હાલમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંઘ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે કરાર થયો; અને તે કરારને વધાવવા માટે ઓનલાઈન મીટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. ઘટના હતી મધ્ય પ્રદેશની કેન નદી અને ઉત્તર પ્રદેશની બેતવા નદીને જોડવાની.
રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટને મૂકવામાં આવ્યો છે અને તેનો ખર્ચ પણ કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવશે. બંને રાજ્યોના ભાગે માત્ર દસ ટકા રકમ ખર્ચ પેટે આવશે. આ પ્રોજેક્ટને પૂરો કરતાં આઠ વર્ષનો સમય અંદાજવામાં આવ્યો છે ને પ્રોજેક્ટનો પૂરો ખર્ચ 37,611 કરોડ થશે. ખર્ચની રકમ અને લાગનારા સમય પરથી આ પ્રોજેક્ટના વ્યાપનો અંદાજ લગાવી શકાય. આ ઉપરાંત, તેના જે લાભ ગણાવવામાં આવી રહ્યા છે તે પણ મસમોટા છે.
જેમ કે, દસ લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે, 62 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે અને તેનાથી સારી એવી વીજળીનું ઉત્પાદન પણ થશે. આવા તો અસંખ્ય લાભ મળશે તેવા દાવા કેન્દ્ર અને બંને રાજ્ય સરકાર કરી રહી છે. પરંતુ નદીઓને જોડવાનું કાર્ય એક પ્રોજેક્ટ માત્રથી થઈ જાય? જોડવાથી લાભ થાય કે નુકસાન? કુદરતને વળોટીને જ્યારે આવું પગલું લેવાય ત્યારે તેનું પર્યાવરણીય નુકસાન કેટલું થાય? ઉપરાંત, નદીઓને જોડીએ ત્યારે ડૂબમાં આવતાં વિસ્તારોનું શું? આવા અનેક પ્રશ્નો અત્યારે આ રિવરલિંક પ્રોજેક્ટને લઈને પુછાઈ રહ્યા છે. પ્રોજેક્ટને લઈને કાગળ અને ગ્રાઉન્ડ પર કેટલો ભેદ છે તે વિશે જાણીએ…
નદીઓને જોડવાને લઈને અનેક વાર કેન્દ્રની સરકાર પાસે પ્રસ્તાવ આવતા ગયા અને તેના પર વિચાર થયો, ક્યારેક અમલ માટે કરારેય થયા, પણ આજે જે સ્થિતિ કેન નદી-બેતવા નદી અંગે આવી છે તેવું નહોતું બન્યું. વિધિવત્ રીતે નદીઓને જોડવાની યોજનાનો અમલ આ રીતે નિર્ધારથી થયો નહોતો. આવું બન્યું એટલા માટે કે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ જંગી લાભ બતાવીને તેને સાકાર કરવાનાં સ્વપ્નાં જોવામાં આવ્યાં તેમ તેની સામેના પડકાર પણ હતા. આ પડકારોને પહોંચી વળવાની અત્યાર સુધી ભીતિ હતી પણ વર્તમાન સરકારે તે ભીતિને કોરાણે મૂકીને આ પ્રોજેક્ટના શ્રીગણેશ કરી દીધા છે.
નદીઓ જોડવાનો પહેલોવહેલો પ્રોજેક્ટ ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન બ્રિટિશ સૈન્ય એન્જિનિયર આર્થર થૉમસ કૉટન લાવ્યા હતા. તે કાળે નદીઓને જોડવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર અંગ્રેજોને નદીઓ વચ્ચે નહેર બનાવવાથી બંદરની સુવિધા નિર્માણ કરવાનો હતો. પણ આજે જેટલો આ પ્રોજેક્ટ ખર્ચાળ છે, તેમ તે કાળે તેની સામેની મુશ્કેલી ખૂબ હતી. તેથી તે વાત કાગળ પર જ રહી. પછી 1970માં તત્કાલીન સિંચાઈ મંત્રી ડો. કે. એલ. રાવ દ્વારા પણ નદીઓને જોડવાના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા. તેમણે બ્રહ્મપુત્ર અને ગંગાનું પાણી દક્ષિણ રાજ્યના સૂકા પ્રદેશોમાં લાવવાનું આયોજન આપ્યું હતું. જો કે તેના પર કોઈ ઝાઝી ચર્ચા ન થઈ. પછી પણ કેન્દ્રીય સ્તરે નદીઓને જોડવાને લઈને રિપોર્ટ બનતા રહ્યા. દેશની અલગ અલગ નદીઓને જોડવાની તેમાં ચર્ચા થતી રહી, પરંતુ તેમ છતાં પ્રોજેક્ટને અમલમાં મૂકી શકાય તેવા યોગ ન આવ્યા.
