Editorial

સોના-ચાંદીના ભાવ વધીને ક્યાં સુધી પહોંચશે?

છેલ્લા કેટલાયે દિવસોથી સોના-ચાંદીના ભાવો સતત વધી રહ્યા છે. સોનાની કિંમતો રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે પ્રતિ દસ ગ્રામ રૂ. ૩૫૦ વધીને રૂ. ૮૧૦૦૦ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી હતી જ્યારે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ. ૧૫૦૦ ઉછળીને રૂ. ૧૦૦૦૦૦ની વિક્રમી અને મનોવૈજ્ઞાનિક સપાટીને વટાવી ગયો હતો અને દેશના કેટલાક ભાગોમાં તો આ પહેલા જ ચાંદીનો ભાવ રૂ. એક લાખને વટાવી ગયો હતો. સોના અને ચાંદીના સતત વધતા ભાવો જેમની પાસે અગાઉથી આ કિંમતી ધાતુઓ સારા પ્રમાણમાં છે તેમને ગલગલિયા કરાવી રહ્યા છે તો જેમને નવી ખરીદી કરવાની જરૂર છે, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને, કે જેમને ઘરમાં લગ્ન પ્રસંગ જેવા કોઇ પ્રસંગ માટે સોના અને ચાંદીના ઘરેણાઓ વગેરેની ખરીદી કરવાની જરૂર છે તેમને ચિંતા કરાવી રહ્યા છે.

સતત પાંચમા દિવસે પોતાની ઉપર તરફની ગતિ જાળવી રાખતા ચાંદીની કિંમત રૂ. ૧૫૦૦ પ્રતિ કિલોગ્રામ ઉછળીને રૂ. ૧.૦૧ લાખ પ્રતિ કિલોની નવી સપાટીએ પહોંચી હતી, જે આ પહેલા સોમવારે રૂ. ૯૯પ૦૦ પર બંધ રહી હતી. ચાંદીનો વર્તમાન ભાવવધારો એ તહેવારોની ખરીદી ઉપરાંત વધેલી ઔદ્યોગિક માગથી પણ દોરવાયેલો છે. ઇલેકટ્રિક વાહનોના સેકટર, ફોટોવોલ્ટેઇક એપ્લિકેશનો વગેરે માટે તેની માગ વધી છે. આ ઉપરાંત ઝવેરાત અને વસ્ત્રો માટે પણ ચાંદીની માગમાં ખાસ કરીને તહેવારોની સિઝનમાં વધારો દેખાય છે.

સોનાના પ્રમાણમાં ચાંદીની માંગ સામાન્ય રીતે ઓછી રહે છે. જો કે સોના કરતા ચાંદી વધુ ઉપયોગી ધાતુ છે. તે ફક્ત ઘરેણાઓમાં જ નહીં પણ બીજી અનેક વસ્તુઓમાં વપરાય છે. વસ્ત્રોમાં પણ ચાંદીના તારનો ઉપયોગ થાય છે. કેટલાક પ્રકારના ઇલેકટ્રીક સાધનોમાં પણ તેનો ઉપયોગ થાય છે. હાલમાં ઇલેકટ્રીક વાહનોના વધેલા વપરાશને કારણે ચાંદીનો વપરાશ પણ વધ્યો છે. ઉપરાંત ઝવેરાત માટે તો તેની જરૂર રહે જ છે. સોનુ અને ચાંદી, ખાસ કરીને સોનુ રોકાણ માટેની અગત્યની અસક્યામતો પણ ગણાય છે અને વિપરીત વૈશ્વિક સંજોગો હોય ત્યારે તેમના ભાવ ઉંચા જાય જ છે.

હાલમાં વિશ્વમાં અનેક મોરચે  તનાવ છે ત્યારે સોના-ચાંદીનો આ ભાવવધારો, ખાસ કરીને સોનાની કિંમતમાં વધારો એ વૈશ્વિક આર્થિક પ્રવાહોથી પણ દોરાયેલો જણાય છે. ચીનમાં વિકાસની ચિંતાઓ, ૫શ્ચિમ એશિયાના ભૂરાજકીય તનાવો અને મોટા ભાગની વૈશ્વિક મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજના દરોમાં રખાયેલી યથાવત સ્થિતિ વગેરેને કારણે પણ સોનાના ભાવો વધ્યા હોવાનું જણાય છે. મુશ્કેલ આર્થિક સંજોગો દરમ્યાન, રોકાણકારો સલામત અસક્યામત ગણાતા સોનામાં રોકાણ કરવા તરફ વળે છે તેથી તેની કિંમત વધે છે.

સોના ચાંદીના ભાવોની આ ઉર્ધ્વ ગતિએ રોકાણકારોને તેમની વ્યૂહરચનાનું પુનઃમૂલ્યાંકન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, ખાસ કરીને વૈશ્વિક અશાંતિ વચ્ચે સોનાની સેફ-હેવન અપીલ તેજસ્વી રીતે ચમકી રહી છે. સોનાના ભાવો વધવાનું એક કારણ કેટલીક વૈશ્વિક મધ્યસ્થ બેંકો દ્વારા તેમના દર કાપની બાબતમાં અચોક્કસ સ્થિત પણ જણાય છે. આગામી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીએ પણ બજારની અસ્થિરતામાં વધારો કર્યો છે, રોકાણકારોએ સોનામાં રોકાણ કરવાનું સલામત સમજ્યું છે કારણ કે ચૂંટણીના પરિણામોની આસપાસની અનિશ્ચિતતાઓ વધી રહી છે.

ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ચુસ્ત રેસમાં વ્યસ્ત હોવાથી રોકાણકારો વૈશ્વિક બજારો પર સંભવિત અસરથી સાવચેત છે. ભારતમાં તો તહેવારો અને લગ્નની મોસમની માંગે વૈશ્વિક સંકેતો સાથે મળીને સોનાના ભાવને અભૂતપૂર્વ સ્તરે ધકેલી દીધા છે. તહેવારોની માંગને પહોંચી વળવા સ્થાનિક જ્વેલર્સની વધેલી ખરીદીએ ભાવમાં વધારો કર્યો છે. અને તહેવારોની સિઝન પુરી થાય પછી લગ્ન ગાળો આવશે અને તેને કારણે પણ સોનાની માગ ઉંચી રહી શકે છે. સોનુ અને ચાંદી એ કિંમતી ધાતુઓ છે.

આમ તો પ્લેટિનમ ખૂબ જ મોંઘી ધાતુ છે પણ સામાન્ય લોકોને તેમાં રસ નથી. સદીઓથી સોનું અને ચાંદી માનવ જાતને આકર્ષિક કરતું આવ્યું છે. ભારત સહિતના અનેક એશિયાઇ દેશોમાં સોનું એ કૌટુંબિક દરજ્જાનો એક માપદંડ પણ ગણાય છે. ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં સોનું એ અનેક મધ્યમ અને ગરીબ વર્ગના કુટુંબો માટે સંકટ સમયની સાંકળ પણ ગણાય છે. અચાનક કોઇ મોટા ખર્ચા આવી પડે તો આવા કુટુંબો પોતાની પાસે સોનુ હોય તે વેચીને જ કામ ચલાવે છે.

સરકાર અને બેંકો માટે જ નહીં પણ નીચલા મધ્યમ વર્ગથી માંડીને અતિ ધનિકો સુધીનાઓ માટે સોનુ઼ એક રોકાણનું સાધન મનાય છે. જો કે હવે સોનાનું નવુ ઉત્પાદન ઘણુ ઓછુ થઇ ગયું છે. દુનિયામાં સોનાની ઘણી ખાણો વસૂકી ગઇ છે જેની સામે સોનાનો વપરાશ ઘટ્યો નથી. ચાંદીમાં પણ ઉત્પાદનની સામે વપરાશ ઘણો વધારે જણાય છે. આથી સોના ચાંદીના ભાવ જ્યાં સુધી આ ધાતુઓ પ્રત્યે લોકોનું આકર્ષણ ઘટે નહીં ત્યાં સુધી વધતા જ રહે તેવી શક્યતા જણાય છે. વેચવાલીને કારણે વચ્ચે થોડોમ સમય ભાવ ઘટે પણ ખરા, પરંતુ તે વધવાનો ટ્રેન્ડ એકંદરે લાંબા સમય સુધી ચાલુ રાખશે એમ
જણાય છે.

Most Popular

To Top