બ્રિટન: બ્રિટન(Britain)માં આજે તેના નોંધાયેલા ઇતિહાસનો સૌથી ગરમ દિવસ(Hot Day) નોંધાયો હતો જ્યારે ઇંગ્લેન્ડ(England)માં તાપમાન 38 ડીગ્રી સુધી પહોંચ્યુ હતું અને ત્યાં તાપમાન 43 ડીગ્રી સુધી પહોંચી શકે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. યુકે(UK) હેલ્થ સિક્યુરિટી એજન્સી દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે યુકેમાં મંગળવારે હીટ વેવ વધુ ઉગ્ર બની શકે છે.
- લ્યુટન એરપોર્ટ પર સપાટી પીગળતા રન-વે બંધ, અનેક શાળાઓમાં રજા આપી દેવાઇ
- ઇંગ્લેન્ડમાં તાપમાન ૩૮ ડીગ્રી પર પહોંચ્યું, આજે ૪૩ પર પહોંચવાની આગાહી
- કાળઝાળ ગરમીમાં શેકાતું યુરોપ: ઠેર ઠેર સળગતા દાવાનળ, સ્પેનમાં બેનાં મોત
યુકેના ઇંગ્લેન્ડના વિસ્તાર માટે અત્યાર સુધીનું પ્રથમ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં આવેલ લંડન શહેર, આફ્રિકાના બહામાસ, જમૈકા જેવા દેશો કરતા પણ વધુ ગરમી અનુભવે તેવી શક્યતા છે. લંડનમાં આજે પણ રેલવેની અંધાધૂંધી સર્જાઇ હતી. જેમાં અનેક ઓવરગ્રાઉન્ડ અને અંડરગ્રાઉન્ડ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. લ્યુટન એરપોર્ટના રન-વે પર સખત ગરમીને કારણે સપાટી પીગળતી હોય તેવો અનુભવ થતા આ રન-વે બંધ કરી દેવો પડ્યો હતો તથા અનેક ફ્લાઇટો રદ કરવી પડી હતી. અનેક સખત ગરમીને કારણે શાળાઓ બંધ કરી દેવી પડી હતી.
બાલ્કન પ્રદેશના જંગલોમાં પણ છૂટીછવાઇ આગના અહેવાલો
યુરોપ(Europ)માં દિવસોથી ચાલી રહેલું કાળઝાળ ગરમીનું મોજું આજે પણ ચાલુ જ રહ્યું હતું બલ્કે વધુ તીવ્ર બનેલું જણાતુ હતું જે આજે ઉત્તરમાં આગળ વધીને બ્રિટન સુધી પહોંચેલું જણાતું હતું. સખત ગરમી વચ્ચે યુરોપના અનેક દેશોનાં જંગલોમાં સળગતી આગને ઠારવા માટે આજે પણ ફાયર ફાઇટરો ઝઝૂમી રહ્યા હતા. સૂકાભઠ જંગલોમાં સખત ગરમી વચ્ચે અનેક સ્થળે આગ સળગી રહી છે. સ્પેનમાં દાવાનળમાં દાઝીને બેનાં મોત નિપજ્યા છે જેને આ દેશના વડાપ્રધાને ગ્લોબલ વૉર્મિંગ સાથે સાંકળીને કહ્યું હતું કે હવામાન પરિવર્તન મોત નિપજાવી રહ્યું છે. આ બેનાં મોતના અહેવાલ એના પછી આવ્યા છે જ્યારે ઇબેરિયન દ્વીપકલ્પમાં ગરમીને લગતા સેંકડો મૃત્યુના અહેવાલ હતા. તાજેતરના દિવસોમાં અસાધારણ ઉંચા તાપમાને યુરોપના, ખાસ કરીને દક્ષિણ યુરોપના અનેક પ્રદેશો પર પકડ જમાવી છે જેમાં પોર્ટુગલથી માંડીને બાલ્કન પ્રદેશ સુધીના વિસ્તારોમાં દાવાનળ ભડભડી ઉઠ્યા છે.
ફ્રાન્સમાં વધુ 14,900 લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું
સ્પેન(Spain) અને ફ્રાન્સ(France)માં પણ દાવાનળો સળગી રહ્યા છે. ફ્રેન્ચ આગાહીકારોએ પણ સંભવિત વિક્રમી તાપમાનની આગાહી કરી છે જ્યારે ગરમ પવનોએ દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આગ સામે લડવાના પ્રયાસો મુશ્કેલ બનાવ્યા છે. આગ જાણે વિસ્ફોટાઇ રહી છે એ મુજબ એક ફાયર અધિકારીએ જણાવ્યું હતું. ફ્રાન્સમાં સત્તાવાળાઓએ વધુ નગરોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાનું શરૂ કર્યું છે અને જોખમી વિસ્તારોમાંથી વધુ 14900 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. આ સાથે ફ્રાન્સના ગિરોન્ડે પ્રદેશમાંથી 12 જુલાઇએ આગ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી સ્થળાંતર કરાવાયેલા લોકોની સંખ્યા 31000 પર પહોંચી છે. આગ ઓલવવાના કાર્યમાં મદદ માટે વધુ ત્રણ વિમાનો મોકલવામાં આવ્યા છે. બાલ્કન પ્રદેશના દેશોમાં છૂટા છવાયા દાવાનળો જોવા મળી રહ્યા છે જેમાં સ્લોવેનિયામાં સત્તાવાળાઓએ એક આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે. ક્રોએશિયામાં પણ નાના દાવાનળોના અહેવાલ છે.