વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી ‘યુનિફોર્મ સિવિલ કોડ’[UCC]ની વાત કરી છે અને તેથી આઝાદી સમયથી ચાલ્યો આવતો આ મુદ્દા વિશે ફરી ચર્ચા થઈ રહી છે. ‘યુનિફોર્મ સિવિલ કોડ’નો અર્થ થાય છે કે દેશમાં રહેનારા દરેક નાગરિક માટે સમાન કાયદો અમલી બને. જો આ કાયદો લાગુ થાય છે તો લગ્ન, છૂટાછેડા, બાળકોને દત્તક લેવા અને વારસાથી જોડાયેલા તમામ મુદ્દાઓ અંગે દરેક ભારતીયો માટે એક જેવાં નિયમ હશે. ‘યુનિફોર્મ સિવિલ કોડ’લાગુ થવો જોઈએ તેવી નોંધ બંધારણમાં પણ કરવામાં આવી છે. હાલમાં હિંદુ, મુસ્લિમ માટે અલગ-અલગ પર્સનલ લૉ છે. આ ‘યુસીસી’વિશે મતમતાંતર દાયકાઓથી ચાલતો આવ્યો છે. 6 વર્ષ પહેલાં પણ કેન્દ્રની ભાજપ સરકારે‘યુનિફોર્મ સિવિલ કોડ’નું જોરશોરથી સમર્થન અંગે ચર્ચા ચલાવી હતી. તત્કાલિન કેન્દ્ર સરકાર દ્વારા લૉ કમિશનને એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું કે ‘યુનિફોર્મ સિવિલ કોડ’ના દરેક પાસાંનો અભ્યાસ કરે. જોકે તે પછી તેની ચર્ચા શમી ગઈ હતી.
‘યુનિફોર્મ સિવિલ કોડ’લાગુ થશે તો તેના અમલની અસર દેશના ખૂણે-ખૂણે પહોંચશે, અને તેથી તે વિશેના અલગ-અલગ વિચારો પણ વ્યક્ત થઈ રહ્યા છે. ખાસ કરીને દેશની વિવિધતાને લઈને અલગ-અલગ કાયદા હોવા જોઈએ તે દલીલ સર્વત્ર થઈ રહી છે. કારણ કે દેશમાં વિવિધતા માત્ર વિવિધ ધર્મ પૂરતી જ નથી, પરંતુ ધર્મ ઉપરાંત અલગ-અલગ ક્ષેત્ર અને સમાજ આધારે સૌમાં ખાસ્સો ભેદ છે. ‘UCC’વિશે જે પાયાની વાત દેશના જાણીતા કાયદા વિશેષજ્ઞ ફૈઝાન મુસ્તફા મૂકે છે કે, “આપણી કોડ ઑફ સિવિલ પ્રોસિજર એક છે.
ટ્રાન્સફર ઑફ પ્રોપર્ટી એક્ટ, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, સેલ ઑફ ગુડ્સ જેવાં કોડ સૌ માટે એક જ છે. એટલે કે 90 ટકા સિવિલ મેટર એક છે. એટલે કે આ બધી બાબતોમાં પહેલેથી જ દેશમાં સિવિલ કોડ છે. એટલે કે તે કોઈ પણ ધર્મ કે સમાજ પર લાગુ થાય છે. તમારી જે પર્સનલ મેટર્સ છે કે તમે કોની સાથે લગ્ન કર્યા છે, છૂટાછેડા આપ્યા છે, તમારા મૃત્યુ પછી તમારી પ્રોપર્ટીના કેવી રીતે ભાગ પડ્યા કે પછી વસિયતના મુદ્દાને વ્યક્તિગત માનવામાં આવ્યા. જોકે આ મુદ્દાઓ માટે પણ એક ‘યુનિફોર્મ સિવિલ કોડ’બનાવવામાં આવ્યો જેનું નામ છે, ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’. અને કેમ કે આઝાદી પહેલાં બંધારણ સભામાં આ વાત વારંવાર ચર્ચાઈ હતી.
