Dakshin Gujarat

અઢી માસની બાળકીને એક્સપાયરી ડેટની બોટલ ચઢાવી દીધી

વલસાડ : ધરમપુર (Dharampur) સ્ટેટ હોસ્પિટલમાં (Stat Hospital) એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવવાની ઘટના બાદ વલસાડ સિવિલમાં પણ આવી જ ઘટના બની છે. જેમાં સિવિલ તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. સિવિલમાં દાખલ દોઢ માસની માસૂમ બાળકીને ડિસેમ્બર 2021માં એક્સપાયર્ડ થઇ ગયેલી ઇલેક્ટ્રોલાઇટની બોટલ ચઢાવી દીધી હતી. જોકે સમય સંજોગે તેના પિતાએ બોટલની તારીખ જોઇને ડોક્ટરને તેની રજૂઆત કરતાં તેણે બીજી બોટલ ચઢાવી હતી. આ સમગ્ર મામલે હોબાળો થતાં સિવિલ સર્જને એક સમિતિની રચના કરી તપાસ હાથ ધરી છે.

  • વલસાડ સિવિલ તંત્રની બેદરકારી, ડિસેમ્બર 2021ની એક્સપાયર્ડ ઇલેક્ટ્રોલાઇટની બોટલ ચઢાવી
  • મામલો સિવિલ સર્જન પાસે પહોંચતા સમિતિ રચી તપાસ હાથ ધરાઇ
  • ધરમપુર સ્ટેટ હોસ્પિટલની ઘટના બાદ વલસાડ સિવિલમાં પણ આવી જ ઘટના બની

ધરમપુરના અંબોસી ભવઠાણ ગામના રહીશ ધર્મેશભાઈ લાસિયાભાઈ ભોયાની અઢી માસની પુત્રીને હ્રદયની બિમારી હોય તેને શુક્રવારે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. જેને રવિવારે ડોક્ટરોએ અથવા નર્સે ડિસેમ્બર 2021માં એક્સપાયર્ડ થઇ ગયેલી બોટલ ચઢાવી દીધી હતી. જેના પર તેના પિતા ધર્મેશભાઇની નજર પડતાં તેણે ડોક્ટરોને તેની રજૂઆત કરી હતી. જેના પગલે બોટલ બદલાવી હતી. જોકે, આ મામલે ભારે હોબાળો મચી ગયો હતો.

કસૂરવાર હશે તેની સામે પગલાં ભરાશે
આ મામલે સિવિલ સર્જન ડો. ભાવેશ ગોયાણીએ જણાવ્યું કે બાળકીની તબિયત સ્વસ્થ છે. જોકે, તેને હ્રદયરોગની બિમારી હોય તેની સારવાર વલસાડ સિવિલમાં થતી ન હોય, તેને ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં શિફ્ટ કરી છે. બીજી તરફ આ ઘટના સંદર્ભે ડ્યૂટી પર તૈનાત નર્સના સ્ટેટમેન્ટ લેવાઇ રહ્યા છે. આ મામલે એક સમિતિની રચના કરી છે. જેઓ તેની તપાસ કરી રહ્યા છે. જો, કોઇ કસૂરવાર હશે તો તેની સામે પગલાં ભરાશે.

ર મહિને સ્ટોક ક્લિયરન્સ મિટિંગ પણ થાય છે
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર મહિને સ્ટોક ક્લિયરન્સ માટે એક મિટીંગ થાય છે. જેમાં એક્સપાયરી ડેટની દવાઓ અને સાધનોનો નિકાલ થાય છે. તેમજ કોઇ સ્ટોક વધુ હોય અને એક્સપાયરી ડેટ નજીક હોય તો તેનો જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં મોકલી આપવામાં આવે છે. આ પ્રકારના પગલાં ભરાવા છતાં આવી ભુલ થઇ તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે કયા સ્તરે આ ભુલ થઇ અને બાળકીને એક્સપાયરી ડેટની બોટલ ચઢી ગઇ એની તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top