જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે બુધવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. જમ્મુથી રાજૌરી જઈ રહેલી સ્વિફ્ટ કાર ચિંગુસ વિસ્તાર નજીક રેલિંગ સાથે અથડાતાં બે લોકોના મોત થયા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સવારે અંદાજે 4:30 વાગ્યે બની હતી.
રેલિંગ સાથે કાર અથડાતા અકસ્માત
અધિકારીઓના જણાવ્યા અનુસાર કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા. કાર નિયંત્રણ ગુમાવતા તે રોડની બાજુના રેલિંગ સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ એટલી તીવ્ર હતી કે બે મુસાફરોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
મૃતકોની ઓળખ 53 વર્ષીય નાયક સિંહ (રહેવાસી: વારીપટ્ટન) અને 45 વર્ષીય મોહમ્મદ યાકુબ (રહેવાસી: સૈલા સુરનકોટ) તરીકે થઈ છે. બંનેના મૃત્યુના સમાચારથી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંને મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે.
ઘાયલોને GMC રાજૌરી હોસ્પિટલમાં સારવાર
આ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોમાં મોહમ્મદ ફારૂક (સૈલા સુરનકોટ), ડ્રાઈવર મોહમ્મદ સગીર (દિગ્વાર પૂંચ) અને મોહમ્મદ મુશ્તાક (કાકોરા માંજાકોટ)નો સમાવેશ થાય છે. ત્રણેને તાત્કાલિક જી.એમ.સી. રાજૌરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે તપાસ શરૂ કરી
સ્થાનિક પોલીસે કેસની નોંધ લઈ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ વધુ ઝડપ અથવા અંધારામાં દૃશ્યતા ઘટાડો કારણ બની શકે છે. જોકે સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે.