વધતી ઉંમર સાથે જીવન જીવવાનું બળ ઘટે તો આત્મવિશ્વાસ મજબૂત અને આશા અમર રહેવી જોઈએ પણ કંઈ કેટલા પ્રશ્નો એ સતાવે છે કે શું સામાન્ય કહેવાય અને શું અસામાન્ય? કઈ રીતે ઓળખીએ? ક્યાં ચિહ્નો ચિંતાજનક છે અને ક્યાં નહીં? ક્યારેક જૂના મિત્રનું નામ ભૂલી જવું એ સામાન્ય છે, યાદશક્તિમાં ફેરફારને કારણે. એ જ રીતે ગાડીની ચાવી ભૂલી ગયા એ સામાન્ય, પરંતુ ગાડી ચલાવવાનું ભૂલી ગયા તો એ ગંભીર બાબત છે. એટલે આમ સહેજે પ્રશ્ન થાય કે જે બદલાવ છે એ સામાન્ય છે કે પછી ઉંમર વધવાની સાથે થાય છે અને સ્વીકાર્ય છે, કે પછી ખરેખર ગંભીર છે? કે જેના માટે નિષ્ણાંત તબીબની સારવાર કે અભિપ્રાય લેવો આવશ્યક છે. વાચકો અચૂક પ્રશ્ન કરે કે કેવી રીતે સમજુ કે આ મેડિકલ દૃષ્ટિકોણથી સ્વીકાર્ય છે કે નહીં અને એમને તબીબ પાસે લઈ જાઉં કે નહીં.

હાર્વર્ડ એક મજેદાર વાત જણાવે છે કે થોડુંક નાનું ન્યુરોલોજીકલ એટલે કે તમારા ચેતાતંત્ર અને તમારા મગજને સંબંધી થોડું ઘણું પરીક્ષણ તો દર્દી પોતે પણ કરી શકવો જોઈએ, તો આ ચિહ્નોને આપણે કઈ રીતે પારખીશું અને કદાચ કોઈક રોજિંદા જીવનમાં થતાં કાર્ય વિશે પણ ભૂલી જાવ તો એને કેવી રીતે ઓળખીશું, એ વિશે જોઈએ તો;
1) આગળ જણાવ્યું એમ તમને તમારી બાઇક કે કારની ચાવી નથી મળી રહી તો એ સ્વીકાર્ય બાબત છે પરંતુ જો તમે બાઇક કે કાર ચલાવવાનું ભૂલી જાવ છો તો એ એક ગંભીર બાબત છે.
2) તમારે જ્યારે ઘોંઘાટ થતો હોય કે આજુબાજુમાં ખૂબ જ બિનઆરામદાયક વાતાવરણ હોય તો કોઈ પણ પ્રકારના સંવાદ કે કાર્ય કરતી વખતે વધુ ધ્યાન આપવું પડે તો એ સ્વીકાર્ય છે પરંતુ હા, જો તમે આ ઘોંઘાટને કારણે કે તમારી આસપાસ થતા નાનામોટા ઘટનાક્રમને કારણે તમે એ સંવાદ કે પછી જેતે વાતચીતનું બિલકુલ જ અનુસરણ કરી નથી શકતા કે અમલમાં મૂકી નથી શકતા તો એ તમારા માટે વિચારવાની ગંભીર બાબત છે.
3) તમે તમારા જીવનસાથી જોડે કે તમારા પરિવારના સભ્યો જોડે કોઈ પણ દલીલ દરમિયાન નાની નાની વાતોમાં ગુસ્સો વધુ સરળતાથી કરી નાખતા હોવ છો કે વધુ સરળતાથી તમે મન પરનો કાબૂ ગુમાવી દેતા હો છો તો એ એક રીતે સ્વીકારીએ પરંતુ જો તમે તમારા કુટુંબીજનો કે જીવનસાથી પર વારંવાર કોઈ પણ કારણો વિના ચીસો પાડો છો, જોરથી બોલો છો અને પુષ્કળ ગુસ્સો કરતા હોવ તો એ ગંભીર બાબત છે.
