Trending

નાસા દ્વારા મોક્લાયેલું ‘પર્સિવિઅરન્સ અવકાશયાન’ મંગળની આસપાસ કેટલા દિવસ ફરશે ?

હમણાં હમણાં વિજ્ઞાનીઓને શુક્ર ગ્રહના વાતાવરણમાં કયા વાયુની મોજૂદગી જોવા મળી? હમણાં આ વિજ્ઞાનીઓને શુક્ર ગ્રહના વાતાવરણમાં ફોસ્ફીન વાયુની હાજરી જોવા મળી છે. ફોસ્ફીનની હાજરી વિજ્ઞાનીઓના શુક્ર ગ્રહ પર જીવસૃષ્ટિ શોધવાના પ્રયત્નોને વધારે ઘનિષ્ટ બનાવશે. નાસા દ્વારા અવકાશમાં રવાના કરવામાં આવેલા ‘એલઆરઓ’ અવકાશયાનને ચંદ્રની સપાટી પર કઇ ધાતુની મોજૂદગી જોવા મળી?

આ અવકાશયાનને ચંદ્રની ઉપસપાટી પર વધારે મોટા જથ્થામાં ટીટેનીઅમ અને લોખંડની ધાતુઓની હાજરી હોવાનું જણાયું છે! આ અંદાજ કયા સાધન દ્વારા મેળવવામાં આવ્યો હતો? આ અંદાજ ‘મીનીએચર રેડીઓ ફ્રીકવન્સી ઇન્સ્ટ્રુમેન્ટ સાધન દ્વારા મેળવવામાં આવ્યો હતો. લોખંડ અને ટીટેનીઅમના ઓકસાઇડોને ચંદ્રની સપાટીની નીચેથી ઉપર લાવવામાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો? જે ઉલ્કાઓ પડવાથી ખાડાઓ રચાયા હતા, તેમણે ચંદ્રની સપાટીની નીચેથી લોખંડ અને ટીટેનીઅમના ઓકસાઇડોને ઉપર લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો! નાસા દ્વારા અવકાશમાં તરતી મુકાયેલી કઇ વેધશાળાએ ચંદ્રની પ્રકાશમયી બાજુ પર પાણી હોવાનું સુનિશ્ચિત કર્યું?

નાસા દ્વારા અવકાશમાં તરતી મુકાયેલી ‘સોફીઆ’ વેધશાળાએ અત્યાર સુધીમાં પહેલી વાર ચંદ્રની પ્રકાશમયી બાજુ પર પાણી હોવાનું સુનિશ્ચિત કર્યું છે. આ પાણી તે સપાટી પર સર્વત્ર વિતરણ પામેલું હશે. આ પાણી કયાં જોવા મળ્યું? આ પાણીના અણુઓ વિજ્ઞાનીઓને કલેવીઅસ ગર્તમાં જોવા મળ્યા હતા. ત્યાં પાણીના દ્રવ્યકણોનું પ્રમાણ ૪૧૨ પીપીએમ હોઇ શકે! નાસા દ્વારા મોકલાયેલું ‘પર્સિવિઅરન્સ’ અવકાશયાન મંગળની આસપાસ કેટલા દિવસો સુધી પરિભ્રમણ કરશે? તે મંગળની આસપાસ ૧ વર્ષ ૩૨૨ દિવસો સુધી પરિભ્રમણ કરશે! આ અવકાશયાન મંગળ ગ્રહ પર કઇ તપાસ હાથ ધરશે? તે મંગળ ગ્રહ પર પુરાતન સમય દરમ્યાન હયાત એવા સજીવોનાં ચિહનો, અવશેષો અંગે તપાસ કરશે. ઇસરો દ્વારા મંગળ તરફ મોકલાયેલા ‘એમ ઓ એમ’ અવકાશયાને શાના ફોટાઓ ઝડપ્યા? આ ‘એમઓએમ’ અવકાશયાને મંગળ ગ્રહના સૌથી મોટા કદના ઉપગ્રહ ‘ફોબોસ’ના ફોટાઓ ઝડપી લીધા છે! તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