અને તે વખતે સારો એવો વિરોધનો સૂર રહ્યો હતો. અને તે વખતે ‘યુનિફોર્મ સિવિલ કોડ’મૌલિક અધિકારનો ભાગ બને કે નીતિ નિર્દેશક તત્વોનો તે માટે ખૂબ તર્કવિતર્ક થયા, અને છેલ્લે તે નિર્ણય 4-5ના મતોથી થયો. એક જ વોટથી આ નિર્ણય આવ્યો. આ કમિટિના અધ્યક્ષ સરદાર પટેલ હતા. જ્યારે આ વિષય પર ચર્ચા થઈ ત્યારે બાબાસાહેબ આંબેડકરે કહ્યું કે, અનુચ્છેદ 44નો અર્થ એટલો જ છે કે રાજ્ય પ્રયાસ કરશે કે એક યુનિફોર્મ સિવિલ કોડ ‘બનવો’જોઈએ. એવું ક્યાંય નથી કે રાજ્ય તેને ‘લાગુ’કરશે. અને તે રાજ્ય અનિયંત્રિત કહેવાશે જ્યારે તે લોકોના વિરુદ્ધ કાયદો લાગુ પાડશે.”
‘UCC’ના સંદર્ભે ફૈઝાન મુસ્તફા એ વાત મૂકે છે કે,“વ્યક્તિનો રાજ્ય સાથેનો સીધો સંબંધ શો છે? તો વ્યક્તિને એક સ્વાયત્તતા મળવી જોઈએ, જેથી તેના વ્યક્તિગત મુદ્દા છે એટલે કે હું જો કોઈ સાથે લિવ-ઇન-રિલેનશિપમાં રહું છું. હું લગ્ન નથી કરવા માંગતો, પણ યુવતી સાથે રહેવા ઇચ્છું છું. રાજ્યનો એવો કોઈ અધિકાર નથી કે તે મને કહે કે હું કેમ આટલું અનૈતિક કામ કરું છું. આ ઉપરાંત જો સેક્યુઅલ ઓરિએન્ટેશન લઈને કોઈ વ્યક્તિમાં ભેદ છે. જેમ કે, બે યુવાન સાથે રહેવા ઇચ્છે છે, તો રાજ્યનો તેની સાથે કોઈ સંબંધ નથી. મતલબ કે આ પૂરો મુદ્દો વ્યક્તિગત સ્વાયત્તતા અંગેનો પણ છે.
હવે જે ‘યુનિફોર્મ સિવિલ કોડ’છે તે આપણા દેશમાં વૈકલ્પિક રીતે મોજૂદ છે, 90% બાબતોમાં તે છે જ, તો શું આપણે આપણા નાગરિકના ન્યાયી વ્યવસ્થાથી સંતુષ્ટ છીએ? આપણે ત્યાં કેસ પૂરા થવામાં 50-60 વર્ષ લાગી જાય તેવો તો હજારો દાખલાઓ છે.” ફૈઝાન મુસ્તફાએ આ ચર્ચા 6 વર્ષ પહેલાં ‘NDTV’માં રવિશકુમારના કાર્યક્રમમાં કરી હતી. હવે જ્યારે ‘યુનિફોર્મ સિવિલ કોડ’લાગુ કરવાની વાત આવે છે ત્યારે સરકાર તે અંગેનો પોતાનો પક્ષ કે બ્લ્યુપ્રિન્ટ મૂકતી નથી. દેશમાં હિંદુ બહુમતિ છે તો શું ‘હિંદુ કોડ બિલ’ને આદર્શ તરીકે જોઈએ તે રીતે તે વિશેની ચર્ચા થઈ શકે?
ફૈઝાન કહે છે કે, “જ્યારે હિંદુ કોડ બિલ આવ્યું ત્યારે હિંદુ કટ્ટર જમણેરી પક્ષકારોએ તેનો જોરશોરથી વિરોધ કર્યો હતો. અને પછી તે બિલના ત્રણ હિસ્સા કરવા પડ્યા. એક સમયે તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પણ તેના વિરોધમાં રહ્યા. પરિણામે, ‘હિંદુ કોડ બિલ’માં ખૂબ બધા સમાધાન કરવામાં આવ્યા છે. એટલે જો તમે આજે ‘મુસ્લિમ પર્સનલ લો’નું કોડિફીકેશન કરવા ઇચ્છો છો તો 1955માં સરકાર દ્વારા ‘હિંદુ પર્સનલ લો’માં જે કન્સેશન કટ્ટર જમણેરી પક્ષકારોને આપ્યા હતા, તો મુસ્લિમોને પણ તે રીતે કન્સેશન મળવું જોઈએ.
