National

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક–બસ અથડામણમાં અનેક લોકો જીવતા બળીને ખાખ

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં આજે 25 ડિસેમ્બર ગુરુવારે વહેલી સવારે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ પાસે સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં 15થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. અકસ્માત બાદ બસમાં આગ ફાટી નીકળતા અનેક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા અને જીવતા બળીને મૃત્યુ પામ્યા હતા.

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર હિરિયૂર તરફથી બેંગલુરુ જઈ રહેલી એક ટ્રકના ડ્રાઈવરે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટ્રક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જતું રહ્યું અને સામે તરફથી આવી રહેલી બેંગલુરુથી શિવમોગ્ગા જતી સ્લીપર બસ સાથે તેની સામસામે ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં તરત જ આગ લાગી ગઈ અને જોતજોતામાં આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ.

અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક મુસાફરો બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ટ્રકના ડ્રાઈવર સહિત 17 લોકો આગમાં જીવતા બળીને મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. જોકે મૃતકોની ચોક્કસ સંખ્યા ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

https://x.com/PTI_News/status/2004011189907738789?s=20

આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બસ સંપૂર્ણપણે બળી જવાથી બચાવ કાર્યમાં ભારે મુશ્કેલી પડી હતી. ચિત્રદુર્ગ જિલ્લાના પોલીસ અધિક્ષક રંજીતે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

આ દુર્ઘટનાને કારણે NH-48 પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ અને બળી ગયેલી બસને રસ્તા પરથી દૂર કર્યા પછી વાહન વ્યવહાર ધીમે ધીમે પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top