વિજ્ઞાનીઓને શુક્ર ગ્રહના વાતાવરણમાં ફોસ્ફીનની મોજૂદગી જોવા મળી
શુક્ર ગ્રહ આપણી સૂર્યમાળામાં સૂર્યથી સરેરાશ અંતરની દૃષ્ટિએ બીજા ક્રમે રહેલો ગ્રહ છે. હમણાં હમણાં મળતી જાણકારી મુજબ વિજ્ઞાનીઓની એક ટીમે શુક્ર ગ્રહના વાતાવરણમાં ‘ફોસ્ફીન’ વાયુને શોધી કાઢયો છે. આ સંશોધન શુક્ર ગ્રહ પર કોઇક પ્રકારની જીવસૃષ્ટિ હોવાનો સંકેત આપે છે. યુરોપિયન અવકાશ એજન્સી (ઇ એસ એ) દ્વારા રવાના કરવામાં આવેલા ‘વીનસ એકસપ્રેસ’ અવકાશયાનને વર્ષ ૨૦૧૧ માં શુક્ર ગ્રહના વાતાવરણમાં ઓઝોન વાયુ મોજૂદ હોવાના સંકેતો મળ્યા હતા. પૃથ્વીના સમતાપ આવરણમાં રહેલું ઓઝોનનું આ પડ સૂર્યના અતિ તીવ્રતાવાળા પારજાંબલી કિરણોને નરમ બનાવીને પૃથ્વી પર મોકલે છે, જે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ બને છે. જીવસૃષ્ટિ માટે પોષક એવા આ બીજા રસાયણ ‘ફોસ્ફીન’ની શુક્રના વાતાવરણમાં મોજૂદગી વિજ્ઞાનીઓને શુક્ર ગ્રહ પર કોઇક પ્રકારની જીવસૃષ્ટિ શોધવા અંગેના પ્રયત્નોને વધારે પ્રેરિત કરશે. ફિલહાલ શુક્ર ગ્રહનું વાતાવરણ પ્રાથમિક રીતે કાર્બન ડાયોકસાઇડ અને સલ્ફયુરિક એસિડનાં વાદળાંઓથી ગુંગળાવનારું બની રહ્યું છે.

આ ફોસ્ફીન એ રંગહીન પણ વાસસહિતનો વાયુ છે. તે કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓના પરિણામે ઉત્પન્ન થાય છે. આ ફોસ્ફીન વાયુ પોતાના શરીરમાં ઓકિસજનની ગેરહાજરીમાં જીવન જીવનારા બેકટેરિયાની અમુક પ્રજાતિઓમાં જોવા મળે છે. તે વાતાવરણ સંબંધી કોઇક રસાયણ અથવા તો જવાળામુખીઓમાંથી બહાર ફેંકાતું પ્રદૂષક દ્રવ્ય હોઇ શકે. આ એક એવું સીમાચિહનરૂપ સંશોધન હોઇ શકે જેમાં વિજ્ઞાનીઓને આપણી સૂર્યમાળામાં પૃથ્વી સિવાયના અન્ય કોઇ ગ્રહ પણ જીવસૃષ્ટિ હોવાનો પુરાવો મળ્યો છે.

નાસા દ્વારા અવકાશમાં રવાના કરાયેલા ‘લ્યુનર રેકનાઇઝન્સ ઓર્બીટર’ (એલઆરઓ) અવકાશયાનને ચંદ્રના ભોંયતળિયે ટીટેનીઅમ અને લોખંડ જેવી ધાતુઓની મોજૂદગી જોવા મળી. નાસા દ્વારા ચંદ્ર તરફ રવાના કરવામાં આવેલા ‘એલઆરઓ’ અવકાશયાનને ચંદ્રની ઉપસપાટી પર મોટા જથ્થામાં ટીટેનીઅમ અને લોખંડની ધાતુઓ મોજૂદ હોવાનું જણાયું છે. વળી જે અગાઉ વિજ્ઞાનીઓ માનતા હતા તેના કરતાં તે વધારે જથ્થામાં આ ધાતુઓનો જથ્થો ધરાવતી હોવાનું જણાયું છે. આ અવકાશયાન પર રહેલા ‘મીનીએચર રેડીઓ ફ્રીકવન્સી ઇન્સ્ટ્રુમેન્ટ’ (નાના કદનું ધ્વનિતરંગ આવૃત્તિ ઉપકરણ) દ્વારા ચંદ્રના ભોંયતળિયેની આ ધાતુઓના વિતરણનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. આ સાધન ‘મીની આર એફ આઇ’ને આ ‘એલઆરઓ’ અવકાશયાન પર ગોઠવવામાં આવ્યું હતું.

