Sports

ક્યા સુધી ક્રિકેટ નહિ રહી શકે રિષભ પંત?, ડોકટરે કહ્યું આવું….

ઉત્તરાખંડ: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને શુક્રવારે જીવલેણ અકસ્માત નડ્યો હતો. રિષભ પંતની ફૂલ સ્પીડમાં આવેલી કાર રોડ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમ કહી શકાય કે તેઓનો જીવ જતા જતા માંડ બચ્યો હતો. પંત રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. અકસ્માત બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમનાં માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી, પરંતુ હાલ તેઓની હાલત સ્થિર છે. જો કે હવે મોટો સૌથી મોટો સવાલ એ છે કે રિષભ પંત ક્યાં સુધી ક્રિકેટ રમી શકશે નહિ? આ મામલે ડોકટરોએ મહત્વનું નિવેદન આપ્યું છે.

પંતની ઈજા કેટલી ગંભીર છે, પીચ પર ક્યારે પાછો ફરશે?
રિષભ પંતને સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, ઈમરજન્સી યુનિટમાં તેઓની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે જણાવ્યું હતું કે, પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેની વધુ તપાસ કરવાની જરૂર છે. જ્યારે તેને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે પણ વાત કરી હતી. તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. તેમને માથામાં ઈજા છે પરંતુ મેં તેને ટાંકા નથી લીધા. મેં તેઓને મેક્સ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું જ્યાં પ્લાસ્ટિક સર્જન તેને જોઈ શકે.જો કે એક્સ-રે રીપોર્ટમાં કોઈ હાડકું તૂટ્યું હોય તેવુ જણાયું નથી. ઋષભ પંતના જમણા ઘૂંટણમાં ઈજા છે અને તે કેટલી ગંભીર છે તે એમઆરઆઈ અથવા આગળના ટેસ્ટ દ્વારા જાણી શકાશે. હાલમાં, ઇજાને સાજા થવામાં બે થી છ મહિનાનો સમય લાગે છે. જો આવું થાય તો પંત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અથવા તો IPLની શરૂઆતની મેચો પણ ચૂકી શકે છે. પરંતુ આ અંગે ફાઇનલ મેડીકલ રિપોર્ટ આવે તે પહેલા હજુ કંઇ કહેવું વહેલું ગણાશે.

ઘટના બાદ પંતનો પહેલો વીડિયો આવ્યો સામે
ડો. નાગરે વધુમાં જણાવ્યું હતું કે પીઠમાં ઈજા થઈ હતી કારણ કે તેણે કારમાં આગ લાગતાની સાથે જ બારી તોડીને બહાર કૂદી પડ્યો હતો. તેની પીઠ પર પડવાથી તેની ચામડીની છાલ ઉતરી ગઈ હતી પરંતુ તે આગમાં બળવાની ઈજા નથી અને તે ગંભીર પણ નથી. તેમજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુ વાયરલ થઈ રહ્યો છે જેમાં પંત પોતે ઘટના પછી ઉભો જોવા મળી રહ્યો છે. તે ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી રહ્યો છે. બીજી તરફ, દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દિશાંત યાજ્ઞિકે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક નિષ્ણાતો અને પ્લાસ્ટિક સર્જનોની ટીમ દ્વારા પંતની દેખરેખ કરવામાં આવી રહી છે. તેમની સ્થિતિ અંગે ટૂંક સમયમાં મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. નોંધપાત્ર રીતે, પંતને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે કારણ કે તેઓ ફેબ્રુઆરીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ પ્રોગ્રામ માટે NCAમાં જોડાવાનાં છે. તેમણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. પંતે મીરપુર ખાતેની બીજી ટેસ્ટમાં 93 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

NCA ચીફ પંતના અકસ્માતથી ચિંતિત
હરિદ્વારના એસએસપી અજય સિંહે તેમની સ્થિતિ વિશે જણાવ્યું કે, હરિદ્વાર જિલ્લાના મેંગલોરમાં પંતનો અકસ્માત થયો હતો. સવારે 5.30 વાગ્યે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેમને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ એનસીએ ચીફ વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને પંતના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ લખ્યું કે, ઋષભ પંત માટે પ્રાર્થના. સદનસીબે તે ખતરાની બહાર છે. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. DDCA સેક્રેટરી સિદ્ધાર્થ સાહિબ સિંહે ઘટના બાદ એક નિવેદનમાં કહ્યું કે અમે બધા ચિંતિત છીએ પરંતુ સદનસીબે તેમની હાલત સ્થિર છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ. બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તેમની સરકાર પંતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. ધામીએ અધિકારીઓ પાસેથી પંતની સ્થિતિ વિશે નવીનતમ માહિતી લીધી અને તેમની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા કહ્યું. પંતે અત્યાર સુધી 33 ટેસ્ટમાં પાંચ સદી અને 11 અડધી સદીની મદદથી 2,271 રન બનાવ્યા છે. તેણે 30 વનડે અને 66 ટી-ટ્વેન્ટીમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

Most Popular

To Top