નવી દિલ્હી: રશિયાથી (Russia) ગુજરાત (Gujarat) આવતા ઓઈલ ટેન્કર જહાજ પર યમનના હુથી વિદ્રોહીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સમુદ્રમાં (Red Sea) મિસાઈલોથી કરવામાં આવ્યો હતો. તેમજ ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના (Houthi rebels) આતંકવાદી સંગઠને શનિવારે આ હુમલાની (Attacks) જવાબદારી લીધી હતી. આ સાથે જ તેમણે નિવેદન પણ જાહેર કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં એન્ડ્રોમેડા સ્ટાર ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો કર્યો હતો. તેમજ હુથિઓએ એક નિવેદનમાં શનિવારે જણાવ્યું હતું કે ગાઝામાં ઇઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં લાલ સમુદ્રમાં તેમના હુમલાઓ ચાલુ જ રહેશે. તેમજ તેઓ ઈઝરાયેલ, અમેરિકા અને બ્રિટનના કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી રહ્યા છે.
હુથી વિદ્રોહીઓના પ્રવક્તા યાહ્યા સરિયાએ સમગ્ર મામલે જણાવ્યું હતું પનામા-ધ્વજવાળું જહાજ બ્રિટિશ માલિકીનું હતું, તેથી તેના પર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બ્રિટિશ મેરીટાઇમ સિક્યુરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું હતું કે હુમલામાં જહાજને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ LSEG ડેટા અને એમ્બ્રે અનુસાર, શિપિંગ ડેટા દર્શાવે છે કે આ જહાજને તાજેતરમાં જ વેચવામાં આવ્યું હતું અને તેનો વર્તમાન માલિક સેશેલ્સમાં છે. આ ટેન્કર રશિયા સાથે વ્યવસાય માટે જોડાયેલું હતું. તેમજ જહાજમાં ક્રુડ ઓઇલ હોવાનું સામે આવ્યું હતું. આ જહાજ રશિયાના પ્રિમોર્સ્કથી ભારતના ગુજરાત રાજ્યમાં વાડીનાર જઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો.
નવેમ્બરથી હુથીઓ હુમલાઓ ચાલુ છે
છેલ્લા કેટલાક દિવસોમાં, ઇઝરાયલ, અમેરિકા અને બ્રિટનના જહાજો પર હુથીઓના હુમલામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર હુથિઓ તેમના હુમલાઓને વધુ તીવ્ર બનાવતા જણાય છે. હુથિઓએ શુક્રવારે એમ પણ કહ્યું હતું કે તેઓએ યમનના સાદા પ્રાંતની એરસ્પેસમાં અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડ્યું હતું.
યમનના મોટા ભાગોને નિયંત્રિત કરતા હુથી બળવાખોરોએ નવેમ્બરથી લાલ સમુદ્ર, બાબ અલમંડાબ સ્ટ્રેટ અને એડનના અખાતમાં વ્યાવસાયિક જહાજો પર વારંવાર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કર્યા હતા. તેમજ હમાસને ટેકો આપવા માટે શરૂવાતમાં હુથીઓએ ફક્ત ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજો પર હુમલા શરૂ કર્યા હતા. આ પછી, હુથીઓએ અમેરિકા અને બ્રિટનના જહાજોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.