હોસ્પિટલો દ્વારા દાખલ થયેલા દર્દીઓના ખિસ્સાની ચીરફાડ કરી દેવામાં આવતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે અનેક વખત દર્દીના પરિજનો દ્વારા હોસ્પિટલો પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને ડોકટરો પર હુમલાઓ પણ થયા છે. ડોકટરો અને હોસ્પિટલની સાથે સાથે લેબોરેટરી દ્વારા પણ આડેધડ નાણાંની વસૂલાત કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો થઈ છે. ઘણી વખત દર્દીના પરિજનો દ્વારા ખોટા આક્ષેપો પણ કરવામાં આવતા હતા. જેને કારણે ડોકટરો પર તકલીફમાં મુકાતા હતા. ઘણી વખત એવું થતું હતું કે દર્દીઓને હોસ્પિટલના બિલમાં સાચી માહિતી મળતી નહોતી. જેને કારણે વિવાદો પણ થતા હતા. અગાઉ થયેલા સરવેમાં પણ આ વિગતો બહાર આવી હતી કે દર્દીઓને બિલમાં વસ્તુ તેમજ તબીબી સારવારની સંપૂર્ણ વિગતો આપવામાં આવતી નથી.
ખુદ સુપ્રીમ કોર્ટે પણ ગયા વર્ષે કેન્દ્ર સરકારને પુછ્યું હતું કે ખાનગી હોસ્પિટલોના બિલમાં કિંમતો કેમ દેખાતી નથી? જોકે, હવે આગામી દિવસોમાં આ અંગેની ફરિયાદો નહીં રહે. આગામી દિવસોમાં તમામ હોસ્પિટલો, નર્સિંગ હોમ અને પરીક્ષણ કેન્દ્રોએ દર્દીના દરેક ખર્ચનો હિસાબ આપવાનો રહેશે. કોઈ છુપાયેલા ખર્ચાઓ હવે નહીં ચાલે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બિલ લાવવામાં આવી રહ્યું છે.
આ બિલને કારણે દર્દી અને ડોકટર વચ્ચેની માથાકૂટનો મોટાભાગે અંત આવી જશે. તબીબી સારવાર માટે ચૂકવેલી રકમ સંદર્ભની આ નવી ફોર્મેટમાં દર્દીઓના બિલની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે અને તેને કારણે પારદર્શિતા પણ વધશે. આ નવી સિસ્ટમાં દર્દીઓને તેમની સારવારની સંપૂર્ણ વિગતો આપવામાં આવશે. જેથી તેઓ જાણી શકશે કે કઈ સારવાર માટે કેટલો ખર્ચ થયો?
આ બિલમાં દરેક હોસ્પિટલો દર્દીના રૂમનું ભાડું, ડોકટરની ફી, સર્જરી ચાર્જ, ઓપરેશન થિએટરનો ચાર્જ, દવાઓની યાદી અને તેની કિંમતો, તબીબી વપરાશની વસ્તુઓ સહિતની તમામ માહિતી આપવાની રહેશે. સાથે સાથે બિલમાં દવાનો બેચ નંબર અને તેની એક્સપાયરી ડેટ પણ લખવાની રહેશે. ડોકટરોના નામ, ઈમરજન્સી સંપર્ક વિગતોની સાથે સાથે અન્ય માહિતીઓ પણ આ ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે. નવા ધોરણો પ્રમાણે હોસ્પિટલના બિલ સરળ ભાષામાં રાખવાના રહેશે અને તેના અક્ષરો પણ મોટા રાખવાના રહેશે. બિલ અંગ્રેજીની સાથે સાથે સ્થાનિક ભાષામાં પણ રાખવાના રહેશે. બીઆઈએસ દ્વારા ગયા વર્ષથી જ આ બિલ લાવવાની તૈયારી કરી દેવામાં આવી છે. આગામી 3થી 4 માસમાં આ બિલનો અમલ શરૂ થઈ જાય તેવી સંભાવના છે.
જોકે, આ બિલ આવ્યા પછી પણ કેટલી હોસ્પિટલો દ્વારા તેનો અમલ કરવામાં આવે છે તેની પર તેની સફળતાનો મોટો આધાર છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે, હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ દ્વારા પારદર્શિતા રાખવામાં આવતી નથી. દર્દીને બિલ આપવામાં આવે ત્યારે પણ તમામ માહિતી આપવામાં આવતી નથી. આ બિલ આવી તો જશે પરંતુ તેનો અમલ કેવી રીતે સરકાર દ્વારા કરાવવામાં આવે છે તેની પર આ બિલની સફળતાનો મોટો આધાર રહેશે. જો આ બિલના અમલમાં સરકાર સફળ રહેશે તો જ દર્દીઓને તેમની પાસેથી સારવારના નામે વસૂલાતા નાણાંનો હિસાબ મળશે તે નક્કી છે.
