ગુજરાતમાં જ્યાં લોકો આયુષ્માન કાર્ડ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે, ત્યાં ભરુચ જિલ્લાના Ankleshwarમાં કચરાના ઢગલામાંથી હજારો કાર્ડ મળી આવતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરના ગીચ વિસ્તાર Ansar Market નજીક કચરામાં બિનવારસી હાલતમાં મોટા પ્રમાણમાં આયુષ્માન કાર્ડ મળ્યા હતા. આ ઘટના સામે આવતા જ અનેક સવાલો ઉભા થયા છે, આ કાર્ડ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? અને કોણે તેમને કચરામાં ફેંક્યા?ઘટનાની જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર Dr. Sushant Kothalawalaએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર મોકલી હતી. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં કાર્ડ કબ્જે લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે.
મહત્વની વાત એ છે કે ભરૂચ અને Surat જિલ્લામાં અગાઉ પણ આયુષ્માન કાર્ડના ગેરવપરાશના કેસ સામે આવ્યા છે. તેથી આ ઘટના પાછળ કોઈ ગેરરીતિ અથવા કૌભાંડ હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. તપાસ એ દિશામાં પણ આગળ વધારવામાં આવી રહી છે કે શું કોઈ હોસ્પિટલ અથવા એજન્સી દ્વારા પુરાવા નાશ કરવા માટે આ કાર્ડ ફેંકવામાં આવ્યા હતા? આવા અનેક પ્રશ્નો હજી અણઉકેલ્યા છે. હાલ આરોગ્ય વિભાગ કાર્ડમાં રહેલા ડેટાના આધારે તેની મૂળ માહિતી શોધી રહ્યું છે, જેથી જાણવા મળે કે આ કાર્ડ કોના છે અને તે અહીં કેવી રીતે પહોંચ્યા હશે. આ ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં ચિંતા ઊભી કરી છે. લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ મોટી બેદરકારી પાછળ કોણ જવાબદાર છે.