આ ‘એમએનઆરએફ’ સાધન દ્વારા કરવામાં આવેલાં સંશોધનોને આ ‘એલઆરઓ’ અવકાશયાનના બૃહત ખૂણેથી મેળવેલા (વાઇડ એંગલ) કેમેરાના ધાતુઓના ઓકસાઇડોના વિતરણ અંગેના નકશાઓ દ્વારા, ‘કાગુયા’ અવકાશ મિશન દ્વારા અને નાસાના ‘લ્યુનર પ્રોસ્પેકટર’ અવકાશયાન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે, જે સાબિત કરે છે કે વધારે મોટા કદના ગર્તો (ખાડાઓ) પણ તેમના વધી ગયેલા ‘ડાઇ ઇલેક્ટ્રિક દ્રવ્ય’ને કારણે ધાતુઓથી સમૃધ્ધ હતા. આ ‘એલઆરઓ’ અવકાશયાનનું આ નાના કદનું ‘મીની આર એફ આઇ’ સાધન ચંદ્રના ઉત્તર ગોળાર્ધના ચંદ્રની ધરતી પરના ગર્તોના વિદ્યુત સંબંધી ગુણધર્મોનું માપન કરી રહ્યું હતું.
આ ‘ડાઇ ઇલેક્ટ્રિક’ ગુણધર્મો ધાતુની ખનિજોના ભોંયતળિયે રહેલા સંકેન્દ્રણ સાથે જોડાયેલા છે. જેમ જેમ આ વિજ્ઞાનીઓ વધારે ને વધારે મોટા કદના ગર્તોની મોજણી કરતા ગયા, તેમ તેમ આ ગુણધર્મોના સ્તરમાં વધારો થતો જોવા મળ્યો. પાંચ કિલોમીટરનો વ્યાસ ધરાવતાં ખાડાઓમાં તેમનું સ્તર નિરંતર રીતે વધતું જોવા મળ્યું હતું. આમ થવા પાછળનું કારણ જે ઉલ્કાઓ પૃથ્વી પર પડવાથી આ ખાડાઓ રચાયા હતા, તેમણે ચંદ્રની સપાટીની નીચેથી આ લોખંડ અને ટીટેનીઅમના ઓકસાઇડોને ઉપરની સપાટી પર લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો!

વિજ્ઞાનીઓને ચંદ્રની પ્રકાશિત બાજુ પર પાણીના અણુઓ જોવા મળ્યા
નાસા દ્વારા અવકાશમાં તરતી મૂકવામાં આવેલી ‘સોફીઆ’ (એસઓએફઆઇએ, સ્ટ્રેટોસ્ફેરિક ઓબ્ઝર્વેટરી ફોર ઇન્ફ્રારેડ ઓબ્ઝર્વેશન્સ, અધોરકત અવલોકનો લેવા માટેની પૃથ્વીના સમતાપ આવરણમાં મુકાયેલી) વેધશાળાએ અત્યાર સુધીમાં પહેલી જ વાર ચંદ્રની નિરંતર રીતે પ્રકાશમયી રહેતી બાજુ પર પાણી મોજૂદ હોવાનું સુનિશ્ચિત કર્યું છે. આ સંશોધન એમ સૂચવે છે કે ચંદ્રની સપાટી પર પાણી સર્વત્ર વિતરણ પામેલું હશે. મતલબ કે તે ફકત ઠંડા છાયાવાળા વિસ્તારો પૂરતું સીમિત ન હશે. આ સોફીઆ વેધશાળાએ ચંદ્રની સપાટી પરના પાણીના અણુઓ ‘કલેવીઅસ’ નામના ગર્ત (ખાડા)માં જોયા હતા. આ ‘કલેવીઅસ’ ગર્ત પૃથ્વી પરથી દેખાતો એવો ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ગર્ત છે.