1999માં નેશનલ ડેમોક્રેટીક અલાયન્સની સરકાર બની અને વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી આવ્યા ત્યારે નદીઓને જોડવાની યોજનાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ અને તે અંગે ખુદ વડા પ્રધાને પણ રસ લીધો. જો કે પર્યાવરણ અને અન્ય મુદ્દાના કારણે યોજના પડતી મુકાઈ. યુપીએ સરકારની પ્રથમ ટર્મ દરમિયાન પણ આ પ્રોજેક્ટ પર કામ થવા માંડ્યું અને વડા પ્રધાન મનમોહનસિંઘની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રીઓએ કેન અને બેતવા નદી જોડાણને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પછી પણ યોજના સાકાર ન થઈ શકી. 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય સરકાર બની, ત્યાર બાદ નદી જોડાણને લઈને કામ જોરો પર થયું. રિપોર્ટ બન્યા, વિશ્લેષણ થયું, ચર્ચા થઈ અને તે પછી તેના પર અંતિમ ડ્રાફ્ટ બન્યો. મતલબ કે હવે આ કાર્યને પ્રાથમિકતા આપીને આગળ ધપાવવાનું છે.
નદીઓ જોડાણના પ્રસ્તાવ મૂકવાનો અને રદ કરવાનો સિલસિલો આટલાં વર્ષો સુધી ચાલતો રહ્યો. હવે જ્યારે આ ઘટના આકાર પામવા જઈ રહી છે ત્યારે તેના પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. જેમ કે હાલની કેન-બેતવા નદીના જોડાણને લઈને વાઘોના પન્ના અભયારણ્ય પર જોખમ ઊભું થયું છે. બીજું કે આ યોજના કાગળ પર જેટલી સુંદર બતાવી શકાય છે તેનું તેવું જમીની અમલીકરણ મુશ્કેલ છે તેવું નિષ્ણાતોનું માનવું છે. આ માટે કેટલાંક ઉદાહરણો પણ છે. ઉત્તર પ્રદેશમાં આવું એક ઉદાહરણ શારદા સહાયક નદીમાં જોવા મળે છે. 2000ના વર્ષમાં 260 કિમી લાંબી નહેર સાથે પૂર્ણ થયેલી આ યોજનાનું લક્ષ્ય 16.77 લાખ હેક્ટરને સિંચાઈ પૂરી પાડવાનું હતું. પરંતુ તેમાં અડધા સુધી પણ ન પહોંચી શકાયું. આ ઉપરાંત, હજારો હેક્ટર જમીનમાં નદીનું પાણી જમા થતું રહે છે, જેનાથી અનેક પાક બરબાદ પણ થઈ રહ્યા છે. નદી જોડાણમાં સરકાર જેટલું ગુલાબી ચિત્ર દાખવે છે તે વાસ્તવિકતા નથી, તેવું અનેક નિષ્ણાતો કહી રહ્યા છે.
પાણી મુદ્દે આજીવન કાર્ય કરનારા તો આને જોખમી પ્રોજેક્ટ ગણાવે છે. નર્મદા બચાવ આંદોલનના મેધા પાટકરનો પણ આ પરિયોજના અંગે જે મત છે તે જાણી લેવા જેવો છે. તેમનું કહેવું છે કે, આ પૂરી યોજના અવ્યવહારુ છે. સામાજિક, આર્થિક અને પર્યાવરણની રીતે તેનાં પરિણામ ખૂબ ખરાબ આવી શકે છે. સરકાર એવું કહી રહી છે કે આ યોજનાથી પૂરની સમસ્યાથી બચી શકાશે. હવે જ્યારે ગંગાના માત્ર વીસ ટકા હિસ્સાને વળાંક આપવાની વાત છે ત્યારે તેનાથી પૂર કેવી રીતે રોકાઈ શકે? આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પાટકરનો એક અન્ય મુદ્દો આ યોજના હેઠળ ખર્ચાનારાં નાણાં અંગેનો છે. દેશભરમાં નદીઓ જોડવાને લઈને કુલ સાડા પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ થનાર છે. આટલી રકમ સરકાર ખર્ચી ન શકે તેવું પાટકરનું માનવું છે અને તે કારણે આ યોજનામાં કોર્પોરેટ જગતની એન્ટ્રી થશે અને પછી તેઓ તેની કિંમત વસૂલશે.