આ પછી રવિશકુમાર પુછે છે કે હિંદુ કોડ બિલ તે તમામ રાજ્યો અને સમાજ પર એક સમાન રીતે લાગુ છે કે તેમાં પણ અપવાદ છે? ફૈઝાન કહે છે કે, “આપણા દેશમાં વ્યક્તિગત બાબતોના મુદ્દે જે અલગ-અલગ કાયદા છે. તે એ માટે નથી કે તેમનો ધર્મ વેગળો છે. તે માટે છે કે તેઓ અલગ-અલગ રાજ્યોમાં રહે છે. એટલે કે જે ગોવામાં હિંદુ રહે છે, તેના પર હિંદુ મેરેજ એક્ટ નથી લાગતો. ત્યાં સ્પેશિયલ મેરેજ એક્ટ પણ લાગુ પડતો નથી. ગોવા જ એવું રાજ્ય છે જ્યાં હિંદુ બે લગ્ન કરી શકે છે. જે પોન્ડિચેરીમાં રહે છે તેના પર હજુ પણ ફ્રેન્ચ કાયદા લાગુ પડે છે.
હૈદરાબાદમાં હું ત્રણ એવાં લગ્નમાં જઈ ચૂક્યો છું, જ્યાં યુવતીનું લગ્ન થઈ રહ્યું છે તે તેના સગા મામા સાથે. જ્યારે હિંદુ એક્ટ એવું કહે છે કે વધુ અને વર પોતાના પિતાના તરફથી 7 પેઢીઓ સુધી અને માતા તરફથી 5 પેઢીઓ સુધી એકબીજા સાથે સંબંધિત ન હોય. પરંતુ હૈદરાબાદ અને ચેન્નઈમાં આવું થાય છે. એ રીતે જે મુસ્લિમ લો પંજાબમાં છે અને જે મુસ્લિમ લો કાશ્મીરમાં છે તે અલગ છે. અને મુસ્લિમ લો ઉત્તર પ્રદેશમાં છે તે વેગળો છે. એક સમુદાય માટે પણ એક લૉ આપણે નથી બનાવી શક્યા. તો તમામ ધર્મ માટે એક યુનિફોર્મ સિવિલ કોડ બનાવી નાંખવો તે પ્રેક્ટિકલ નથી. હવે આ અંગ્રેજોની ભૂલ હતી કે તેમણે એવું વિચાર્યું કે દેશના તમામ હિંદુ એ એક સમાજ છે અને દેશના તમામ મુસલમાન એકસરીખા છે. મુસલમાનોમાં પણ મેમન અને ખોજા છે, જે વિષ્ણુના દસ અવતારોમાં વિશ્વાસ કરે છે.”
મુસલમાન સિવાય દેશના અન્ય ધર્મના પણ પોતાના પર્સનલ લો છે કે નહીં? તે વિશે ફૈઝાન કહે છે કે ખ્રિસ્તીઓ માટે અલગ ખ્રિસ્તી એક્ટ છે. પારસી માટે પારસી એક્ટ છે. હિંદુ પર્સનલ લોમાં શિખ, જૈન અને બૌદ્ધને સમાવવામાં આવ્યા છે. જૈન પોતાને એક અલગ અલ્પસંખ્યક માને છે, હવે તેમને તે દરજ્જો મળી પણ ચૂક્યો છે. શિખ અને જૈનો પર હિંદુ લૉ જ લાગુ પડે છે. અત્યારે BJP સરકાર ‘UCC’લાવવા પ્રયાસ કરી રહી છે અને તેનાથી એવું માનવામાં આવે છે કે મુસ્લિમ સમાજ પર સૌથી વધુ અસર થશે, પરંતુ હિંદુઓના સમાજ પણ તેનાથી પ્રભાવિત થશે.
જેમ કે અત્યારે હિંદુઓ બાળકો દત્તક લઈ શકે છે, પણ મુસ્લિમ કાયદા મુજબ તે દત્તક ન લઈ શકાય. જોકે સ્પેશિયલ મેરેજ એક્ટની જેમ જુવેનાઇલ એક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ દત્તક લઈ શકે. આ રીતે આ બધી બાબતો એટલી અટપટી છે કે સરકાર ખુદ તેમાં કશુંય ઠોસ ન કહી શકે. આ સ્થિતિમાં આ કાયદાને લાગુ કરવાની સીધી વાત થાય તે કેટલે અંશે યોગ્ય છે. જાગ્રત નાગરિક તરીકે આ આપણે વિચારવું રહ્યું.