જો કે ચંદ્રની સપાટી અંગેના અગાઉનાં અવલોકનોમાં ત્યાં હાઇડ્રોજન વાયુ હોવાની જાણકારી જરૂર મળી હતી, પરંતુ તે વખતે પાણી અને તેના નજીકના સંબંધી એવા ‘હાઇડ્રોકસીલ’ (ઓએચ) સમૂહ વચ્ચેનો ભેદ પારખી શકાયો નહોતો. ચંદ્રની સપાટી પરના આ સ્થળ અંગે મળેલી માહિતી દર દસ લાખ સમગ્ર દ્રવ્યકણોમાં પાણીના ૪૧૨ અણુઓ દર્શાવતી હતી. આમ આ સ્થળે પાણીના દ્રવ્યકણોનું પ્રમાણ ૪૧૨ પીપીએમ હોઇ શકે! આમ ચંદ્રની સપાટી પરની એક ઘનમીટર કદ ધરાવતી જમીન પોતાનામાં ૧૨ ઔંસ (ઓયુએનસીઇ) પાણીને સમાવતી બોટલ જેટલા જથ્થામાં પોતાનામાં પાણી ધરાવતી જણાઇ છે. આ વિજ્ઞાનીઓનું આ સંશોધન ‘નેચર એસ્ટ્રોનોમી’ નામના નામાંકિત વિજ્ઞાન મેગેઝીનમાં પ્રકાશિત થયેલું છે.

નાસાએ ‘પર્સિવિઅરન્સ અવકાશયાન’ મંગળ ગ્રહ તરફ રવાના કર્યું
નાસા દ્વારા ‘યુએલએ’ એટલાસ V (પાંચ) રોકેટની પીઠ પર બેસાડીને મંગળ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરનાર ‘પર્સિવિઅરન્સ’ અવકાશયાનને જુલાઇ ૩૦, વર્ષ ૨૦૨૦ ના રોજ કેપકેનાવેરલ એરફોર્સ સ્ટેશન પરથી અવકાશમાં રવાના કરી દેવામાં આવ્યું હતું. મંગળ ગ્રહ પર આ મહિનામાં મોકલાનાર તે ત્રીજું અવકાશયાન હતું. આ અવકાશયાન આપણી પૃથ્વી પરના ૧ વર્ષ અને ૩૨૨ દિવસ એટલે કે ૬૮૭ દિવસો સુધી મંગળ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરશે. યાદ કરીએ કે મંગળ ગ્રહનો આપણા સૂર્યની આસપાસનો પરિભ્રમણ સમય ૬૮૭ દિવસ છે. મંગળ ગ્રહ પર આ અવકાશયાન ‘જેઝીરો’ ગર્ત નામના ખાડામાં ઊતરશે. આ અવકાશયાન પર કુલ સાત વૈજ્ઞાનિક સાધનો ગોઠવવામાં આવેલા છે, જે મંગળ ગ્રહ અંગે શોધસંશોધનો કરશે.

મંગળની જમીન પર આ અવકાશયાન ૧૮ મી ફેબ્રુઆરી વર્ષ ૨૦૨૧ ના રોજ ઉતરાણ કરનાર હતું. આ અવકાશયાન મંગળ ગ્રહના પુરાતન સમય દરમ્યાન મંગળ ગ્રહ પર હયાત એવા સજીવોના ચિહનો, અવશેષો અંગે તપાસ કરશે. પૃથ્વી પર પરત ફરતી વખતે તે પોતાની સાથે મંગળ ગ્રહની જમીનના ખડકો અને માટીના નમૂનાઓ લાવશે. વધારામાં જુલાઇ ૩૦, વર્ષ ૨૦૨૦ ના સમાચાર મુજબ નાસાએ ‘માર્સ ૨૦૨૦ રોવર’ અવકાશ મિશનને મંગળ ગ્રહ તરફ રવાના કરી જ દીધું છે. તે ત્યાં પુરાતન સમયની જીવસૃષ્ટિ અંગે તપાસ કરશે.

વધારામાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા ‘માર્સ ઓર્બીટર મિશન’ (એમઓએમ) અવકાશયાન મંગળ ગ્રહ તરફ મોકલવામાં આવેલું છે. આ અવકાશયાને જુલાઇ ૧, વર્ષ ૨૦૨૦ ના રોજ મંગળ ગ્રહના સૌથી નજીક રહેલા અને સૌથી મોટા કદના ઉપગ્રહ ‘ફોબોસ’ના ફોટાઓ મેળવી લીધા છે. મંગળ ગ્રહનો બીજો ઉપગ્રહ ‘ડીમોસ’ છે. આ વખતે આ અવકાશયાન મંગળ ગ્રહથી ૭૨૦૦ કિ.મી. અને ફોબોસથી ૪૨૦૦ કિ.મી. દૂર હતું. ફોબોસ પર ચાર મોટા કદના ગર્ત રહેલા છે, તેઓ પણ આ ફોટાઓમાં દેખાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top