જણાય છે. આ યોજના મુજબ ગાઝા એક આતંકવાદ મુક્ત ક્ષેત્ર હશે જે તેના પડોશીઓ માટે ખતરો નહીં બને. ગાઝાના લોકોના લાભ માટે ગાઝાનો પુનર્વિકાસ કરવામાં આવશે, જેમણે ઘણુ સહન કર્યું છે. જો બંને પક્ષો આ પ્રસ્તાવ સાથે સંમત થાય છે, તો યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થશે. ઇઝરાયલી દળો બંધકોને મુક્ત કરવાની તૈયારી માટે સહમત રેખા પર પાછા ફરશે. આ સમય દરમિયાન, હવાઈ અને તોપખાનાના બોમ્બમારા સહિત તમામ  લશ્કરી કામગીરી સ્થગિત કરવામાં આવશે.

ઇઝરાયલ આ કરારને જાહેરમાં સ્વીકાર્યાના ૭૨ કલાકની અંદર, જીવંત અને મૃત તમામ બંધકોને પરત કરવામાં આવશે. બધા બંધકોને મુક્ત કર્યા પછી, ઇઝરાયલ ૨૫૦ આજીવન કેદની સજા પામેલા કેદીઓને અને ૭ ઓક્ટોબર ૨૦૨૩ પછી અટકાયતમાં લેવામાં આવેલા ૧,૭૦૦ ગાઝાવાસીઓને મુક્ત કરશે, જેમાં તે સંદર્ભમાં અટકાયતમાં લેવામાં આવેલી  બધી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. દરેક ઇઝરાયલી બંધક જેમના મૃતદેહો મુક્ત કરવામાં આવ્યા છે તેના બદલામાં, ઇઝરાયલ ૧૫ મૃત ગાઝાવાસીઓના મૃતદેહો મુક્ત કરશે. બધા બંધકોને પરત કરવામાં આવ્યા પછી, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને પોતાના શસ્ત્રો છોડી દેવા માટે પ્રતિબદ્ધ હમાસ સભ્યોને માફી આપવામાં આવશે.

ગાઝા છોડવા માંગતા હમાસના સભ્યોને પ્રાપ્તિકર્તા દેશોમાં સુરક્ષિત માર્ગ પૂરો  પાડવામાં આવશે. આ કરાર સ્વીકાર્યા પછી, સંપૂર્ણ સહાય તાત્કાલિક ગાઝા પટ્ટીમાં મોકલવામાં આવશે. ગાઝાના વહીવટ માટેની હંગામી સમિતિ લાયક  પેલેસ્ટિનિયનો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની બનેલી હશે, જેની દેખરેખ અને દેખરેખ એક નવી આંતરરાષ્ટ્રીય સંક્રમણ સંસ્થા, બોર્ડ ઓફ પીસ દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ અને અધ્યક્ષતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ કરશે, જેમાં  ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર સહિત અન્ય સભ્યો અને સરકારના વડાઓની જાહેરાત કરવામાં આવશે. હમાસ અને અન્ય જૂથો ગાઝાના શાસનમાં સીધી, આડકતરી રીતે અથવા કોઈપણ સ્વરૂપમાં કોઈ ભૂમિકા ન રાખવા માટે સંમત થશે.

આમ તો ટ્રમ્પની આ શાંતિ યોજના આશા જન્માવનારી જણાય છે અને તેને ભારત સહિત અનેક દેશોએ આવકારી છે પરંતુ આ યોજના વ્યવહારુ રીતે કેટલી સફળ રહેશે તે સમય જ બતાવશે. આ લખાય છે ત્યાં સુધી હમાસે આ યોજના સાથે સંમતિ દર્શાવી નથી. તે પોતાને જ ગાઝાના શાસક તરીકે ગણે છે અને ગાઝાના સંચાલનમાં તેની કોઇ ભૂમિકા નહીં હોય તે બાબત તે ભાગ્યે જ સ્વીકારે. ગાઝાના અન્ય શાસકોને તે સુખેથી વહીવટ પણ કરવા દે નહીં. ટ્રમ્પે આ યોજના સ્વીકારવા હમાસને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને નહીં સ્વીકારે તો કરૂણ પરિણામની ચેતવણી પણ આપી છે. હવે શું થાય છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top