મતલબ કે નદીઓ લોકોના હાથમાંથી સરકીને કંપનીઓના હાથમાં જશે.
નદીઓના જોડાણને લઈને સાવધાની ન રાખવામાં આવે તો તેનાથી ખુવારી થઈ શકે છે. આ ખુવારી હિમાલયની નદીઓમાં આપણે દર વર્ષે સમયાંતરે જોઈએ છીએ. હિમાલયમાં નદીઓનું જોડાણ થયું નથી, પરંતુ જે રીતે કુદરત સાથે ત્યાં છેડછાડ થઈ છે તેથી તે નદીઓના પ્રકોપ જોવા મળે છે. અમેરિકામાં પણ આ પ્રકારના પ્રયોગ થઈ ચૂક્યા છે. કોલેરાડોથી લઈને મિસિસિપી નદીના ઘાટ સુધી મોટી સંખ્યામાં આવી પરિયોજના બની છે અને તે યોજનામાં કળણ ભરાઈ ગયા હોવાથી આસપાસના વિસ્તારમાં પૂરનો પ્રકોપ વધવા માંડ્યો છે. આખરે આ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલાં બાંધોને તોડવા પડ્યા છે. તેના પર જે ખર્ચ થયો તે તો વેગળો. પાણીના જાણકારો કહે છે કે, ગંગા અને બ્રહ્મપુત્રમાં દર વર્ષે આવનારું કળણ મિસિસિપી નદીથી બમણું છે. સોવિયેત સંઘના યુગમાં સાઇબેરિયાની નદીઓને નહેરોની નેટવર્ક દ્વારા કઝાકિસ્તાન અને મધ્ય એશિયાના સૂકા પ્રદેશોની નદીઓ તરફ જોડવાનું કામ થયું હતું. યોજનાનો મુખ્ય ભાગ 2200 કિલોમીટર લાંબી એક નહેર હતી. આ યોજનાથી અનેકગણું અનાજ પાકશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં જ્યાં નહેર પહોંચી ત્યાં કળણવાળી જમીન અને ખારા પાણીથી ખેડૂતોની કમર તૂટી ગઈ. 80ના દાયકામાં આ સમગ્ર યોજનાને પડતી મૂકી દેવામાં આવી.
પાણીની વિકરાળ સમસ્યા સામે જ્યારે તેના ઉકેલ શોધાય છે અને તે તરફ આવા પ્રશ્નો ઊઠે ત્યારે તેનો વાસ્તવિક ઉકેલ શો હોઈ શકે, તે પણ જાણવું જોઈએ. જાણકારોના મતે પીવાના પાણીનું આયોજન અલગ અલગ ક્ષેત્રોમાં વેગવેગળું હોય છે. આના બદલે એક જ આયોજન થોપવું યોગ્ય નથી. આપણા જ દેશમાં નાના પ્રયાસો દ્વારા નદીઓને પુનર્જીવિત કરવાના કિસ્સા પણ મોજૂદ છે, ત્યારે નદીઓને જોડવાનો જોખમી માર્ગ શું કામ લેવો?
આ વિશે જાણીતા પર્યાવરણવિદ્ અનુપમ મિશ્રનું કહેવું હતું કે, નદીઓને જોડવાનું કાર્ય પ્રકૃતિનું છે. જ્યાં બે નદી જોડાય છે ત્યાં તે જગ્યા તીર્થસ્થળ બની જાય છે. હવે નદીઓને નહેરો દ્વારા જોડવાનો પ્રયાસ થાય છે. આનાથી ખેડૂતોને તો નહીં પણ નેતાઓ અને અધિકારીઓને જરૂર લાભ થશે. મિશ્રનું આ પાણીના આયોજન અંગેનું ગણિત ખૂબ કિફાયતી હતું અને તે વાતનું તેઓ મોડલ પણ જમીન પર લાવી શક્યા હતા. પણ હવે યોજનાઓમાં મસમોટી રકમ ખર્ચીને પ્રયોગો થઈ રહ્યા છે અને નક્કર આયોજનનો અભાવ છે.