4) તમે સમય સમય પર કદાચ એવું બને કે ઘરની ચાવીઓ કોઈક એવી જગ્યાએ મૂકી દો છો કે તમને મળતી નથી, ખોટી રીતે મૂકો છો તો એ સ્વીકાર્ય છે પરંતુ તમે હંમેશાં તમારી ચાવીઓ કે અન્ય રોજિંદી વસ્તુઓ જે તમે ભૂલી જાવ છો એવું તમને લાગે છે અને તમે એ વિચિત્ર સ્થળોએ જેમ કે ફ્રિજ વગેરેમાં મૂકી દો છો તો એ ગંભીર બાબત છે.
5) તમે ગઈકાલે રાત્રે ભોજનમાં શું ખાધું એ ભૂલી જાવ છો પરંતુ કોઈ તમને સંકેત આપે કે તરત જ તમને યાદ આવે તો એ સ્વીકાર્ય છે પરંતુ, તમે ગઈકાલે રાત્રે શું ખાવાનું ખાધું એ ભૂલી જાઓ અને કોઈ તમને યાદ કરાવે છતાં તમારી યાદશક્તિ યાદ ના કરી શકતી હોય તો એ તમારા માટે ગંભીર પ્રશ્ન છે.
6) તમે કયા રેસ્ટોરન્ટમાં જમવા માટે જશો એ તમારા માટે નક્કી કરવું મુશ્કેલ હોય અને કોઈ પણ રીતે તમે આખરે એની પસંદગી કરી લો છો તે સ્વીકાર્ય છે પરંતુ શું ખાવું, શું પહેરવું અને શું પસંદ કરવું અને અન્ય દૈનિક નિર્ણયો લેવામાં જો તમને અતિશય મુશ્કેલી પડે અને તમારા માટે એ અશક્ય હોય તો આ એક ગંભીર બાબત છે.
7) તમે પહેલાં કરતાં થોડી ધીમી ગાડી ચલાવો છો તો એ સ્વીકાર્ય છે પરંતુ તમે પ્રતિક્રિયા આપવા માટે ખૂબ જ ધીમા છો અને તમે વારંવાર સિગ્નલ કે પછી રસ્તા પર દર્શાવેલ ચિહ્નો અનુસરવાનું ચૂકી જાઓ છો તો તમારા માટે ગંભીર બાબત છે.
8) ફોનનો જવાબ આપવામાં તમને થોડો વધુ સમય લાગે છે તો એ સ્વીકાર્ય છે પરંતુ ફોન ક્યારે અને ક્યાં વાગી રહ્યો છે તે તમે ઓળખતા નથી અને તમારે તેનો જવાબ આપવાની જરૂર છે એવું તમને નથી સમજાતું તો એ તમારા માટે એક ગંભીર બાબત છે.
9) તમારે ક્યારેક શબ્દોને શોધવા પડતા હોય છે તે સ્વીકાર્ય છે પરંતુ તમે ખોટા શબ્દોનો ઉપયોગ કરવા લાગો જેમ કે ટેબલને બદલે સ્ટવ તો તમારા માટે ગંભીર બાબત છે.
10) કાર્ય કરવાના સ્થળે તમામ કાર્યો પૂર્ણ કરવામાં તમને સામાન્ય કરતાં થોડો વધુ સમય લાગતો હોય તો એ સ્વીકાર્ય છે કેમ કે તમે કંઈ પણ રીતે પૂર્ણ તો કરી શકો છો પરંતુ, તમે જવાબદારીઓ નિભાવવામાં સંઘર્ષ કરો છો અને તમામ પગલાંઓ અને સૂચનાઓને અનુસરવામાં મુશ્કેલી અનુભવો છો ત્યારે એ ગંભીર બાબત છે.
સાર એટલો જ કે હંમેશાં તમારે આવી કોઈ પણ ગંભીર ઘટના બને કે તરત તમારા તબીબને કન્સલ્ટ કરવું હિતાવહ છે. ભારતમાં ચલણ ઓછું છે પણ જેમ બાળકોના તબીબ હોય એમ વૃદ્ધો માટે પણ સ્પેશ્યાલિસ્ટ તબીબ હોય છે. જેમને જીરીઆટ્રીશ્યન કહેવાય છે, એમની સલાહ સૌથી ઉચિત!
ઇત્તેફાક્ :
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે,
સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં.
– અદમ ટંકારવી